અજિત : સારા દેશ જિસે 'લાયન' કે નામ સે જાનતા હૈ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અજિત : સારા દેશ જિસે ‘લાયન’ કે નામ સે જાનતા હૈ!

અજિત : સારા દેશ જિસે ‘લાયન’ કે નામ સે જાનતા હૈ!

 | 3:00 am IST
  • Share

અજિતની વિલનગીરીની સ્ટાઈલ કોઈ મોટી કોર્પોરેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જેવી હતી. એક એમડીની અદાથી તેઓ પોતાના ગુંડાઓને હીરોને ઠેકાણે પાડી દેવાનો આદેશ આપી દેતા!

એ વખતે અજિતના ‘ડોન્ટ બી સિલી, લિલી’, ‘લિક્વિડ ઈસે જીને નહીં દેગા, ઓક્સિજન ઈસે મરને નહીં દેગા’, ‘કહો તો ફિર અંદર કર દૂ’, ‘મોના, લૂટ લો સોના’ જેવા વનલાઈનર્સ હીરોના લાંબાલચક ડાયલોગ પર પણ ભારે પડી જતા!

બચ્ચન, ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાની ફિલ્મોમાં સફેદ સૂટ, બો ટાઈ સાથે મોંઘી પાઈપમાંથી ધુમાડો ઉડાવતો એ વિલન યાદ હશે! સપાટ ચહેરો છતાં હિંદી-અંગ્રેજીના ચોટદાર વનલાઈનર્સ સાથે કોઈ કોર્પોરેટ કંપનીના ઉચ્ચ અધિકારી જેવો રોફ જમાવતા એ ખલનાયક એટલે અજિત.  

અજિતની સ્ટાઈલ તેમના સમકાલીન ખલનાયકો જેવા કે પ્રેમ ચોપડા, રણજિત અને ત્યારબાદના અમરીશ પુરી વગેરેથી અનેક રીતે અલગ હતી. તેઓ વિલન તરીકે ઉભરી આવ્યા ત્યાં સુધીમાં પ્રાણ સ્ટાઈલની ડ્રોઈંગ રૂમવાળી વિલનગીરી પણ ખતમ થઈ ચૂકી હતી અને વિલનગીરી ક્ષેત્રે નવીનતાનો શૂન્યાવકાશ સર્જાયો હતો. જેને અજિતે ભરી દીધો. તેમની વિલનગીરીની સ્ટાઈલ કોઈ મોટી કોર્પોરેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જેવી હતી. જેમ કોઈ કોર્પોરેટ કંપનીના એમડી સાવ સહજતાથી પોતાની નીચે કામ કરતા કર્મચારીઓને કોઈ મોટો પ્રોજેક્ટ સોંપે, એવી જ રીતે અજિત પોતાના ચેલાઓ-સાગરીતો, જેમનાં નામ મોટાભાગે ‘રોબર્ટ’ કે ‘જેક’ હોય, તેમને હીરોને ઠેકાણે પાડી દેવાનો આદેશ આપી દેતા. ખંધા તો એટલા કે સ્માઈલ સાથે પોતાની ‘મોના ર્ડાિંલગ’ને પણ ડ્રોઅરમાં પડેલી પિસ્તોલ ઉઠાવીને પતાવી દેવામાં મોડું ન કરતા!  

અજિતની વિલનગીરીની સૌથી મજાની વાત એ હતી કે ગળે ન ઊતરે તેવી મારામારી અને હાથોહાથની લડાઈમાં તેમને જરાય વિશ્વાસ નહોતો. તેઓ તો નિતનવાં શસ્ત્રો, સાયન્ટિફિક ઉપકરણો અને હટ્ટાકટ્ટા ચેલાઓની મદદથી હીરોની ચાલાકીઓને ત્યાં સુધી નિષ્ફળ બનાવતા રહેતા, જ્યાં સુધી ફિલ્મના અંતમાં હીરો અને એ પછી પોલીસ તેમનો ખેલ ખતમ ન કરી દે.

તેમની વિલનગીરીની વધુ એક યુનિક બાબત હતી તેમના વનલાઈનર્સ! ‘ડોન્ટ બી સિલી, લિલી’, ‘લિક્વિડ ઈસે જીને નહીં દેગા, ઓક્સિજન ઈસે મરને નહીં દેગા’, ‘કહો તો ફિર અંદર કર દૂ’, ‘મોના, લૂટ લો સોના’ જેવા તેમના વનલાઈનર્સ હીરોના લાંબા ડાયલોગ પર પણ ભારે પડી જતા. આજેય તેમના આવા વનલાઈનર્સ તેમના ચાહકો ભૂલ્યાં નથી. તેમનું આ સ્વરૂપ એ વખતની ‘નૌજવાન’, ‘જૂગનુ’, ‘યાદોં કી બારાત’, ‘છુપા રૂસ્તમ’, ‘કાલીચરણ’ અને ‘ધર્મા’ જેવી અનેક ફિલ્મોમાં ઉભરી આવ્યું હતું. સુભાષ ઘાઈની ફિલ્મ કાલીચરણમાં તેમણે ભજવેલું લોયનનું પાત્ર તો તેમનું પર્યાય જ બની ગયું હતું. ‘સારા શહેર મુજે લાયન કે નામ સે જાનતા હૈ..’ આ સંવાદ આજે પણ તેમના નામ સાથે જોડાયેલો રહ્યો છે.  

તેમનું સાચું નામ તો હમીદ અલી ખાન હતું, પણ હિન્દી ફિલ્મોમાં જેમ યુસૂફ ખાન દિલીપકુમાર થયા, રાજીવ ભાટિયા અક્ષયકુમાર બની ગયો એ રીતે તેઓ હમીદ અલી ખાનમાંથી અજિત બની ગયેલા. 27 જાન્યુઆરી, 1922ના રોજ હૈદરાબાદના ગોળકુંડામાં જન્મેલા હમીદ અલી ખાનને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેમના પિતા બશીર અલી ખાન હૈદરાબાદના નિઝામની સેનામાં કામ કરતા હતા. અન્યોની જેમ અજિત પણ ફિલ્મોમાં હીરો બનવાનું સપનું સાકાર કરવા માટે મુંબઈ આવેલા. ભાડાંના પૈસા ન હોવાથી તેમણે પાઠયપુસ્તકો વેચીને મુંબઈની ટ્રેન પકડેલી! મુંબઈમાં નાળાં બનાવવા માટે વપરાતા સિમેન્ટની પાઈપોમાં રહીને અને ગુંડાઓ સામે લડત આપીને તેમણે દિવસો કાઢયા હતા. કેટલીક ફિલ્મોમાં નાનામોટા રોલ કર્યા પછી હીરો તરીકે તેમને પહેલી ફિલ્મ વર્ષ 1946માં મળી, જેનું નામ હતું ‘શાહ એ મિસ્ર’. એ પછી તેમણે પાંચ ફિલ્મો કરી, જેમાં એક મધુબાલા સાથેની ‘બેકસૂર’ પણ હતી, પણ તે ફ્લોપ ગયેલી. એ પછી ફિલ્મના નિર્દેશક કે. અમરનાથની સલાહથી તેમણે પોતાનું નામ હમીદ અલી ખાનથી બદલીને અજિત કરી દીધું અને પછી જાણે ચમત્કાર થયો!  

 તેમની મોટાભાગની ફિલ્મોની જેમ આઈ.એસ. જૌહર નિર્દેશિત ‘નાસ્તિક’માં પણ તેમની હિરોઈન નલિની જયવંત હતી. ફિલ્મ ઘણી સફળ રહી. અને એ પછી તેમણે ‘નાસ્તિક’, ‘પતંગા’, ‘ઢોલક’, ‘મોતી મહેલ’, ‘તીરંદાજ’ જેવી 15 જેટલી ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી. એ સમયની ટોચની અભિનેત્રીઓ મધુબાલા, મીનાકુમારી, માલા સિન્હા, સુરૈયા, નિમ્મી અને મુમતાઝ સાથે કામ કર્યું. જોકે ત્યાં સુધીમાં તેમને સમજાઈ ગયું કે તેમનો ખરબચડો ચહેરો અને જાડું શરીર એ સમયની ફિલ્મોના હીરોને લાયક નહોતાં. એટલે તેમણે કોઈપણ પ્રકારની ફરિયાદ કર્યા વિના ચરિત્ર અભિનેતાનાં પાત્રો ભજવવાનું શરૂ કરી દીધું. બદલેલો એ ટ્રેક તેમને ફળ્યો, કેમ કે ‘નયા દૌર’ અને ‘મુગલ એ આઝમ’માં દિલીપકુમાર સાથે તેમણે કરેલા રોલને આજે પણ યાદ કરવામાં આવે છે. એ પછી વિલન તરીકે તેઓ ટ્રેન્ડસેટર બન્યા.  

1982 પછી તેઓ ધીરેધીરે ફિલ્મોમાંથી નિવૃત્ત થવા લાગ્યા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધતી જતી ગેરશિસ્ત અને અનપ્રોફેશનલ માહોલ તેમને માફક ન આવ્યો. બાકીની અસર તેમની હૃદયની બીમારીએ પૂરી કરી. તેમણે હૃદયની બાયપાસ સર્જરી કરાવવી પડી. તેમનું ઓપરેશન અમેરિકાના પ્રખ્યાત સર્જન ડેન્ટન કૂલીએ સ્વયં કર્યું હતું. ઓપરેશન પછી તેઓ પોતાના વતન હૈદરાબાદમાં દ્રાક્ષ અને દાડમની ખેતી કરીને સમય પસાર કરવા લાગ્યા. એ પછી તેમણે નિર્માતા-નિર્દેશકોના આગ્રહને વશ થઈને કેટલીક ફિલ્મો કરી, પણ તેમાં તેમને પહેલાં જેવી મજા નહોતી આવતી. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે 200 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. અંગત જીવનની વાત કરીએ તો, તેમણે પહેલા લગ્ન એક ફ્રેન્ચ લેડી ગ્લેન ડી મોંટે સાથે કર્યાં હતાં, જેમનાથી તેમને કોઈ સંતાન નહોતું. પછી તેમણે બીજાં લગ્ન શાહિદા અલી ખાન સાથે કર્યાં, જેમનાથી ત્રણ સંતાનો શાહિદ અલી ખાન, જાહિદ અલી ખાન અને આબિદ અલી ખાન થયાં. પરિવારની લીલી વાડી જોઈને છેલ્લે જીવનની સફર પૂર્ણ કરતા અજિતે 22 ઓક્ટોબર, 1998ના રોજ પોતાના વતન હૈદરાબાદમાં દુનિયાને અલવિદા કહ્યું. પાંચ દાયકા સુધી તેઓ ફિલ્મજગતમાં છવાયેલા રહ્યા. હિંદી સિનેમામાં વિલનને એક અનોખી સ્ટાઈલ આપવા બદલ તેમને કદી ભૂલી નહીં શકાય. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો