અકબર બાદશાહ પ્રતિબોધક વિજયહીર સૂરિશ્વરજી મહારાજ  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • અકબર બાદશાહ પ્રતિબોધક વિજયહીર સૂરિશ્વરજી મહારાજ 

અકબર બાદશાહ પ્રતિબોધક વિજયહીર સૂરિશ્વરજી મહારાજ 

 | 12:30 am IST
  • Share

સોળમી સદીના ઉત્તરાર્ધમાં જેમનો જન્મ થયો છે એવા વિજયહીર સૂરિશ્વરજીની સ્વર્ગારોહણ તિથિ ભાદરવા સુદ ૧૦ના દિવસે છે. એ મહાપુરુષનો પાલનપુરમાં જન્મ થયો. તેર વર્ષની નાનકડી વયે એમણે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. વિજયદાન સૂરિશ્વરજીના શિષ્ય હતા. તેજસ્વી પ્રતિભાસંપન્ન અને સંયમના તેજથી દેદીપ્યમાન હતા.

એ સમયે અમદાવાદમાં મોગલ સૂબાઓનું સામ્રાજ્ય હતું. હિંદુસ્તાન ઉપર અકબર બાદશાહનું રાજ્ય તપતું હતું. એ સમયે દિલ્હીમાં ચંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કરેલા. એમના પારણાંની શોભાયાત્રા શહેરમાં ફરતી હતી. અકબર બાદશાહે આ ઘટનાને જોઈ. આ શેનો વરઘોડો ચાલી રહ્યો છે? પોતાના માણસને પૂછયું.

તપાસ કરીને એણે જણાવ્યું કે, મહારાજ, આ તો કોઈ જૈન શ્રાવિકાએ છ મહિનાના (એક સો એંસી દિવસો) ઉપવાસ કરેલા છે. એનાં પારણાંનો દિવસ નજીકમાં છે એટલે આ શોભાયાત્રા ચાલી રહી છે.

બાદશાહ કહે છે પાગલ થઈ ગયા છો? છ મહિનાના ઉપવાસ તો થઈ શકતા હશે અને એ પણ દિવસે માત્ર પાણી જ લેવાનું. વગર ખાધે આટલા દિવસો કેવી રીતે રહી શકાય?

એમનો એક જૈન મંત્રી હતો, એને બોલાવ્યો. શું આ ગપગોળા ચલાવો છો? છ મહિનાના ઉપવાસ! 

આ ગપગોળા નથી, પણ સાચી વાત છે.

ચંપા શ્રાવિકાને બોલાવે છે એની પરીક્ષા કરે છે. ખરેખર આ ઉપવાસ કરે છે કે છાનંુમાનંુ ખાઈ ઔલે છે?

પોતાના મહેલમાં રાખીને તપાસ કરતા એને વાતમાં દમ લાગ્યો ત્યારે ચંપા શ્રાવિકાને બોલાવીને પૂછે છે, આ તું કેવી રીતે કરી શકે છે? ત્યારે એણે જવાબ આપ્યો હતોે કે આટલું મોટું તપ કરવાની મારી કોઈ ક્ષમતા નથી, પણ અરિહંત પરમાત્મા મારા દેવ અને પંચ મહાવ્રતધારી હીરસૂરિશ્વરજી મારા ગુરુદેવ છે, એમની કૃપા અને આશીર્વાદના કારણે આવાં તપ હું કરી શકું છું.

અકબર બાદશાહને આની વાત થોડી અલગ લાગી અને એમને બધા ધર્મોનો પરિચય કરવાનો શોખ હતો. જૈન મંત્રીને કહ્યું, તમારા ગુરુને બોલાવો. 

મંત્રીએ કહ્યું, ગુરુજી અત્યારે ગુજરાતમાં છે.

તો શું વાંધો છે એમને આમંત્રણ આપીને દિલ્હી બોલાવો. અમારે એમને મળવું છે.

અકબરનો અને મંત્રીનો સંદેશો લઈને કાસદ (સંદેશવાહક) રવાના થયો. અમદાવાદના જૈન સંઘ ઉપર પત્ર હતો. અમદાવાદના સંઘે પાટણ ખંભાત વગેરે સંઘોને જાણ કરી. એ સમયે હીરસૂરિજી મહારાજ ગંધાર ભરૃચની પાસે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. એમની પાસે બધા ભેગા થયા.

આચાર્ય ભગવંતને અકબર બાદશાહ પાસે જવા દેવાય કે કેમ? એની વિચારણા કરવાની છે, કારણ કે, આ તો મોગલ બાદશાહ છે. આપણા ગુરુદેવ ત્યાં જાય અને એમને કોઈ પણ જાતની તકલીફ પડે એ કેમ ચાલે? એટલા માટે આજે પૂરો સંઘ ચિંતિત હતો.

કોઈ કહે છે જવાય. બાદશાહ જો પ્રતિબોધ પામે તો કેટલી બધી હિંસા ઓછી થઈ જાય.

બીજા કહે છે, પ્રતિબોધના બદલે ગુસ્સે ભરાય તો કેટલું નુકસાન કરી શકે એ કેમ વિચારતા નથી? આ બધા પોતપોતાની વાતો રજૂ કરી રહ્યા છે. આમાં આવી રીતની વાતો કરવાવાળા પણ સાચા હતા, કારણ કે અમદાવાદ-પેટલાદ વગેરે શહેરોમાં ગુરુ ભગવંતને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડયો હતો, એટલા માટે જ તો આ વિચારણા કરવી આવશ્યક હતી.

