અમરેલી પાલિકાની સામાન્ય સભામાં ખુરશીઓના ઘા : ૪ નગરસેવિકાને ઈજા - Sandesh
  • Home
  • Rajkot
  • અમરેલી પાલિકાની સામાન્ય સભામાં ખુરશીઓના ઘા : ૪ નગરસેવિકાને ઈજા

અમરેલી પાલિકાની સામાન્ય સભામાં ખુરશીઓના ઘા : ૪ નગરસેવિકાને ઈજા

 | 1:09 am IST

  • એજન્ડાના મુદા પર ચર્ચા બાજુએ રહી અને ખુરશીઓ તૂટી ગઈ એ હદે તોફાની માથાકુટ
    અમરેલી : અમરેલી નગરપાલિકમાં વેરો વધારવો સહિતના વિવિધ મુદ્દે સત્તાપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તે વચ્ચે આજે મળેલી અમરેલી પાલિકાની સામાન્યસભામાં ચર્ચા કર્યા વગર જ સભા પૂરી કરી દેવાના મુદ્દે સભ્યોએ સામસામે ખુરશીઓના ઘા કર્યા હતા અને તોડફોડ કરી હતી. સભા બાદ ૪ નગરસેવિકા સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. આજે અમરેલી નગરપાલિકા કચેરી ખાતે પહેલી જ સામાન્યસભા મળી હતી જેમાં અમરેલી પાલિકા પ્રમુખ જયંતીભાઈ રાણવા દ્વારા સભ્યોનું સ્વાગત કરીને એજન્ડા મુજબના ૯૪ ઠરાવો તમામ સભ્યોએ વાંચ્યા હોવાથી તેમાં જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂઆત કરવી તેમ કહીંને સામાન્યસભાને પૂર્ણ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. અમરેલી પાલિકાના સભ્ય સંદિપભાઈ ધાનાણી, હંસાબેન જોષી સહિત ૧૮ સભ્યો દ્વારા એજન્ડામાંના તમામ ૯૪ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગણી કરવામાં આવી હતી પણ પ્રમુખ અને સભ્યોએ તે ન સ્વીકારતા પાલિકાના સત્તાપક્ષના જ બન્ને જૂથના સભ્યો સામસામે આવી ગયા હતા અને ખુરશીના છુટ્ટા ઘા કર્યા હતા. સ્ટેજ પર બેઠેલા હોદ્દેદારો દ્વારા સભ્યોને ચૂપ કરાવવા માટે ખુરશીઓના ઘા કરાયાનો આક્ષેપ કરાયો હતો જ્યારે સામાપક્ષે સભ્યોએ ચર્ચા ન કરવા મુદ્દે ખુરશીઓના ઘા કર્યા હોવાનો પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સભાખંડની અદર તૂટેલી ખુરશીઓના ઢગલા ખડકાયા હતા. બાદમાં ર૪ તરફે અને ૧૮ વિરોધના મતોથી તમામ ઠરાવો પસાર થઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સામાન્યસભા પૂરી થયા બાદ પ્રમુખ સહિતના સભ્યો નાટકીય ઢબે અમરેલી પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા અને બાદમાં ફરિયાદ પાછી પણ ખૈંચી લેવામાં આવી હતી.