આજથી બે દિવસ અને એક રાતના દિવાસા વ્રતનો આરંભ - Sandesh
  • Home
  • Bhavnagar
  • આજથી બે દિવસ અને એક રાતના દિવાસા વ્રતનો આરંભ

આજથી બે દિવસ અને એક રાતના દિવાસા વ્રતનો આરંભ

 | 11:28 pm IST

ભાવનગર, તા.૧
આવતીકાલે અષાઢી અમાષથી બે દિવસ અને એક રાત્રિના દિવાસા વ્રતનો આરંભ થશે. યુવતીઓ અને નવપરિણીતા દ્વારા દિવાસાનું વ્રત રહેવામાં આવશે. જ્યારે પરિણીત મહિલાઓ એક દિવસનું પતિ અને બાળકોના દિર્ઘાયુષની સાથે પરિવારની સુખ-સમુધ્ધિ માટે એવ્રત-જીવ્રત ધારણ કરશે. બન્ને વ્રતનું કાલે જાગરણ હોવાથી શહેરના તમામ સર્કલો અને જાહેરસ્થળો પર હડકેઠાઠ માનવ મહેરામણ ઉમટી પડશે. આ સાથે કેટલીક મહિલાઓ દ્વારા દશા માતાજીના ૧૦ દિવસીય વ્રતનો પણ ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવશે. જો કે, મોટાભાગના બહેનો દ્વારા શ્રાવણ માસના પ્રથમ દિવસથી દશા માતાજીના વ્રતનું વ્રત ધારણ કરવામાં આવશે.
વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ર્ધાિમક ક્રિયા. હિન્દુ ધર્ધમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. સનાતન હિન્દુધમની પૌરાણિક કથાઓમાં વિવિધ વ્રતનું માહત્મય દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને અષાઢ-શ્રાવણ માસમાં આવતા બહેનોના વ્રત-જાગરણની વિશેષતા અલગ છે. ગૌરીવ્રત, જયા પાર્વતી વ્રત બાદ અષાઢ માસની અમાસેયુવતીઓ દ્વારા દિવાસાનું કઠિન વ્રત કરવામાં આવે છે. આવતીકાલે તા.૦૨-૦૮ને મંગળવારે હરિયાળી (અષાઢ) અમાસથી બે દિવસ અને એક રાતના દિવાસા વ્રતનો આરંભ થશે. દિવાસા વ્રત નિમિતે યુવતીઓ અને નવપરિણીત બહેનો સવારે સોળે શણગાર સજીને વ્રતની પૂજા કરવા દેવસ્થાનોએ જશે. ત્યારબાદ પોતાના ઘરે મંદિર પાસે એક સ્થાનક કરી ત્યાં માટીના ગરબામાં ઘી-તેલનો દિવો પ્રજ્વલીત કરી મુકી જે દિવો બીજા દિવસે સંધ્યાકાળ સુધી સતત પ્રજ્વલીત રાખવામાં આવશે. જ્યારે વ્રતધારણ કરનારી બહેનો ફરાર તેમજ આખી રાતનું જાગરણ પણ કરશે. ત્યારબાદ બુધવારે સૂર્યાસ્ત થતાં ઘરમાં પ્રસ્થાપિત કરાયેલા દિવાને દેવસ્થાનકે લઈ જઈ પૂજન-અર્ચન કર્યા બાદ વ્રતની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
દિવાસા વ્રતની સાથે આવતીકાલે મંગળવારે એવ્રત-જીવ્રતની પણ ઉજવણી કરવામાં આવશે. પરિણીત મહિલાઓ દ્વારા પતિ અને બાળકોના લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખ-શાંતિ તેમજ સમુધ્ધિ બની રહે તે માટે વ્રત ધારણ કરવામાં આવશે. વ્રતધારી બહેનો સવારે દેવસ્થાનોમાં જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરી રાત્રે જાગરણ કરશે. જેથી આવતીકાલે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં રાત પડશે અને દિવસ ઉગશે! તેવો માહોલ જોવા મળશે. ખાસ કરીને બાગ-બગીચા, જાહેર સ્થળો, સિનેમાગૃહો, ર્ધાિમક સ્થાનકોએ વ્રતના જાગરણની રંગત જોવા મળશે. ઉપરાંત ઘણી મહિલાઓ અષાઢ વદ-૧૫ (અમાસ)થી દુઃખ હરનારા દશા માતાજીનું ૧૦ દિવસીય વ્રત પણ ધારણ કરશે. તેથી આગામી દોઢ સપ્તાહ સુધી સમગ્ર ગોહિલવાડમાં વ્રતોની ઉજવણી, ઉત્સાહ અને આનંદ થી સમગ્ર વાતાવરણ ધર્મમય બની જશે. કાલે જાગરણ નિમિતે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત સાથે નાઈટ પેટ્રોલીંગ વધારી દેવામાં આવશે. એવ્રત-જીવ્રત અને દિવાસા વ્રતને અનુસંધાને બહેનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દશા માતાજીના શણગારના દર્શન

ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલ રામજી મંદિર ખાતે મંગળવારથી દુઃખ હરનારા દશા માતાજીના શણગારના દર્શન રાખવામાં આવ્યા છે. તો આગામી ૧૦ દિવસ સુધી યોજાનાર દર્શનનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.