આંગડીયા લૂંટનો ભેદ કલાકોમાં ઉકેલાયો ફરિયાદી જ સુત્રધાર નીકળ્યો, પાચ ઝબ્બે - Sandesh
 • Home
 • Jamnagar
 • આંગડીયા લૂંટનો ભેદ કલાકોમાં ઉકેલાયો ફરિયાદી જ સુત્રધાર નીકળ્યો, પાચ ઝબ્બે

આંગડીયા લૂંટનો ભેદ કલાકોમાં ઉકેલાયો ફરિયાદી જ સુત્રધાર નીકળ્યો, પાચ ઝબ્બે

 | 6:43 am IST

 • ઘરના ઘાતકી કૌટુંબીક કાકા એવા શેઠે ૨૦,૦૦૦ નહીં આપતા સાગ્રીતો સાથે મળી પ્લાન બનાવ્યો હતો
 • રાજકોટઃ રાજકોટના સામાકાંઠે ગઢીયાનગરમાં આવેલી ન્યુ દુર્ગા એર સર્વિસ નામની આંગડીયા પેઢીનું સંચાલન કરતા બિહારના વતની વિક્રમસિંહ કેદારસિંહના હાથમાંથી સાત લાખની રોકડ ભરેલા થેલાની થયેલી લૂંટ (પોલીસે નોંધી ચીલઝડપ)ની ઘટનામાં ફરિયાદી વિક્રમસિંહ પોતે જ સુત્રધાર નીકળ્યો છે.
  પોલીસે સુત્રધાર વિક્રમસિંહ બીહારી ઉ.૩૦ તથા અન્ય સાગરીતો જીજ્ઞેશ પ્રભુભાઈ વેગડા ઉ.વ.૨૮ (રહે. માયાણીનગર આવાસ યોજના. ક્વાર્ટર) ઉજૈનના વતની હાલ રાજકોટમાં ભાવનગર રોડ પર હરસિધ્ધી સોસાયટીમાં રહેતા અમરસિંહ શિવનારાયણ તબોળીયા ઉ.વ.૩૭, ચેતન સંજયભાઈ ચાવડા ઉ.વ.૨૨ તથા બિહારના વતની અને રાજકોટમાં શક્તિ સોસાયટીમાં રહેતા રંજન દિલીપભાઈ પાંડે ઉ.વ.૧૯ની ૬,૮૩,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી કલાકોમાં ભેદ ઉકેલ્યો છે.
  સુત્રધાર વિક્રમસિંહના કૌટુંબીક કાકા ઉદયસિંહની માલીકીની ન્યુ દુર્ગા એર સર્વિસ છે. મુખ્ય ઓફિસ બિહારના પટનામાં છે જે માલિકઉદયસિંહ પોતે સંભાળે છે. રાજકોટની બ્રાન્ચનું સંચાલન ભત્રીજાને સોંપ્યું હતું. વિક્રમસિંહને પુત્રની સારવાર માટે વીસ હજાર રૂપીયાની જરૂર હોય માલિક કાકાના પુત્ર પાસે માંગ્યા હતા જો કે તેણે નાણા આપવાની ના કહીં દેતા નાણાંભીડ અને ના પાડતા લાગી આવતા કાકાના જ રૂપીયા ચાઉં કરી જવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટને અંજામ આપવા તેણે પોતાના જ ગામના કૌટુંબીક ભાણેજ રાજકોટ રહેતા રંજન પાંડે કે જેને પણ નાણાની જરૂરીયાત હોય પ્લાન અંગે વાત કરી હતી. રંજન તૈયાર થયો હતો અને તેણે અંજામ આપવા માટે પોતાને ત્યાં પાણીનો કેરબો મુકવા આવતા ચેતનને વાતમાં લપેટયો અને નાણાની લાલચ આપી હતી. કેતને તેના અન્ય બે મિત્રો જીજ્ઞેશ તથા અમરસીંગને વાત કરીને સાથે જોડયા હતા.
  ગઈકાલે કાકા ઉદયસિંહનો ચાંદીના પાર્સલના પેમેન્ટ ચુકવવા માટે સાત લાખ આંગડીયામાં મોકલ્યા હોવાનો વિક્રમસિંહ પર ફોન આવ્યો હતો. વિક્રમે સોનીબજારની ભારત આંગડીયા પેઢીમાં ફોન કરીને કન્ફર્મ કર્યું હતું. નાણા આવી ગયાની જાણ થતા વિક્રમે સાગરીત રંજનને વાત કરી હતી અને રંજને અન્ય સાગરીતોને તૈયાર કર્યા હતા. પ્લાન મુજબ વિક્રમસિંહ તેના પેઢીના મકાનમાલિક જીતુભાઈ કાપડીયાને બાઈક પર નાણા લેવા સાથે લઈ ગયો હતો. નાણા મેળવી પરત પેઢી પર આવી રહ્યા હતા ત્યારે ગઢની રાંગ પાસે કપિલા હનુમાન મંદિર નજીક પ્લાન મુજબ જીજ્ઞેશ અને અમરસિંહ એક્ટીવા લઈને આવ્યા હતા અને વિક્રમસિંહ પાસે રહેલી રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છુટયા હતા.
  ઘટના અંગે વિક્રમસિંહે પોતાના કાકાને ફોન કરીને જાણ કરી પોલીસને પણ જાણ કરી પોલીસે દોડધામ કરી હતી અને એ ડિવીઝનપોલીસમથકે સાંજે એક્ટીવા સ્વાર બેલડી સામે ગુનો નોંધાયો હતો. ક્રાઈમબ્રાન્ચ, એ ડિવીઝન પોલીસે સી.સી.ટીવી, આઈવે પ્રોજેક્ટના કેમેરાઓ ચેક કર્યા હતા. અને મળેલી કડીના આધારે કલાકોમાં જ રાતોરાત પાંચેય આરોપીઓ જેમાં રોકડ ભરેલો થેલો લઈને જામનગર- અમદાવાદ રૂટની બસમાં અમદાવાદ જવા એસ.ટી.બસમાં નાસી છુટેલા જીજ્ઞેશ, ચેતન અને અમરસિહને બસને બામણબોર નજીક આંતરીને દબોચી લીધા હતા અને ત્રિપુટીની પુછતાંછમાં સુત્રધાર ખુદ બિહારી શખસ ફરિયાદ વિક્રમસિંહ જ હોવાનું ખુલતા તેને અને સાથ આપનાર રંજનને પણ ઉઠાવી લઈ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ કમિશનરે ઓપરેશનમાં જોડાયેલા ક્રાઈમબ્રાન્ચ પી.આઈ. એચ.એમ. ગઢવી, પી.એસ.આઈ. એ.એસ.સોનારા, યુ.બી. જોગરાણા, પી.એમ. ઘાખડા, એસ.વી.પટેલ તથા ટીમ અને એ ડિવીઝન પી.આઈ. એન.કે. જાડેજા તથા તેમની ટીમને ૧૫ હજાર રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.
  ફરિયાદી સાથે હોવાથી બધા બિંદાસ્ત હતા એક્ટીવાના નંબર પણ ન બદલ્યા
  ઘટનાને અંજામ આપવા માટે થેલો આંચકવા ગયેલી બેલડી જીજ્ઞેશ અને અમરસિંગ ફરિયાદી વિક્રમસિંહ પોતે જ સાથે હોવાથી બિંદાસ્ત હતા. જીજ્ઞેશે પોતાનું જ એક્ટીવા કામ પાર પાડવા લીધું હતું. પોલીસે આરંભે એક્ટીવાના નંબર મેળવવા મથામણ કરી હતી પરંતુ કેમેરામાં નંબર સ્પષ્ટ થયા ન હતા. ટેકનોલોજીનો ઉપયોગ કરી એક્ટીવાના નંબર મેળવતા એક્ટીવા જીજ્ઞેશના પત્નીના નામનું હતું. એડ્રેસ જીજ્ઞેશના સસરાના ઘરનું હોય એક ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાંથી જીજ્ઞેશના ઘરના એડ્રેસે પહોંચ્યા હતા.
  ચોર પે મોર સુત્રધારે અગાઉ જ એક લાખ કાઢી લીધા, ચારેય’ને ૨૦,૨૦ હજાર દેવાનો હતો
  કાકાનું જ ચકરડું ફેરવી નાખવાનો પ્લાન કરનાર વિક્રમસિંહે સાત લાખનું આંગડીયું આવ્યું હતું એમા અગાઉથી જ એક લાખ કાઢી લઈ છ લાખ જ ગ્રીન કલરના થેલામાં મુક્યા હતા. થેલો કોઈ પ્રતિકાર વીના સરળતાથી આપી શકે એ માટે બાઈક પણ તેણે સાથે રહેલા જીતુભાઈને ચલાવ્યા આપ્યું અને પોતે પાછળ થેલો લઈને બેઠો હતો. લૂંટમાં જોડાયેલા તમામને કામ પાર પડયે ૨૦,૨૦ હજાર રૂપીયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદમાં સાત લાખ લખાવે અને સાગરીતો પાસેથી થેલામાંથી છ લાખ નીકળે એટલે સાગરીતોને પણ લાખ કેમ ઓછા ? કોને લીધા ? કહી ઉલ્ટા દબાવીને ૨૦,૨૦ હજાર પણ નહીં દેવાની મુરાદ હતી.
 • કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન
  ચીલઝડપમાં વપરાયેલા એક્ટીવાના નંબર આધારે પોલીસ જીજ્ઞેશના ઘર સુધી પહોંચી હતી. જીજ્ઞેશ થોડીવાર પહેલા જ નીકળી ગયાનું અને એક ઈસમ મુકવા ગયાનુંં પરિવારે જણાવતા પોલીસે એ ઈસમને ઉઠાવ્યો હતો. તેણે જીજ્ઞેશ અને તેની સાથે બે વ્યક્તિને ગ્રીનલેન્ડ ચોકડી પાસે છોડયા અને ત્રણેય અમદાવાદ જતી સૌરાષ્ટ્ર એકક્ષપ્રેક્ષ લખેલી એસ.ટી.બસમાં નીકળ્યાનું જણાવ્યું હતું. તુરત જ એસ.ટી.મેનેજરનો પોલીસે સંપર્ક કર્યો હતો અને રાત્રે નવ વાગ્યે નીકળેલી બસનું લોકેશન મેળવ્યું હતું. બસ બામણબોર પાસે પહોંચી હતી. ક્રાઈમબ્રાન્ચ ટીમે બસને રસ્તામાં અટકાવી હતી અને બસમા મુસાફર બની દસેક કિ.મી. બેઠા અને ત્રણેય ઈસમોને વર્ણનના આધારે પારખીને દબોચી લીધા હતા. ત્રણેયે આપેલી કેફિયતને આધારે એક ટીમે રાજકોટમાં ઘરે નીરાંત જીવે ઉંઘેલા સુત્રધાર વિક્રમસિંહ તથા રંજન પાંડેને પણ ઉઠાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન