અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીના નોમિનેશનનું સપ્ટેમ્બરમાં ઇન્સ્પેક્શન - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીના નોમિનેશનનું સપ્ટેમ્બરમાં ઇન્સ્પેક્શન

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીના નોમિનેશનનું સપ્ટેમ્બરમાં ઇન્સ્પેક્શન

 | 3:41 am IST

અમદાવાદ, તા. ૨૦

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દોઢ કરોડનો ખર્ચ કરીને અમદાવાદને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવા માટે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતુ. કેન્દ્ર સરકારે છ મહિના પહેલા અમદાવાદને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટી માટે યુનેસ્કોમાં નોમિનેશન મોકલી આપ્યું છે. હવે અગામી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના હેરિટેજ સીટીના દરજ્જાના ટેકનિકલ ઇવેલ્યુએશન માટે યુનેસ્કોની ટેકનીકલ શાખાના એક્સપર્ટ અમદાવાદ આવશે. યુનેસ્કોની એક્સપર્ટ ટીમ જે અભિપ્રાય આપશે તે મુજબ મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવા માટે રૂ.૫૦ લાખના ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાશે.

ઐતિહાસિક મહત્વ ધરાવતાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળે તે માટેની તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. અમદાવાદ મ્યુનિ.એ વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળે તે માટે દોઢ કરોડનો ખર્ચ કરાયો હતો પણ અમદાવાદ માટે વર્લ્ડ હેરિટેજ સિટીના નોમિનેશન માટે કરાયેલા ડોઝિયરમાં ભારે ગોટાળા હતા બાદમાં તાત્કાલિક નવેસરથી ડોઝિયર બનાવીને કેન્દ્રને મોકલી આપવામાં આવ્યું હતુ.

કેન્દ્ર સરકારના નવી દિલ્હી ખાતે એએસઆઇ ડીજી દ્વારા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો અપાવવા માટે પસંદગી કરાઇ હતી. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળે તે માટે દરખાસ્ત યુનેસ્કો-પેરિસ ખાતે મોકલવામાં આવી હતી. યુનેસ્કોએ આ દરખાસ્ત સ્વીકારી લીધી છે. જેથી હવે આગળની કાર્યવાહી શરૂ થઇ છે. અગામી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ શહેરના નોમિનેશન અંગે ટેકનીકલ ઇવલ્યુશન માટે યુનેસ્કોની ટેકનીકલ શાખાના ICOMOS એક્સપર્ટ અમદાવાદ આવશે. ICOMOS એક્સપર્ટની સુચના મુજબ મ્યુનિ. દ્વારા આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવશે. જેની માટે રૂ.૫૦ લાખનો ખર્ચ કરાશે.  ફિલ્ડ વર્ક, રિસર્ચ માટે રૂ.૧૦ લાખ, કોમ્પ્યુટર-સોફ્ટવરે અને પ્રિન્ટીંગ માટે બે લાખનો, સેમિનાર સહિતના કાર્યક્રમો માટે ત્રણ લાખ, એક્સપર્ટની મુલાકાત પાછળ રૂ.૪ લાખનો ખર્ચ થશે.  સેપ્ટને રૂ.૧૬ લાખ ચૂકવવામાં આવશે. અન્ય રૂ.૧૫ લાખનો ખર્ચ કરાશે.