આદર્શ બિલ્ડિંગને તોડવાને બદલે કબજો લેવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્રને નિર્દેશ - Sandesh
  • Home
  • Mumbai
  • આદર્શ બિલ્ડિંગને તોડવાને બદલે કબજો લેવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્રને નિર્દેશ

આદર્શ બિલ્ડિંગને તોડવાને બદલે કબજો લેવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્રને નિર્દેશ

 | 3:25 am IST

મુંબઇ, તા. ૨૨  

સર્વોચ્ચ અદાલતે મુંબઇમાં બાંધવામાં આવેલી ૩૧ માળની ગેરકાયદે આદર્શ સોસાયટીની ઇમારતનો કબજો કેન્દ્ર સરકારને સોંપવાનો આદેશ આપતાં જણાવ્યું હતું કે આ ઇમારતને તોડી પાડવામાં ન આવે. એપ્રિલ મહિનામાં મુંબઇની વડી અદાલતે આ ઇમારતને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. શુક્રવારે સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે આ ઇમારતનો કબજો સોંપવાનું કામ પાંચ ઓગસ્ટે અથવા તે પહેલાં પુરૂ કરવામાં આવે. ઇમારતનો કબજો સોંપવાની પ્રક્રિયા મુંબઇ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની દેખરેખ હેઠળ પુરી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં મુંબઇની વડી અદાલતે આપેલા ચુકાદા સામે આદર્શ કોઓેપરેટિવ હાઉસિંગ સોસાયટીએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારો, જેમણે લાયકાત વિના તેમાં ફલેટ મેળવ્યા હતા-તેમની સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. કારગીલ યુદ્ધમાં સૈનિકોની વિધવા બનેલી મહિલાઓ માટે બનાવવામાં આવેલા ફલેટ આ રાજકારણીઓ અને અમલદારોએ તેમના નામે પચાવી પાડયા હતા. આદર્શ સોસાયટીએ કરેલી અરજીને ધ્યાનમાં લઇ મુંબઇ હાઇકોર્ટની બેન્ચે એપ્રિલમાં તેના આદેશનો અમલ કરવા સામે ૧૨ સપ્તાહનો સ્ટે આપ્યો હતો જેથી આદર્શ સોસાયટી સર્વોચ્ચ અદાલતમાં અપીલ નોંધાવી શકે. આદર્શ સોસાયટીએ તેની ૯૦ દિવસની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ સ્પેશિયલ લિવ પિટિશન નોંધાવી હતી.  

આદર્શ સોસાયટી અગાઉ ડિમોલિશન ઓર્ડર સામે કેસ હારી ગયેલી અગાઉ આદર્શ સોસાયટી પર્યાવરણ અને વન મંત્રાલયે આપેલાં આ ઇમારતને તોડી પાડવાના આદેશ સામેનો કાનૂની જંગ હારી ગઇ હતી. આ કેસ પર્યાવરણ ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આદર્શ સોસાયટી સામે કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટ સામે સોસાયટીએ દલીલ કરી હતી કે અમે તમામ ડેવલપમેન્ટ પરવાનગીઓ અને પર્યાવરણીય પરવાનગીઓ મેળવેલી છે. જો કે, સરકારી વકીલે કાયદાનો ગંભીર ભંગ કરવામાં આવ્યો હોવાની વિગતો રજૂ કરી આ ઇમારત તોડી પાડવાના આદેશને શા માટે માન્ય રાખવો જોઇએ તે જણાવ્યું હતું, પરંતુ આદર્શ સોસાયટીએ જાન્યુઆરી ૨૦૧૧માં પર્યાવરણ અને વન મંત્રાલયે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના ઇમારત તોડી પાડવાનો આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન