અસંતોષનો કોઈ ઉત્તર નથી - Sandesh

અસંતોષનો કોઈ ઉત્તર નથી

 | 1:12 am IST

સૂક્ષ્મ સત્ય : જે. કૃષ્ણમૂર્તિ

એવું શું છે કે જેનાથી આપણને અસંતોષ છે? ચોક્કસપણે જે છેતેનાથી આપણને અસંતોષ છે. આ જે છેતે કદાચ સામાજિક વ્યવસ્થા હોઈ શકે, જે છેતે કદાચ સંબંધ હોઈ શકે, જે છેતે કદાચ આપણે જે છીએ તે હોઈ શકે. અનિવાર્યપણે આપણે જે છીએ-કે જેમાં કુરૂપતા, ભટકતા વિચારો, મહત્ત્વાકાંક્ષાઓ, હતાશા, અસંખ્ય ભય છે; આ એ જ છે જે આપણે છીએ. આપણે માનીએ છીએ કે તેનાથી દૂર જવામાં આપણા અસંતોષનો જવાબ મળશે. આમ, આપણે હંમેશાં કોઈ એવો ઉપાય શોધીએ છીએ – જે છેતેને બદલવાનો ઉપાય – અને માત્ર તેની જ સાથે આપણા મનને નિસ્બત છે.

જો હું અસંતુષ્ટ હોઉં અને જો હું તેનો ઉપાય શોધતો હોઉં, સંતોષ મેળવવાનો ઉપાય શોધતો હોઉં તો મારું મન તે ઉપાયના વિચારમાં જ રોકાયેલું રહે છે. એ ઉપાય અને સંતોષ મેળવવા માટે અથવા તે ઉપાયને કેવી રીતે અમલમાં મૂકવો તેમાં જ રોકાયેલું રહે છે. તેથી હવે હું અસંતોષ સાથે નિસ્બત ધરાવતો નથી, એ અંગારા સાથે કે એ સળગતી જ્વાળા સાથે નિસ્બત ધરાવતો નથી કે જેને આપણે અસંતોષ કહીએ છીએ. આપણે એ અસંતોષની પાછળ શું છે એ શોધી કાઢતા નથી. આપણને નિસ્બત છે કેવળ એ જ્વાળાથી દૂર જતા રહેવા સાથે, એ સળગતી ચિંતાથી દૂર જવા સાથે…

આ ઘણું મુશ્કેલ છે, કારણકે આપણા મનને ક્યારે સંતોષ થતો નથી. જે છે તેની તપાસ કરવામાં તે ક્યારેય સંતોષ પામતું નથી. તે હંમેશા જે છેતેનું બીજા કશાકમાં રૂપાંતર કરવા ઈચ્છે છે – જે નિંદાની, વ્યાજબી ઠરાવવાની કે તુલના કરવાની પ્રક્રિયા છે. જો તમે તમારા પોતાના મનનું નિરીક્ષણ કરશો તો તમે જોશો કે તેને જ્યારે જે છેતેનો રૂબરૂ સામનો કરવાનો આવે છે ત્યારે તે નિંદા, વ્યાજબી ઠરાવવાનું કરે છે વગરે વગરે. અને તેમ કરીને જે છેતને દૂર ધકેલી દે છે. જે ખલેલ પહોંચાડે છે, જે પીડા આપે છે, જે ચિંતાજનક છે તેને તે એકબાજુ હડસેલી દે છે.