અંકલેશ્વરમાં પ્લાસ્ટિક બેગ્સ પકડતાં અધિકારીઓ પર દબાણ - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વરમાં પ્લાસ્ટિક બેગ્સ પકડતાં અધિકારીઓ પર દબાણ

અંકલેશ્વરમાં પ્લાસ્ટિક બેગ્સ પકડતાં અધિકારીઓ પર દબાણ

 | 3:11 am IST

 

અધિકારીઓને માફી માગવા ફરમાન કરાયું

સત્તાપક્ષના એક કાઉન્સિલરના સગાને ઝડપતાં સભ્યના રોષનો ભોગ અધિકારી બન્યા

ા અંકલેશ્વર ા

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્ય સરકાર પણ પ્રતિબંધીત પ્લાસ્ટિક બેગ્સના વપરાશ સામે કડક વલણ અખત્યાર કરે છે ત્યારે અંકલેશ્વરમાં ઉલટી રાજકીય ગંગા વહી રહી છે.

અંકલેશ્વર નગર પાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા હાલ પ્રતિબંધીત પ્લાસ્ટિક બેગ્સના ઉપયોગ સામે અભિયાન છેડવામાં આવ્યુ છે. આવી બેગ્સને ઉપયોગ કરનારા વેપારીઓની સામે દંડાત્મક કાર્યવાહી ચાલી રહી છે. જો કે, આમાં પણ સત્તાના નશામાં ચૂર એવા કેટલાક રાજકારણીઓ આડખીલી બની રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સેનીટેશન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરતાં વેપારીઓ સામેની કાર્યવાહી દરમિયાન એક વેપારી આવી બેગ્સનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. શહેરના ભરૃચી નાકા વિસ્તારમાં ઝડપાયેલા આ દુકાનદાર વળી પાલિકાનાં સત્તાપક્ષના સભ્યનાં સગા હતા અને એટલે નિષ્પક્ષ રીતે કામગીરી કરતાં અધિકારી અને કર્મચારીઓ પર જાણે ગંભીર ગુનો કર્યો હોય એમ સભ્યે માફી માગવા માટે ફરમાન કર્યું. જેની સામે સેનીટેશન ડિપાર્ટમેન્ટના અધિકારી- કર્મચારી વર્ગે પણ વિરોધ કર્યો હતો. સરકારનો ગાઇડ લાઇન મુજબ કામ કરતા કર્મચારીઓને સત્તાની મદમાં અંધ બનેલા રાજકારણીઓ જ અટકાવે ત્યારે રાજ સુરાજ કહેવાય કે કેમ એ જ ખબર ન પડે. આવી મદાંધ રાજકારણીઓને સ્થાનિક મોવડીઓ પણ અટકાવી શકતા નથી એ એમની નબળાઇ છતી કરે છે.

પ્રદુષણ અટકાવવા માટે અને પર્યાવરણની જાળવણી માટે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુનો તરફથી એવોર્ડ મળતો હોય ત્યારે એમના જ માર્ગદર્શન હેઠળ ચાલવાના ફાંફા મારતા ભાજપના અંકલેશ્વરના કેટલાક હોદ્દેદારો પોતે જ સગાવાદ ચલાવી રહ્યા છે. જે કેટલા અંશે યોગ્ય કહેવાય તેમ ચર્ચાય છે.

;