અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો વસ્ત્રાપુરમાં ફાટક ઉપર આગચંપી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો વસ્ત્રાપુરમાં ફાટક ઉપર આગચંપી

અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો વસ્ત્રાપુરમાં ફાટક ઉપર આગચંપી

 | 3:23 am IST

અમદાવાદ, તા.૨૦

ઊના દલિત અત્યાચાર સામે આજે દિવસભર અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ ઉપર જનઆક્રોશ દેખાયો હતો. દલિત અત્યાર સામે આપવામાં આવેલા બંધના એલાનને પૂર્વના વિસ્તારોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો જ્યારે પિૃમના પણ કેટલાંક વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતા. જોકે, દિવસભર ચાંદખેડા, વાડજ, અમરાઇવાડી, સરસપુર, મેઘાણીનગર, અસારવા, દાણીલીમડામાં દલિત સમાજના લોકોએ રોડ ઉપર આવીને રોષ ઠાલવ્યો હતો. જેમાં અમરાઇવાડીના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેથી સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે બે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે ટીયર ગેસ છોડતાં દોડધામમાં હાટકેશ્વર પાસે લવજી વાઘેલા નામના યુવકને ઇજા થઇ હતી. ગોમતીપુરમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. બીજી તરફ મોડી સાંજે વસ્ત્રાપુર રેલવે પાટા ઉપર ટોળાએ ટાયર સળગાવીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો.  ચાંદખેડા, દાણીલીમડા, મેઘાણીનગર, અસારવા, સરસપુર સહિતના અન્ય વિસ્તારોમાં લોકોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે વિવિધ વિસ્તારોમાંથી ૫૦૦ જેટલા લોકોની અટકાયત કરી હતી.

આજે ગુજરાત બંધનું એલાનને શહેરના પૂર્વમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો જ્યારે પિૃમના કેટલાંક વિસ્તારોમાં પણ બંધની ખાસ્સી અસર જોવા મળી હતી. સવારે ૧૦.૩૦ વાગ્યે ચાંદખેડા, વાડજ સહિત અન્ય વિસ્તારોમાં દલિત સમાજના લોકોએ રેલી કાઢીને ચક્કાજામ કર્યા હતા. હાટકેશ્વરમાં એએમટીએસ બસને રોકી લોકોએ બે કલાક ચક્કજામ કર્યો  હતો. ટોળાએ હાટકેશ્વર હેન્ડલુમમાં તોડ ફોડ કરી બંધ કરાવ્યું હતુ. મહિલાઓ થાળી વેલણ વગાડી ચક્કા જામ કર્યો હતો. ગીરધરનગર બ્રીજ પર લોકો સુઇને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. બપોરના ચાર વાગ્યાની આસપાસ અમરાઇવાડી અને ગોમતીપુરમાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. શહેરના ગુલબાઇ ટેકરા, આંબાવાડી, શાહિબાગ, નરોડા, મેઘાણીનગર સહિતના પૂર્વના તમામ વિસ્તારોમાં ટોળા દુકાનો બંધ કરાવી  હતી. સીજી રોડ પર ટોળાએ દુકાનો બંધ કરાવી હતી જેમાં નવરંગપુરા પોલીસે ફરિયાદ મળતા ૩ની અટકાયત કરી  હતી. ચાંદખેડામાં રેલી યોજાઇ હતી. પોલીસે સવારે ૧૨ લોકોની અટકાયત કરી  હતી.

કોંગ્રેસ કોર્પોરેટરોનો સરકાર સામે  મોરચો, ભાજપના દલિત કોર્પોરેટરો દેખાયા નહીં

શહેરમાં દલિત અત્યાચાર સામે ચાંદખેડા, દાણીલીમડા સહિત અન્ય વિસ્તારોમાં તો કોંગ્રેસના દલિત કોર્પોરેટરોએ સરકાર સામે સીધો મોરચો માંડી દીધો હતો. ઠેક-ઠેકાણો દેખાવો કરીને વિરોધ કર્યો હતો ચાંદખેડામાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીની આગેવાનીમાં ચક્કાજામ કરાયો હતો. દાણીલીમડામાં જમનાબહેન વેગડાની આગેવાનીમાં આક્રમક દેખાવો કર્યા હતા. જુનાવાડજ-નવાવાડજમાં દલિતોએ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો પણ સ્થાનિક ભાજપના દલિત મહિલા કોર્પોરેટર અને ડે.મેયર પ્રમોદાબહેન સુતરિયા દેખાયા પણ ન હતા. દલિત મુદ્દે તેઓએ લોકોને સાંત્વના આપવાની પણ તસ્દી લીધી ન હતી. બીજી તરફ કેટલાંક વિસ્તારોમાં ભાજપના દલિત કોર્પોરેટરોએ જાહેરમાં આવવાનું ટાળ્યું હતુ. દલિત સંગઠનોએ ગઇકાલે સાંસદ કિરીટ સોલંકીના ઘરનો ઘેરાવ કર્યો હતો. આજે અસારવાના ધારાસભ્ય આર એમ પટેલના ઘરે દલિત સમાજના ટોળા ઉમટયાં હતો. હવે આવતીકાલે દલિત કોર્પોરેટરોને ઘેરાવ કરાય તેવી સંભાવના છે.

ઇસનપુરમાં ઉદ્ધવ ઠાકરેનું પૂતળું બાળ્યું

ઇસનપુર વિસ્તારમાં મધુવન પાર્ટી પ્લોટ ખાતે લોકોના ટોળાંએ શિવસેનાના સર્વેસર્વા એવા ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરી તેનું પૂતળું બાળ્યું હતું જેથી પોલીસ દોડતી થઇ હતી. ઉના અત્યાચારના આરોપીઓ શિવસેના સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. દાણીલીંમડામાં સ્થાનિકોએ કેન્ડલમાર્ચ કાઢી તો હાટકેશ્વરમાં મહિલાઓએ થાળી-વેલણ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.

AMTS-STની ૩૦થી વધુ બસોના કાચ તૂટયાં

દલિત સમાજના લોકોએ આજે બંધના એલાન વખતે એએમટીએસ અને એસટી બસોને નિશાન બનાવી હતી. જેમાં શાહિબાગમાં બપોરે એસટી બસના કાચ તોડાયા  હતા. કલાપીનગરમાં બસના કાચ તોડાયા  હતા. આ સિવાય વીએસ હોસ્પિટલ આગળ બસના કાચ તોડાયા હતા  અને સાંજના સમયે ટોળાએ શાહપુર શંકરભુવન પાસે સાત બસોના કાચ તોડયાં હતા. જેથી શહેરમાં જાહેર પરિવહન સેવાને અસર થઇ હતી. તે ખોરવાઇ હતી.

AMTS-BRTSને ૨૪ લાખનું નુકસાન

બંધના એલાનને કારણે એએમટીએસની ૧૧ બસોને કાચ તૂટયા હતા. ઉપરાંત રોજની ૨૬ લાખની આવકમાં ૧૦ લાખનું તથા બીઆરટીએસને રૂ.૧૪ લાખનો ફટકો પડયો હતો.  

એએમટીએસની સવારની પાળીમાં ૭૫ અને બીજી પાળીમાં ૮૦ મળી કુલ ૧૫૫ બસો રૂટ પરથી પાછી ખેંચી લેવાઇ હતી બીઆરટીએસના કુલ ૨૬૪ બસોના કાફલામાંથી માત્ર ૨૦ બસો જ રૂટ પર દોડી હતી. જેથી ૧૪ લાખનો ફટકો પડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન