અશ્વિનનાં જાદુઈ પ્રદર્શનથી વિન્ડીઝ સામે ભારતની ઇનિંગ-૯૨ રને જીત - Sandesh
  • Home
  • Sports
  • અશ્વિનનાં જાદુઈ પ્રદર્શનથી વિન્ડીઝ સામે ભારતની ઇનિંગ-૯૨ રને જીત

અશ્વિનનાં જાદુઈ પ્રદર્શનથી વિન્ડીઝ સામે ભારતની ઇનિંગ-૯૨ રને જીત

 | 3:00 am IST

એન્ટિગુઆ, તા. ૨૫ 

રવિચંદ્રન અશ્વિનની જાદુઈ બોલિંગની મદદથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ અને ૯૨ રને ભવ્ય જીત મેળવી હતી. ભારતે પ્રથમ દાવમાં વિરાટ કોહલીની બેવડી સદી અને આર. અશ્વિનની સદીની મદદથી આઠ વિકેટે ૫૬૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ દાવમાં ૨૪૩ રન બનાવી ઓલ આઉટ થઈ જતાં ફોલોઓન થઈ હતી. બીજા દાવમાં ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૩૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં કાર્લોસ બ્રાથવેઇટ અને સેમ્યુઅલ્સે અર્ધી સદી ફટકારી હતી જ્યારે બીશૂએ ૪૫ રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિને ૮૩ રન આપી સાત વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં સદી અને બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કરનાર અશ્વિનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતે આ જીત સાથે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ઇનિંગ સાથે પ્રથમ વખત જીત મેળવી છે જ્યારે એશિયા બહાર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત છે.આ પહેલાં ભારતે એશિયા બહાર ઝિમ્બાબ્વે સામે વર્ષ ૨૦૦૫માં બુલાવાયોમાં રમાયેલી મેચમાં ઇનિંગ અને ૯૦ રને મેચ જીતી હતી.  

વેસ્ટ ઇન્ડીઝ મેચના ચોથા દિવસે લંચ બાદ બે વિકેટે ૭૬ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી ત્યારે અશ્વિને બ્લેકવૂડ અને ચેસ અને સેમ્યુઅલ્સને આઉટ કરતાં ૧૦૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અમિત મિશ્રાએ ડોરવિચને પેવેલિયન મોકલ્યા બાદ ૧૩૨ રનના કુલ સ્કોરે અશ્વિને પોતાની પાંચમી વિકેટ ઝડપતાં હોલ્ડરને પેવેલિયન મોકલ્યો હતો. હોલ્ડર આઉટ થયો ત્યારે ભારત વધુ રનના અંતરથી મેચ જીતશે તેમ લાગી રહ્યું હતું ત્યારે કાર્લોસ બ્રાથવેઇટ અને દેવેન્દ્ર બિશૂએ નવમી વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી નોંધાવી હારનું અંતર ઓછું કર્યું હતું. અશ્વિને બિશૂને આઉટ કરી ભાગીદારી તોડી હતી. અશ્વિને તે જ ઓવરમાં શૈનોન ગેબ્રિયલને બોલ્ડ કરી ભારતને જીત અપાવી હતી.  

અશ્વિનનો અનોખો રેકોર્ડ

અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૧૧૩ રન બનાવા ઉપરાંત બીજી ઇનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. એક ટેસ્ટમાં સદી અને સાત વિકેટ ઝડપવાની સૌથી પહેલાં સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના જેક ગ્રોગરીએ મેળવી હતી. ગ્રોગરીએ વર્ષ ૧૯૨૧માં સદી ફટકારી હતી અને સાત વિકેટ પણ મેળવી હતી. ગ્રોગરી બાદ ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી ઇયાન બોથમે ૧૯૭૮ અને ૧૯૮૦માં બે વખત આ સિદ્ધિ મેળવી હતી ત્યારે ૧૯૮૦ પછી છેક ૩૬ વર્ષે અશ્વિને સદી ફટકારવા ઉપરાંત સાત વિકેટ ઝડપી છે. આ ઉપરાંત અશ્વિને ટેસ્ટમાં બે વખત સદી અને પાંચ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈ માં ૨૦૧૧માં અશ્વિને ૧૦૩ રન બનાવવાની સાથે નવ વિકેટ પણ ઝડપી હતી. ભારત તરફથી અશ્વિન પહેલાં વિનુ માંકડ અને પોલી ઉમરીગર એક-એક વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ ઇયાન બોથમ રેકોર્ડ પાંચ વખત મેચમાં સદી અને પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી ચૂક્યા છે.  

ભારતે જીતની લય જાળવી રાખવી જોઇએ : કોહલી 

કોહલીએ કહ્યું કે, અમે સતત મેચ જીતવાની આદત કેળવવા માગીએ છીએ. જો અમે ટેસ્ટ મેચમાં જીત મેળવવાનું શીખી જઇએ તો દરેક સ્થળે જીત મેળવતાં શીખી જઇશું. અમને ખ્યાલ આવી જશે કે, અલગ-અલગ પરિસ્થિતિમાં કેવી રીતે રમવું જોઇએ. અમારે ટીમને અનુરૂપ પ્રદર્શન કરવાનું છે. મેચમાં જીત માટે બોલરોની પ્રશંસા કરતાં કોહલીએ કહ્યું કે, તમામ બોલરોએ જવાબદારી પૂર્વક બોલિંગ નાખી હતી. પ્રથમ ઇનિંગમાં ઉમેશ યાદવ અને શમીએ સારી બોલિંગ કરી હતી જ્યારે બીજી ઇનિંગમાં અશ્વિને જવાબદારી ઉઠાવી લીધી હતી. ભારતીય ટીમના કોચ બનેલા અનિલ કુંબલેએ પણ જીત સાથે શરૂઆત કરી અને કોહલીએ કુંબલેની સાથે આ નવા અધ્યાય પર ખુશી વ્યક્ત કરી હતી. કુંબલેએ જીત બદલ ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. 

ભારતે પાક.ને પાછળ છોડયું 

ભારતે વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૯૨ રને પરાજય આપવાની સાથે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ૧૨૮મી જીત મેળવી છે અને ટેસ્ટ ક્રિકેટમાં જીતના મામલે પાકિસ્તાનથી આગળ નીકળી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે ૧૨૭ ટેસ્ટ મેચ જીતી છે અને તે અત્યારે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમે કુલ ૪૯૬ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી ૧૨૮માં જીત, ૧૫૭માં હાર મળી છે. ૨૧૦ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પાકિસ્તાને ૩૯૭ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી ૧૨૭માં જીત, ૧૧૧માં હાર મળી છે. ૧૫૮ મેચ ડ્રો કરવામાં સફળ થઈ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન