આપણાં ઘર-સંસાર જુદાં જુદાં જ છે! - Sandesh
1.6M
1M
1.7M
APPS

આપણાં ઘર-સંસાર જુદાં જુદાં જ છે!

 | 3:00 am IST
  • Share

સવારનો ઊઘડતો પહોર હતો. સૂરજ હજુ રન્નાદેના પાલવમાંથી પ્રગટયા નહોતા. છતાંય ઉગમણા આભમાંથી સોનેરી ઉજાસનો રંગ-ગુલાલ ઊડી રહ્યો હતો. મંદમંદ વાતો વાયુ વીંઝણો વીંઝી રહ્યો હતો. આવા પ્રગટતા પહોરે નાયક ભૂપેન્દ્રકુમાર અને નાયિકા લતારાણી વહેલા ઊઠીને ચાલવાં નીકળ્યાં હતાં.

લતારાણીએ કુમાર સામે મઘમઘતું સ્માઈલ આપીને પૂછયુંઃ ‘કઈ તરફ્ ચાલીશું?’ સામે ફ્લ્મિી સ્ટાઇલથી જવાબ મળ્યોઃ ‘અજાણ્યાં માટે બધાં રસ્તા સરખા!’ પછી હસીને કહ્યુંઃ ‘હરસિદ્ધિ માતાનાં દર્શન કરીએ, પછી આગળ..’ મનની વાતને પહેલાં કોણ પ્રગટ કરે તેની અવઢવ સાથે બંને ચાલવાં લાગ્યાં.

ગુજરાતી ચલચિત્રનાં નાયક-નાયિકા, રજવાડી નગર રાજપીપળાના રાજપેલેસમાંથી બહાર આવી રોડ પર ઊભાં રહ્યાં. ખરેખર તો ચાલવાના બહાને હરસિદ્ધિ માતાની સાક્ષીએ, હૈયાની હાર-જીતને કબૂલવા માટે નીકળ્યાં હોય એવું હતું. નવરાત્રીના દિવસો હતા માતાજી મારગ સુઝાડે તો આગળ વધવાનું હતું.

ગુજરાતની પ્રખ્યાત લોકકથા, રા’નવઘણની કથાવસ્તુ આધારિત એક નવી ફ્લ્મિનું નિર્માણ થઈ રહ્યું હતું. તેમાં ઇનડોર શૂટિંગ રાજપીપળાના પ્રખ્યાત રજવાડી મહેલમાં થવામાં હતું. મોટાભાગની ગુજરાતી ફ્લ્મિોમાં આ જુગલજોડી, પ્રણયબેલડી તરીકે પ્રેક્ષકોમાં પ્રખ્યાત હતી. બેઉ કથાના મુખ્ય પાત્રમાં જ હોય. પણ આ ફ્લ્મિમાં એવું રહ્યું નહોતું. લતારાણીની મહત્ત્વની છતાંય સાઈડની ભૂમિકા ગણી શકાય એવું હતું. એક તબક્કે તો લતારાણીએ નિર્માતાને ઘસીને ના પાડી દીધી હતી અને કહ્યું હતુંઃ ‘ના, આ ભૂમિકા હું નહીં કરું!’ પછી મનોમન ગણગણ્યા હતાઃ ‘હું ન્યાય નહીં આપી શકું!’ નિર્માતા માટે લતારાણીની ના એ મોટી મુશ્કેલી કે મજબૂરી થઇ પડી હતી. એક તો ગુજરાતી ગ્રામીણ ફ્લ્મિનાં વળતાં પાણી થવામાં હતાં. વળી મોટાભાગની ફ્લ્મિો આ જુગલજોડીના નામ પર ચાલી હતી. તે ન હોય તો ફ્લ્મિ ટિકિટબારી પર પિટાઈ જાય! સૌએ તેને સમજાવી હતી. પણ સમજાવટના અંતે લતારાણીએ કહ્યું હતુંઃ ‘કુમાર સામે મારાથી તેમની બહેનની ભૂમિકા ભજવવી એ મને અઘરું લાગે છે!’

બહેનની ભૂમિકા શું કરવા નહીં ભજવી શકે…તે કોઈથી અજાણ નહોતું. સૌ સારી પેઠે જાણતા હતા. લતારાણી પોતાના ફળે આવેલી ભૂમિકામાં પોતાનો પ્રાણ પૂરી, જીવ રેડી દે છે, ને પરિણામે પ્રિયતમાનો રોલ કરતાં કરતાં ખુદ કુમારના પ્રેમમાં ગળાડૂબ થઇ ગઈ હતી. જેનાથી ફ્લ્મિ જ નહીં આખું જગત અજાણ નહોતું. જ્યારે કુમાર સાથેની રીલ લાઇફ્, રિયલ લાઇફ્માં પરિવર્તન પામી હોય ત્યારે બહેનના પાત્ર અને પાવક સંબંધને ન્યાય આપવો લતારાણી માટે અઘરો અને કપરો લાગતો હતો.

‘હરસિદ્ધ માતાનાં દર્શન કરીશું ને તેની સાક્ષીમાં…’ કુમાર આગળ બોલવાનું અટકી, લતારાણી સામે ભાવભીની નજરે તાકી રહ્યા. તે કાંઈ બોલ્યા વગર એક ફ્ળફ્ળતો નિસાસો નાખી આગળ ચાલ્યા.

રા’નવઘણની ત્યાગ, બલિદાન અને અજોડ શૌર્યની કથા તો અદ્ભુત હતી. જૂનાગઢ તાબાના કોડીનાર પાસેના આલીદર-બોડીદર ગામના આહીર દેવાયત બોદર, પોતાના સગા દીકરાના ભોગે રા’વંશના આખરી અંશને ઉછેરે છે અને વખત આવ્યે રણબંકા આહીર જુવાનોની ફેજ એકઠી કરી, જૂનાગઢ પર ચઢાઈ કરે છે, જીતે છે ને રા’ને તેમનું રાજ પાછું અપાવે છે. તેમાં વાલબાઈ વડારણ અને ભીમડા ઢોલીના ત્યાગની ભૂમિકા દાદ માગી લે તેવી રહી છે. પણ ખાસ તો દેવાયત આહીર, આહિરાણી અને તેમાં જાહલ, રા’નવઘણ વચ્ચેનાં ભાઈ-બહેનના સંબંધની મુઠ્ઠીઊંચેરી વાત હૈયા સોંસરવી ઊતરી જાય એવી હતી. વળી સિંધના સુમરા પાસેથી જાહલને મુક્ત કરવાની ઘટના થકી ઉજાગર થતી ખુમારી, ખાનદાની, રખાવટ, બહાદુરી અને ત્યાગ-બલિદાનની આ કથાની એક એક ઘટના મુલાયમ હૈયાને હચમચાવી દે તેવી હતી. જાહલની ચિઠ્ઠીનું ફ્લ્મિાંકન ભલભલાનાં રૃંવાડાં ખડાં કરી દે તો નવાઈ જેવું નહોતું. ફ્લ્મિ પડદા પર લાગે ત્યારે પ્રેક્ષકોને ઘેલા કરી મૂકે તેમાં જરાય શંકાને સ્થાન નહોતું. પણ મૂળ મુદ્દો હતો, બહેન જાહલના જાનદાર અને શાનદાર કિરદારને નિભાવનાર નાયિકાનો. તે માને તો ફ્લ્મિમાં જીવ આવે એવું હતું.

સવારનો પહોર હતો તેથી નગરજનોની અવરજવર ઓછી હતી. મંદિરમાં ભીડ નહોતી. બેઉ મંદિરના પરિસરમાં આવીને ઊભાં રહ્યાં. કુમારે પ્રશ્નાર્થભરી નજરે રાણીને તાકીઃ ‘બોલો, મહારાણી શું નિર્ણય લેવાનો છે?’ તેણીએ જવાબ આપ્યોઃ ‘ફ્લ્મિ ફ્લોર પર આવવામાં છે, કોન્ટ્રક્ટ સાઈન કર્યો છે. હવે બીજો નિર્ણય શું લેવાનો હોય?’ કુમારે કહી જ દીધુંઃ ‘મારું પણ એ જ કહેવાનું છે, હવે નખરાં છોડો!’

‘હું નખરાં કરું છું, એવું લાગે છે આપને?’ રાણીનું મોં ચઢી ગયું. તેનો સ્વર ચિરાઈ ગયો.

‘આ તો રંગદેવતાનું મંદિર…’ કુમારે કહ્યુંઃ ‘જે પાત્ર ભાગ કે ભાગ્યમાં આવે તે ભજવી જવાનું હોય!’ રાણી સથરી પડી. કુમારનું કહેવું વાજબી હતું. આ એક વ્યવસાય છે. તેમાં મળે તે કામ કરવાનું હોય છે.

મંદિરમાં એક સ્તંભ પાસે ઊભાં રહ્યાં. રાણીએ માથું ઢાંકી, આંખો બંધ કરી માતાજીને નમન કર્યું. પછી પારોઠ ફ્રી કુમારને કહ્યુંઃ ‘હું બહેનની ભૂમિકા પૂરા ભાવથી ભજવીશ. પણ…’

‘પણ શું?’ કુમારને જવાબ આપ્યોઃ ‘હવેથી મારા પાસે પ્રેયસીની ભૂમિકાની અપેક્ષા રાખશો નહીં.’ પછીથી કહ્યું હતુંઃ ‘અને આમ પણ આપણાં ઘર-સંસાર તો જુદાં જુદાં જ છે ને!’

ત્યારે કુમાર ઓછામાં ઘણું સમજી ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો