આપણે પણ આપણા થોડાક દુર્ગુણોનું દહન કરીએ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • આપણે પણ આપણા થોડાક દુર્ગુણોનું દહન કરીએ!

આપણે પણ આપણા થોડાક દુર્ગુણોનું દહન કરીએ!

 | 3:00 am IST
  • Share

બીજી સ્ત્રીને કોઇ ક્ષેત્રે સફળતા મળી રહી હોય તો તે અંગે ઇર્ષા કરવાને બદલે પોતે પણ આગળ વધવા પ્રયત્ન કરવો જોઇએ, બીજાની ઇર્ષાથી કંઇ નહીં મળે

 ગોળ ગોળ વાત ન કર, તારા મનમાં જે હોય તે સીધું કહી દે.આ વાક્ય કદાચ દરેક સ્ત્રીએ સાંભળ્યું જ હશે. સ્ત્રીની આ ખાસિયત કહો કે ઔમાઇનસ પોઇન્ટ કહો એ સર્વસામાન્ય છે. તેને પોતાની વાત રજૂ કરવી હોય, અને ખાસ કરીને તે જ્યારે જાણતી હોય કે તેનો પોઇન્ટ કદાચ સામેની વ્યક્તિ નહીં માને ત્યારે તે સીધી રીતે પોતાની વાત રજૂ કરવાને બદલે તેને આડીઅવળી કરીને, તેને અત્યંત મઠારીને રજૂ કરે છે. તેની આ ગોળ ગોળ વાતથી સામાન્ય વ્યક્તિ અને ખાસ કરીને સ્ત્રીનો પાર્ટનર તો અકળાઈ જ ઊઠે છે, હવે પાર્ટનર પોતાની અકળામણ રજૂ કરે ત્યારે ગોળ ગોળ વાત કરતી સ્ત્રીને માઠું લાગી જાય છે, પાછી એ બાબતે વધુ એક નવી બબાલ ઊભી થાય છે. ખેર, આ વાત અહીં કરવાનો મતલબ એટલો જ છે કે આપણે કોઈ વ્યક્તિ પર દોષારોપણ બહુ આસાનીથી કરી શકીએ છીએ પણ જ્યારે વાત આપણી અંદરના અમુક દુર્ગુણોની જ હોય ત્યારે આંખ આડા કાન થઇ જતાં હોય છે. અલબત્ત, આ વાત સ્ત્રી અને પુરુષ બંનેમાં લાગુ પડતી જ હોય છે, પણ વાત આ દશેરાએ સ્ત્રી પોતાની અંદરનાં અમુક દૂષણો નામક રાવણદહનની હોય તો જેટલી અપેક્ષા આપણે પુરુષો પાસેથી રાખીએ છીએ તેવી જ રીતે સ્ત્રીઓને પણ પોતાની અંદરથી અમુક વસ્તુઓને દૂર કરવાની જરૃર છે. સામાન્ય રીતે આપણાં સમાજને હજી પણ ઘણાં પિતૃસત્તાક સમાજ માને છે, ઘણે અંશે આ વાત સાચી હશે, પણ મોટાભાગે એવું જોવાયું છે કે જે સમાજને પિતૃસત્તાક કહીએ છીએ તેમાં જ એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે.  

શંકા દ્વારા સ્પ્રિંગને વારંવાર દબાવ્યા ન કરવી

સ્ત્રીઓનો સૌથી સામાન્ય દુર્ગુણ હોય તો તે છે શંકા. તેની અંદર દરેક વાતમાં શંકા ઉદ્ભવતી હોય છે. માન્યું કે શંકા અમુક સમયે સારી, માન્યું કે પુરુષ પણ શંકા કરતા જ હોય છે, પણ દરેક વાતે શંકા કરવી અયોગ્ય છે. ખાસ કરીને પાર્ટનર ઉપર વારંવાર શંકા જતાવતાં રહેવાથી સંબંધમાં એક પ્રકારે ખટાશ આવી જાય છે. પાર્ટનર ઉપર વિશ્વાસ રાખવો, જેટલો વધારે વિશ્વાસ રાખશો તેટલો વિશ્વાસઘાત કરતાં તેને ડર લાગશે. અહીં કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરવાની વાત નથી. લગ્ન પહેલાં જે સ્ત્રી પોતાના પાર્ટનર ઉપર અંધવિશ્વાસ કરતી હોય છે તે જ સ્ત્રી લગ્ન બાદ શંકા કરવા લાગે છે. વાત માત્ર બેલેન્સ કેળવવાની છે. કોઇ ઉપર અંધવિશ્વાસ ન કરવો એ જ રીતે કોઇ ઉપર વધારે પડતી શંકા પણ ન કરવી. અતિ સર્વત્ર ઝેરસમાન છે. એ ન્યાયે બેલેન્સ કેળવીને સંબંધમાં આગળ ચાલવું, કારણ કે સ્પ્રિંગને જેટલી દબાવો તેટલી તે ઊછળતી હોય છે એ યાદ રાખવું.

કાયમ સાથે રહેવું હોય તો વાદ-વિવાદ શું કામ?

સાસુ-વહુના સંબંધમાં વાદ-વિવાદ બહુધા જોવા મળતા હોય છે. વહુ સાથે કામ બાબતે કે તેની રહેણીકરણી બાબતે સાસુને હંમેશાં ફરિયાદ રહેતી હોય છે. એ જ સાસુ જ્યારે પોતાની દીકરી બાબતે વિચારે ત્યારે તેનું વર્તન અને વિચારો તદ્દન અલગ હોય છે. સામે પક્ષે વહુનું પણ એવું જ હોય છે. ભાગ્યે જ કોઈ જગ્યાએ એવું હોય છે કે સાસુએ જે વેઠયું હોય એ વહુ ન વેઠે તેમ તે ઇચ્છતી હોય, બાકી દરેક સાસુ વહુને કંઇપણ કહેતાં સમયે પોતાનું જ ઉદાહરણ આપીને સમજાવતી હોય છે કે મેં પણ એક જમાનામાં આનાથી વધારે તકલીફ સહન કરી છે, આનાથી વધારે કામ કર્યું છે. હવેનો સમય બદલાયો છે, દરેક સ્ત્રીએ એ સમજવાની જરૃર છે કે તેના ભવ્ય ભૂતકાળમાં તેણે પરિવારમાં જેટલું કામ કર્યું છે તેટલું તેની વહુ નહીં જ કરી શકે, અને તેની વહુ હાલ જેટલું કરશે તે આગામી સમયમાં વહુના દીકરાની વહુ નહીં કરી શકે. આ સમજણની વાત છે. સ્ત્રીમાં રહેલો આ દુર્ગુણ પણ હવે સમય બદલાતો જાય છે તેમ બદલાવો જોઈએ. અલબત્ત, હવે ઘણી જગ્યાએ સ્ત્રીઓ સમજીને વહુને ઘણી છૂટછાટ આપતી થઇ છે.

તેણે કર્યું એવું તો મારે કરવું જ છે

 દેખાદેખીનો અવગુણ સ્ત્રીઓમાં ઘણો જોવા મળે છે. બીજા કરતાં હોય તેને જોઇને પોતે પણ એવું કરવું, આ વસ્તુ સ્ત્રીઓને સમસ્યા તરફ દોરી જાય છે. મોટાભાગનાં દુઃખનું મુખ્ય કારણ દેખાદેખી જ હોય છે. બહેનપણીનો પતિ તેને વિદેશ ફરવા લઇ ગયો તો આપણે પણ જવું જોઇએ, નહીં તો મારી બહેનપણી કેવું વિચારે? કોઈ કેવું વિચારશે એ વિચાર જ સંબંધ માટે રાવણ બને છે. દેખાદેખીમાં અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. આ વાત સમજીને દેખાદેખીના દુર્ગુણથી દૂર રહેવું જ યોગ્ય રહેશે. દેખાદેખી માત્ર દુઃખ જ આપે છે.

અહીંનું અહીં કરી વાતને ગૂંચવો નહીં 

 ‘યાર, પેલાં જયાબહેન તો તારા વિશે એવું બોલતાં હતાં કે મારાથી સંભળાયું પણ નહીં.‘ ‘ઠીક છે યાર એને ક્યાં કંઈ આવડે છે, આ તો લાગવગના કારણે આગળ આવી છે, બાકી આપણે જાણીએ જ છીએ કે એ કેવી છે.આવી કૂથલી કરવાની આદતથી લગભગ દરેક સ્ત્રી પીડાતી હોય છે. પોતાને હાઇફાઇ કે સોફેસ્ટિકેટેડ ગણાવતી સ્ત્રીની અંદર પણ કૂથલી અને બીજાની સફળતાથી બળતરા અનુભવવાનો સ્વભાવ હોય જ છે. અહીંનું અહીં કરીને નાની વાતને ખૂબ મોટી બનાવીને વાતનું વતેસર કરવાની આદત સ્ત્રી માટે મોટી સમસ્યા સર્જી શકે છે, માટે આ દુર્ગુણને પણ દૂર કરવો જોઇએ. બીજાની સફળતાથી બળવાને બદલે તેમજ સફળ વ્યક્તિના દોષ ગામઆખાને જણાવવાને બદલે પોતે શેમાં સફળ થઇ શકે છે તે બાબતો તરફ મહેનત કરવી, કારણ કે સફળ વ્યક્તિની ઇર્ષ્યા કરવામાં જ વ્યસ્ત રહેશો તો તમે પોતે સફળતાનો માર્ગ નહીં શોધી શકો.  

સમજણી નાર સદા સુખી

વાત માત્ર સમજણની જ છે. પુરુષ કરતાં સ્ત્રીઓ લાગણી બાબતે વધારે સમજદાર હોય છે. આ સમજદારીને જ મૂળ બનાવીને ચાલવામાં આવે તો સ્ત્રી પોતાની અંદરના અનેક રાવણનું દહન કરી શકે છે, તેને કોઇની સમજાવટની કે સહારાની જરૃર નથી. એક જમાનામાં ઘરમાં પડદાઓમાં રહેતી સ્ત્રી પોતાની સમજદારીથી જ આજે ટોચ ઉપર પહોંચી છે, ત્યારે ઇર્ષ્યા, કૂથલી, દેખાદેખી, સરખામણી, પરપીડનવૃત્તિનો આનંદ, આત્મવિશ્વાસનો અભાવ, શંકા, ગુસ્સો એવા પોતાની અંદર રહેલા અનેક રાવણનો નાશ સ્ત્રી કરી જ શકે છે. સ્ત્રીને સહનશીલતાની દેવી કહી છે, પણ હવે સમય બદલાયો છે, હવે સ્ત્રીને ખોટી જગ્યાએ ખોટી વાતો સહન કરવાને બદલે તેની સામે અવાજ ઉઠાવવાનું શીખવવામાં આવે છે. સ્ત્રીને પગભર બનવાની પ્રેરણા અપાય છે, જેથી આગળ જતાં પરવશ ન બનવું પડે, દરેક ક્ષેત્રે નારી પોતાનું નામ બનાવી રહી છે, ત્યારે પોતાની અંદરના રાવણસમા દુર્ગુણોનો નાશ કરીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો