આતંકીઓને `વીણી-વીણી’ને શોધી કાઢવા તુર્કીમાં કટોકટી - Sandesh
  • Home
  • World
  • આતંકીઓને `વીણી-વીણી’ને શોધી કાઢવા તુર્કીમાં કટોકટી

આતંકીઓને `વીણી-વીણી’ને શોધી કાઢવા તુર્કીમાં કટોકટી

 | 9:05 am IST

તુર્કીમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના નિષ્ફળ બળવા પછી પ્રમુખ રેકપ તૈયપ અર્દોગાને બુધવારે સમગ્ર દેશમાં ત્રણ મહિના માટે કટોકટીની જાહેરાત કરી છે. પ્રમુખ આ સાથે નિષ્ફળ બળવા પાછળ દોરી સંચાર કરનાર આતંકી જૂથને ઓળખી કાઢવાનો પણ સંકલ્પ કર્યો છે.

તુર્કીના પ્રમુખ તૈયપે નિષ્ફળ બળવા માટે અમેરિકામાં દેશવટો ભોગવતાં ધાર્મિક નેતા ફતુલ્લાહ ગુલેનના સમર્થકોને દોષિત ગણાવ્યા છે. સમગ્ર દેશમાંથી અત્યાર સુધી 50 હજારની ધરપકડ કરાઈ છે અને શકમંદ કાવતરાખોરોને તેમનો હોદ્દા પરથી દૂર કરાયા છે.

પ્રમુખના પેલેસે આ અંગે જણાવ્યું હતું કે નિષ્ફળ બળવાના પ્રયાસમાં સંડોવાયેલા આતંકી સંગઠનના બધા જ તત્વોને તાત્કાલિક દૂર કરવા માટે કટોકટીની જાહેરાત આવશ્યક છે. કટોકટીની જાહેરાત પછી સરકારને બેફામ સત્તા પ્રાપ્ત થાય છે. પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રજાતંત્ર અંગે જરાય બાંધછોડ નહીં કરાય. પ્રમુખના પેલેસમાં એર્દોગાનના વડપણ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ તથા કેબિનેટની લાંબી બેઠક પછી આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી.

આ અંગે તુર્કીના અધિકારીએ જણાવ્યું હતું કે તેનાથી અવરજવર પર લગામ મુકવા સરકારને અમર્યાદીત સત્તા પ્રાપ્ત થશે. જોકે સરકાર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંધન નહીં કરે અને નાણાકીય તથા વ્યવસાયિક પ્રવૃતિઓ નિયંત્રિત નહીં કરશે નહીં.

અગાઉ 1987માં દક્ષિણ-પૂર્વ પ્રાંતોમાં કુર્દો સામે લડવા માટે તેટલા વિસ્તારમાં કટોકટીની જાહેરાત કરાઈ હતી. 2002મા આ કટોકટી દૂર કરાઈ હતી. તુર્કીના બંધારણની અનુચ્છેદ 120માં કટોકટી જાહેર કરવાની જોગવાઈ છે.