આખરે ૩ મહિને પ્રજાની જીત - Sandesh
  • Home
  • Baroda
  • આખરે ૩ મહિને પ્રજાની જીત

આખરે ૩ મહિને પ્રજાની જીત

 | 2:45 am IST

છોટાઉદેપુર-વડોદરા ટ્રેનનો પ્રારંભ થતાં લોકોને રાહત

ફાટક નંબર ૧૦૧ને કારણે ટ્રેન વ્યવહાર બંધ થઇ જતાં રોજ એક હજાર મુસાફરો અટવાતાં હતા

બપોરે એક કલાકે ટ્રેન છોટાઉદેપુર આવી પહોંચતા લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુરમાં દિવસ દરમિયાન આવતી અને જતી ટ્રેનની આઠ ટ્રીપ ગત તા.૧૩ જૂનથી રેલવે ફાટક નં.૧૦૧ના કારણે બંધ થઇ ગઇ હતી. એ ટ્રેન ચાલુ કરાવવા અર્થે આ વિસ્તારના બે સાંસદોએ અનેક રજૂઆતો કરતાં આ ટ્રેન તા.૧૨ સપ્ટેમ્બરથી પુનઃ શરૃ કરવામાં આવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે. ત્રણ મહિનાથી બંધ પડેલી ટ્રેન બુધવારથી શરૃ થતાં પ્રજામાં રાહત થઇ છે. આ ટ્રેન પુનઃ ચાલુ થતાં રોજના એક હજાર મુસાફરોને અપડાઉનમાં સરળતા થઇ છે.

પ્રતાપનગર વડોદરાથી ૧૦ઃ૧૦ કલાકે ઉપડેલી ટ્રેન છોટાઉદેપુર ૧ કલાકે આવી પહોંચતા રેલવે સ્ટેશને ટોળાં એકત્રિત થયા હતાં. માજી રેલવે મંત્રી અને રાજ્ય સભાના સભ્ય નારણ રાઠવા તથા રેલવે વડોદરા ડિવિઝન સિનીયર એન્જિનિયર હર્ષકુમાર તથા સેકશન અધિકારી એ.પી. મૌર્યનું તથા રેલવેના ડ્રાઇવર અને ગાર્ડનું લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું.

અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, તા.૧૨થી ટ્રેન શરૃ થશે જેને લઇ પ્રતાપનગર રેલવે સ્ટેશન અને બોડેલી રેલવે સ્ટેશને મુસાફરો એકત્રિત થયાં હતાં, પરંતુ રેલવે સત્તાધીશો દ્વારા સવારે ૬ઃ૧૫ કલાકે વડોદરાથી ઉપડતી ટ્રેન નહીં મોકલતાં અનેક મુસાફરો અટવાયાં હતા. તેઓએ અન્ય વાહનોમાં આવવાની ફરજ પડી હતી.

સાંસદ રામસિંગભાઇ રાઠવા વડોદરાથી ટ્રેનમાં છોટાઉદેપુર આવ્યા હતા, જ્યાં તેઓનું રેલવે સ્ટેશને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેશન વિસ્તારમાં ફાટક નં.૧૦૧ આવેલી છે. ત્યાંથી સીધો રસ્તો ગોધરા તરફ જાય છે. એ રોજ ઉપર આવેલ ગામડા અને સ્ટેશન વિસ્તારના રહીશોને જવાની મુશ્કેલી પડે તેના ડાયવર્ઝન અર્થે વિવાદ ચાલતો હતો, પરંતુ હાલમાં એનો રસ્તો નીકળતાં ફાટક બંધ કરી વાહનો અન્ય રસ્તે જતા થયા છે.

રેલવે દ્વારા ઓવરબ્રિજ મંજૂર થયેલો છે. તેની રેલવે ટ્રેક પાસેની કામગીરીનો પ્રારંભ તા.૧૩થી શરૃ થનાર હોવાનું રેલવે અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.

બંધ પડેલી રેલવે ટ્રેનો ચાલુ કરાવવા અર્થે છોટાઉદેપુર વિસ્તારના રાજ્યસભા અને લોકસભા સાંસદ વચ્ચે ભારે સ્પર્ધા ચાલતી હતી જેનું તા.૧૨ના રોજ નિરાકરણ આવતા આનંદની લાગણી ફેલાઇ હતી.

ટ્રેનનું સમય પત્રક

છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગર જવા માટેનો ટ્રેનનો સમય

સવારે ૦૬ઃ૧૫ કલાકે,

સવારે ૧૦ઃ૧૫ કલાકે,

બપોરના ૦૩ઃ૩૫ કલાકે,

સાંજના ૦૫ઃ૦૫ કલાકે.

વડોદરાથી છોટાઉદેપુર ટ્રેનનો આવવાનો સમય

સવારે ૦૭ઃ૨૦ કલાકે,

સવારે ૧૦ઃ૧૦ કલાકે,

સવારે ૧૧ઃ૩૫ કલાકે,

સાંજે ૦૬ઃ૧૦ કલાકે.

માત્ર ડેમુ સિવાય તમામ ટ્રેનો પ્રતાપનગર સુધી જશે. ડેમુ ટ્રેન વિશ્વામિત્રિ સુધી જશે.

૮ ડબ્બાની ટ્રેનમાં પહેલાં દિવસે મોળો પ્રતિસાદ મળ્યો

ત્રણ મહિના પહેલા ૧૨ જૂને બંધ થયેલી ટ્રેનો આજથી પુનઃ એ જ જૂના શિડયૂઅલ સાથે શરૃ કરી દેવાઇ છે. આજે પહેલી ટ્રેન ૧૨ વાગે નીકળી તેમાં આઠ ડબ્બા જોડાયેલાં હતા, જેમાં પ્રત્યેક ડબ્બામાં આઠથી દસ પેસેન્જર બેઠેલા જોવા મળ્યા હતા. સાસંદ રામસિંહ રાઠવા ઉત્સાહભેર ટ્રેનમાં બેસી આવ્યા અને નારિયેળ પણ ફોડયું હતું. તો સ્ટેશન માસ્તરની કેબીનમાં પણ આંટો મારી આવ્યા હતા.

એન્જિન પાસે મંત્રોચ્ચાર સાથે નારિયેળ વધેરાયું

બોડેલી ઃ બોડેલીથી છોટાઉદેપુર વચ્ચે ત્રણ મહીના બંધ રહેલી રેલવે ટ્રેનો આજે બુધવારથી પુનઃ શરૃ થઇ ગઇ છે. બપોરે ૧૨ વાગ્યે બોડેલીથી છોટાઉદેપુર જવા નીકળેલ પહેલી ટ્રેનમાં સાંસદ રામસિંહ રાઠવાએ બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. તેમણે રેલવે મંત્રીને પણ આ બંધ થયેલ ટ્રેનો પુનઃ શરૃ કરવા રજૂઆતો કરી હતી તેમ બોડેલી રેલવે સ્ટેશનેેે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું.  બોડેલીથી છોટાઉદેપુર જવા ઉપડેલી ટ્રેનના એન્જિન પાસે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રોચ્ચાર કરી નારીયેળ વધેરી ત્રણ મહીના પછી પુનઃ ટ્રેનો શરૃ થતા નવેસરથી આરંભ થયો હોય તેવો ઉન્મામ વ્યક્ત કર્યો હતો. રામસિંહ રાઠવાએ આ પ્રસંગે બોડેલી રેલવે સ્ટેશને જણાવ્યુ હતું કે, છોટાઉદેપુર આરઓબી માટેની કામગીરી ઝડપતી પૂર્ણ થશે. મધ્યપ્રદેશના ધાર સુધી ટ્રેનો દોડાવવા માટે આગળની રેલવે ટ્રેકનું પણ ઝડપી કામ હાથ ધરવામાં આવશે.સાંસદ  પ્રતાપનગરથી જ આ ટ્રેનમાં બેસીને આવ્યા હતા. તેઓ ૧૨ વાગે બોડેલીથી ટ્રેન આવી ત્યારે ભાજપ કાર્યકરોએ વિવિધ સુત્રોચ્ચાર કર્યો હતા.

ડિસેમ્બર સુધીમાં ટ્રેનને એમપી સુધી દોડાવાશે

ડભોઇ ઃ વડોદરા-વાયા ડભોઇ, બોડેલી છોટાઉદેપુર ટ્રેન ટ્રેકના રિપેરિંગને કારણે છેલ્લા ત્રણ માસથી બંધ હતી. આ ટ્રેન આજે બુધવારે પુનઃ શરૃ થઈ હતી. તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ સવારે પ્રતાપનગરથી ઉપડી ૧૧ઃ૧૫ કલાકે ટ્રેન ડભોઇ આવી પહોંચી હતી. વડોદરા પ્રતાપનગરથી છોટાઉદેપુર સુધી સાંસદે મુસાફરી કરી હતી અને ડભોઇ આવી પહોંચતા ડભોઈના ભાજપા આગેવાનો વકીલ અશ્વીનભાઇ પટેલ, સુખદેવભાઇ પાટણવાડીયા, દિક્ષીતભાઇ સોની, દિપકભાઇ જયસ્વાલ, વિશાલ શાહ, વિ.જે. શાહ, ડો. જશભાઇ પટેલ, એમ.સી. રાણા, સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. સાંસદ રામસિંગ રાઠવાએ જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર સુધી આ ટ્રેનને મધ્યપ્રદેશ સુધી દોડાવામાં આવશે.

પ્રજાનું હિત દરેક વ્યક્તિએ જોવું જોઇએ

છોટાઉદેપુર રેલવે સ્ટેશને લોકસભાના સાંસદ રામસિંગ રાઠવા ટ્રેનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, કેટલાંક તત્વો રેલવે ફાટક ખુલ્લી રાખવા માગતાં હતા, પરંતુ એ શક્ય બન્યું નથી. પ્રજાનું હિત દરેક વ્યક્તિએ જોવું જોઇએ.

;