આરટીઓમાં ચાલતા સેટિંગ બંધ કરવા માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ   - Sandesh
  • Home
  • Baroda
  • આરટીઓમાં ચાલતા સેટિંગ બંધ કરવા માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ  

આરટીઓમાં ચાલતા સેટિંગ બંધ કરવા માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ  

 | 3:38 am IST

આરટીઓમાં વીડિયો એનાલિટિક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે

ટેસ્ટ પૂરો થતાં જ પાસ કે ફેઇલનો એસએમએસ રજિસ્ટર્ડ નંબર પર આવશે

ા વડોદરા ા

રાજ્ય સરકાર દ્વારા આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટમાં થઇ રહેલા સેટિંગને દૂર કરવા માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સેન્સર બેઇઝ સિસ્ટમને દૂર કરી વિડિયો એનાલીટીક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ લાવવામાં આવનાર છે. જે આગામી ટૂંક સમયમાં રાજ્યના તમામ આરટીઓમાં અમલી બનાવાશે.

રાજ્યમાં આવેલા આરટીઓમાં એજન્ટ રાજ ચાલતું હોવાના પુરાવા રાજ્ય સરકાર પાસે પણ છે. ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં થતી ગોબાચારીને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવતર અભિગમ લાવવા માટે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના તમામ આરટીઓમાં હાલ સેન્સર બેઇઝડ ડ્રાઇવિંગ સિસ્ટમ અમલમાં છે. જેમાં ગેરરિતીની અનેક ફરિયાદો રાજ્ય સરકારને મળી છે. જેને હટાવીને હવે, વિડિયો એનાલીટીક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ અમલમાં લાવવામાં આવનાર છે.

જે સિસ્ટમમાં સમગ્ર ટેસ્ટના ટ્રેક પર પોલીમાઉન્ટેડ વીડિયો કેમેરા લગાવવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર ટ્રેક પર અંડરગ્રાઉન્ડ મેગ્નેટિક લૂપ સેન્સર લગાવવામાં આવશે. જે સિસ્ટમથી ટેસ્ટ આપનાર વ્યક્તિનો એક વીડિયો તૈયાર થશે. જે વીડિયો રીયલ ટાઇમમાં સેન્ટ્રલ સર્વરમાં સેવ થશે. જે વીડિયોના આધારે ટેસ્ટ આપનાર વ્યક્તિનું પરિણામ કોમ્પ્યુટર દ્વારા જ તેને જણાવી દેવામાં આવશે.

અરજદાર દ્વારા ટેસ્ટ આપવાનું ઓનલાઇન ફોર્મ ભરવા સમયે મોબાઇલ નંબર આપવાનો રહેશે. ટેસ્ટ પુરો થયાન્જા ગણતરીના સમયમાં ઉમેદવાર દ્વારા રજીસ્ટર કરાવવામાં આવેલા મોબાઇલ નંબર પર તેના પરિણામનો એસએમએસ આવી જશે. હાલની સિસ્ટમમાં ઉમેદવાર ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ પ્રીન્ટ કરીને તેને આપવામાં આવે છે. જ્યાં સુધી તે પરિણામ ન મળે ઉમેદવારને પાસ થયા કે ફેઇલ તેની જાણકારી મળી શકતી નથી.

કામગીરીમાં કોઇ પણ માનવીય હસ્તકક્ષેપ નહીં રહે

નવી વીડિયો એનાલીટીક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ સિસ્ટમમાં સમગ્ર ટ્રેક પર માણસની જગ્યાએ વીડિયો એનાલિટીક્સ મિકેનિઝમ જ ટેસ્ટને મોનિટર કરશે. જે સિસ્ટમ અનુસાર તૈયાર થયેલા વીડિયોનું એનાલીસીસ કરીને ઉમેદવારના મોબાઇલ નંબર પર પરિણામ જણાવશે. જેથી તેમાં કોઇ જ માનવીય હસ્તકક્ષેપ રહેશે નહીં.

આરટીઓમાં હાલની સિસ્ટમમાં અનેક ખામીઓ છે

આરટીઓમાં હાલમાં ચાલી રહેલી સેન્સર બેઇઝડ ડ્રાઇવિંગ સિસ્ટમમાં અનેક ખામીઓ રહેલી છે. હાલના ડેટા એજન્સી પાસે જ હોય છે. જેમાં આરટીઓ કર્મચારી કે પછી એજન્સીનો વ્યક્તિ ચેડા કરી શકે છે. જેથી હાલ એજન્ટો દ્વારા ટેસ્ટમાં પાસ કરાવી આપવાના નામે રૃપિયા ખંખેરવામાં આવતા હોય છે.

ડેટા માટે સેન્ટ્રલ સર્વર બનાવવામાં આવશે

હાલની સેન્સર બેઇઝડ સિસ્ટમમાં ડેટા સર્વરમાં સેવ થાય છે પણ તે સર્વર એજન્સી પાસે જ હોય છે. જેથી તમામ ડેટા સરકાર નહીં પરંતુ એજન્સી પાસે જ રહે છે. પરંતુ નવી સિસ્ટમ અનુસાર ડ્રાઇવિંગ ટેસ્ટના વીડિયો સેવ કરવા સેન્ટ્રલ સર્વર બનાવાશે. જેની માટે ગાંધીનગર અથવા તો એન્ય કોઇ સ્થળે એક સેન્ટ્રલ સર્વેર તૈયાર કરાશે.

;