આજે જયા પાર્વતીનું જાગરણ, રાત પડશે'ને દી' ઉગશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • આજે જયા પાર્વતીનું જાગરણ, રાત પડશે’ને દી’ ઉગશે

આજે જયા પાર્વતીનું જાગરણ, રાત પડશે’ને દી’ ઉગશે

 | 12:01 am IST

ભાવનગર, તા.૨૦  

ગોહિલવાડમાં આવતીકાલે જયા પાર્વતી વ્રતના જાગરણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. કુવારિકાઓ અને પરિણીત યુવતીઓ દ્વારા પાંચ દિવસ સુધી જયા પાર્વતીનું વ્રત કર્યા બાદ કાલે જાગરણ સાથે વ્રતની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. જો કે, આધુનિક સમયમાં જાગરણની ઉજવણીમાં પણ પરિવર્તન આવ્યું છે. અગાઉના સમયમાં બહેનો ગલી, મહોલ્લા અને શેરીઓમાં વિવિધ રમતો રમી નિર્દોષ આનંદ માણતા હતા. પરંતુ હવે બાગ-બગીચા, સિનેમા ગૃહો અને હરવા-ફરવાના સ્થળોએ જઈ જાગરણ કરવાનું ચલણ વધ્યું છે. જેના કારણે શેરી-મહોલ્લાઓ સૂમસામ ભાસે છે.  

હિન્દુ સભ્યતામાં દરેક તહેવારો અને ઉત્સવોનો અલગ જ માહત્મય રહેલો છે. ખાસ કરીને મનગમતા ભાવિ ભરથારને પામવા અને પતિની દિર્ઘાયુષ માટે કુંવારિકાઓ અને પરિણીત યુવતીઓ જયા પાર્વતીનું કઠીન વ્રત કરે છે. ભગવાન શિવ અને પાર્વતી સાથે સંકળાયેલા જયા પાર્વતી વ્રતની એક દંતકથા રહેલી છે. જે મુજબ અષાઢ વદ-૧૩થી જયા પાર્વતીનું પાંચ દિવસીય વ્રત શરૃ થાય છે. આથી ગત રવિવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. વ્રતધારી બહેનોએ મીઠા વગરનું ખાઈ ઉપવાસ-એકટાંણા કર્યા બાદ આવતીકાલે વ્રતના પાંચમાં અને અંતિમ દિવસે બહેનો જયા પાર્વતીનું જાગરણ કરશે. આ ઉપરાંત પરિણીત મહિલાઓ દ્વારા મધસળીના એક દિવસીય વ્રત અને જાગરણની પણ ઉજવણી કરાશે. જેના કારણે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં આવતીકાલે ગુરૃવારે રાત પડશે અને દી’ઉગશે. જેવો માહોલ જોવા મળશે. શહેરમાં ગાંધી સ્મૃતિ સર્કલ, નિલમબાગ સર્કલ, મહિલાબાગ સર્કલ, પીલગાર્ડન સર્કલ, શિવાજી સર્કલ સર્કલ, ઘોઘાસર્કલ, સરદારનગર સર્કલ, વેલેન્ટાઈન સર્કલ, જોગર્સપાર્ક સહિતના બાગ-બગીચાઓમાં માનવ મહેરામણ ઉમટેલો જોવા મળશે. જ્યારે જાગરણ નિમિતે સિનેમાગૃહોમાં પણ ફિલ્મોના વધારાના શો રખાયા હોવાથી લોકોની ભીડ જોવા મળશે. સાથે તખ્તેશ્વર, ખોડિયાર મંદિર વગેરે સ્થળોએ પણ જઈ લોકો જાગરણની મજા માણશે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાં પણ જયા પાર્વતી વ્રતના જાગરણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.  

બહેનો, નવ યુગલો, મહિલા-બાળાઓની સાથે સાથે રોમિયોગીરી કરવા માટે જાગરણમાં બાઈકો લઈ યુવાનો પણ આંટા-ટલ્લા મારવા નિકળી પડશે. જેમની માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસનો દરેક સર્કલ અને જાહેર માર્ગો પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેથી બહેનો મુક્ત મને જાગરણની મજા માણી શકશે.  

અત્રે નોંધનિય છે કે, સમય સાથે જાગરણની ઉજવણીમાં પણ ઘણો ફેર આવ્યો છે. પહેલા વ્રતધારી બહેનો તેમના પરિવાર અને મહોલ્લાની સખીઓ સાથે શેરી, ગલી અને ઘર આસપાસના વિસ્તારોમાં જ રહી સોગઠા બાજી, કોડીની રમત, અંતાક્ષરી, અડમણી દાવ, રાસગરબા જેવી વિવિધ નિર્દોષ રમતો રમી આનંદ અને ઉત્સાહથી જાગરણ કરતી હતી. પરંતુ હાલના સમયમાં શેરી રમતો કરતા બાગ-બગીચામાં જઈને જ જાગરણની ઉજવણી કરવામાં આવી રહી છે. વળી, જાગરણ નિમિતે હજારો-લાખો રૃપિયાના પેટ્રોલનો ધૂમાડો પણ થાય છે.  

  • વિએચપી દ્વારા બહેનો માટે જાહેર કાર્યક્રમોનું આયોજન  

આવતીકાલે જયા પાર્વતીના જાગરણ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદની યુવા બહેનોના સંગઠન દુર્ગાવાહિની દ્વારા સનાતન ધર્મના સંસ્કારોને પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુ અને હિન્દુ સમાજની બહેનોને જોડવા માટે આવતીકાલ તા.૨૧-૭ને ગુરૃવારે રાત્રે ૯-૩૦ કલાકે શહેરના દરબાર હાઉસ-નિર્મળનગર, રામેશ્વર મંદિર, ભોળાનાથ સોસાયટી, સુભાષનગર અને રામજી મંદિર-નવા પ્લોટ, વરતેજ ખાતે બહેનો માટે રાસ ગરબા, રમત-ગમતની હરિફાળ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમ મેળવનાર બહેનોને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવશે. તો બહેનોએ જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા દુર્ગાવાહિની દ્વારા અનુરોધ કરાયો છે.