પૂ. આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરિજી શાંતિથી બધાની વાતો સાંભળે છે. જ્યારે બધાએ પોતાની વાત બંધ કરી ત્યારે એમાંથી એક શેઠ બોલ્યા કે, ભગવંત આપ તો હવે કંઈક પ્રકાશ પાડો. આપની શું વિચારણા છે?

હીરવિજયસૂરિજીએ હવે પોતાની વાત ચાલુ કરી ઃ

મને એમ લાગે છે કે બાદશાહે સામેથી આપણને આમંત્રણ આપેલું છે. આપણે એમને મળવા જવાની વાત કરી નથી. જ્યારે સામેથી કોઈ આપણને મળવા માટે બોલાવતા હોય ત્યારે આપણે આવી નકારાત્મક વિચારણા કરવી જોઈએ નહીં, એવું મને લાગે છે છતાં સંઘ જે નિર્ણય કરે એ મને માન્ય છે.

બધાનાં મનમાં આ વાત પાકી થઈ ગઈ કે પૂજ્ય શ્રી નહીં જવાના મતમાં નથી. બધાએ એકી અવાજે વાતને વધાવી લીધી. આપ જશો તો ફાયદો થવાની સંભાવના છે. આચાર્ય ભગવંત જાય અને બાદશાહ જો બોધ પામે તો એના કારણે કેટલો બધો ફાયદો થઈ શકે? મારા જીવનની કોઈ કિંમત નથી.

આચાર્ય ભગવંતે દિલ્હી જવા માટેનો પોતાનો નિર્ણય જાહેર કર્યો.

ગંધારથી વિહાર કરીને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સૂબાએ ભવ્ય સ્વાગત કરાવ્યું. આ સૂબાએ કેટલાક સમય પહેલાં આચાર્ય ભગવંતને ઘણા પરેશાન કરેલા હતા. એણે આચાર્ય મહારાજ પાસે આવીને વિનંતી કરી કે માર્ગમાં આપને કોઈ તકલીફ પડે નહીં એ માટે હાથી-ઘોડા સોનામહોરો આપવાનો દિલ્હીપતિએ આદેશ કરેલો છે, તો આપ આજ્ઞાા કરો. બીજી વાત એમણે એ પણ કરી કે મેં આપને પરેશાન કરેલા એ વાત બાદશાહની આગળ કરશો નહીં.

આચાર્ય ભગવંતે એમને સધિયારો આપેલો કે તમે ચિંતા ન કરશો. અમારે આવી વાતો કરવાની હોય જ નહીં, આપ ચિંતા કરશો નહીં.

આચાર્ય ભગવંત દિલ્હી પહોંચ્યા. અકબર બાદશાહને અહિંસાનો મર્મ સમજાવ્યો. જેના કારણે બાદશાહે બાર મહિનામાંથી છ મહિના સુધી હિંસા ઉપર રૃકાવટ લાવી હતી.

ગુજરાતનું પાલિતાણા-જૂનાગઢમાં રહેલા સિદ્ધાચલજી અને ગિરનારજી જેવાં તીર્થો ઝારખંડના સમેતશિખર વગેરે તીર્થોના પટ્ટકો-ફરમાનો તૈયાર કરાવીને અકબર બાદશાહે હીરસૂરિશ્વરજીને અર્પણ કરેલાં હતાં.

અકબર બાદશાહનાં નવરત્નોમાં હીરસૂરિશ્વરજીનો પણ સમાવેશ થતો હતો.

એ સમયે જૈન સંઘ તપગચ્છમાં એમનું એકચક્રી સામ્રાજ્ય હતું. એમના ગુરુ મહારાજ દાનસૂરિજી મહારાજા હતા. એમના બીજા પણ ગુરુભાઈ હતા અને તે આમનાથી વડીલ હતા. એ સિવાયના પણ કેટલાક વિદ્વાન મુનિવરો હતા. એમણે ગુરુદેવને વિનંતી કરેલી કે તપગચ્છના નાયક તરીકે વિજય હીરસૂરિશ્વરજી મહારાજાની નિમણૂક કરો તો વધારે સારું.

એ સમયે પૂ. આચાર્યશ્રી દાનસૂરિજી મહારાજ સિરોહી (રાજ)માં બિરાજમાન હતા. એમણે તપગચ્છના અધિષ્ઠાયક માણિભદ્ર યક્ષરાજને તપ કરવા દ્વારા પ્રત્યક્ષ કરેલા અને એમને પૂછેલું કે, મારા પછી ગચ્છનું સુકાન કોને સોંપવું જોઈએ? ત્યારે જવાબ મળેલો કે વિજયહીરસૂરિને ગચ્છનું સુકાન સોંપવામાં આવે.

વિજયહીર સૂરિશ્વરજી આજ્ઞાામાં બે હજાર કરતાં વધારે સાધુ-મહાત્માઓ હતા. એમનું અંતિમ ચાતુર્માસ ઊના સૌરાષ્ટ્રમાં હતું. ભાદરવા સુદ દશમના દિવસે પરલોકના પંથે પ્રયાણ કરેલું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન