આરોગ્ય અને અધ્યાત્મ પામવા માટે કુશગ્રાહિણી અમાસે આટલું ચોક્કસ કરો! - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • આરોગ્ય અને અધ્યાત્મ પામવા માટે કુશગ્રાહિણી અમાસે આટલું ચોક્કસ કરો!

આરોગ્ય અને અધ્યાત્મ પામવા માટે કુશગ્રાહિણી અમાસે આટલું ચોક્કસ કરો!

 | 2:00 am IST
  • Share

વિશ્વના દરેક ધર્મમાં કે સંપ્રદાયમાં અમુક પર્વ- તહેવારનું બંધારણ જે તે સમયના વિદ્વાનો (ધર્માચાર્યો) નક્કી કરે છે. જ્યારે અમુક પર્વ ઘટના સ્વયં કુદરતની ગતિ આધારિત હોય છે. ર્પૂિણમા, અમાસ, સંક્રાંતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ સ્વયં સૂર્ય- ચંદ્ર- પૃથ્વીની ગતિવિધિના યોગ- સંયોગથી જ નિર્માણ પામે છે. અહીં આપણે વિવિધ અમાસ તેમજ તે પૈકીની કુશગ્રાહિણી અમાસનું મહત્ત્વ જોઈએ.

કુશ શબ્દના સામાન્ય રીતે ત્રણ અર્થ થાય છે

(૧) કુશ એટલે નાનો દર્ભ (દાભ), દાભડો, ડાભડો એ નામની વનસ્પતિ જે એક પ્રકારનું તીક્ષ્ણ અણીદાર લાંબું ઘાસ.

(૨) પૌરાણિક માન્યતા પ્રમાણે પૃથ્વી પરના સાત દ્વીપો પૈકીનો એક દ્વીપ.

(૩) શ્રીરામચંદ્રજીનાં પત્ની સીતાજીના પુત્રો લવ – કુશ પૈકીનો કુશ.

કુશગ્રાહિણી અમાસ એટલે શું?

અહીં આપણે કુશગ્રાહિણી અમાસ એટલે દર્ભ – દાભડો મેળવવા માટે શુભ ફ્ળદાયી અમાસ એ અર્થ લેવાનો છે. દર્ભ એક પ્રકારનું ગુણકારી પવિત્ર ઘાસ છે. તેનાં પર્ણોની ટોચ એકદમ ધારદાર (સોયની અણી કરતાં પણ તીક્ષ્ણ) હોય છે. આથી જ એકદમ બુદ્ધિશાળી વ્યક્તિ કે જે એક વાર સાંભળીને સદાય યાદ રાખે તથા પૂછતાં જ તરત ઉત્તર આપી દે તેને કુશાગ્ર વ્યક્તિ તરીકે ઉપમા મળે છે.

આ કુશ જંતુઓ-કીટકો સામે વિશેષ રક્ષણ આપવાનો ગુણ ધરાવે છે તેથી પ્રાચીન સમયથી ભારતમાં પૂજાસામગ્રીમાં દર્ભને મહત્ત્વનું સ્થાન મળ્યું છે.

પૌરાણિક ગ્રંથોમાં દસ (૧૦) પ્રકારના કુશ (દર્ભ)નો ઉલ્લેખ મળે છે.

કુશાઃ કાશા યવા દૂર્વા ઉશીરાચ્છ સકુન્દકાઃ જા  

ગોઘૂમા બ્રાહ્મયો મૌન્જા દશ દર્ભાઃ સબલ્વજાઃ ।।

આ દસ પ્રકારના દર્ભમાંથી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પ્રકારના દર્ભ મળે તેને શ્રાવણ માસની અમાસે વિધિ ને શ્રદ્ધાપૂર્વક એકત્રિત કરવા જોઇએ. દર્ભ એકત્રિત કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દર્ભનાં તમામ પત્રો (પાંદડાં જે સળી સ્વરૃપે હોય છે તે) અક્ષત એટલે કે આખેઆખાં હોવા જોઈએ. કુશાગ્ર – આગળનો ભાગ ખંડિત થવો જોઇએ નહીં.

કુશ (દર્ભ)નો ઉપયોગ પૂજા, અર્ચના, શ્રાદ્ધ, પિંડદાન- સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે સમયે કરવામાં આવે છે. અધ્યાત્મ સાધના તેમજ અનુષ્ઠાન માટે ભક્તો તથા સાધકો લાંબા, પાતળા અને લીલા વર્ણના દર્ભમાંથી વણીને ગૂંથીને આસન બનાવે છે જેને દર્ભાસનઔકહે છે.

અમાસ એટલે અમાવાસ્યાશબ્દનું ટૂંકું રૃપ. સૂર્ય- ચંદ્રનું અંશાત્મક રીતે સાથે રહેવું તેનું નામ અમાસ. અમાસ એ ખગોળીય ઘટના છે. સામાન્ય લોકો અમાસના દિવસને વ્યર્થ, ભારે તિથિ કે કોઇ કાર્ય માટે અયોગ્ય સમજે છે. જ્યારે વાસ્તવિક રીતે જોઈએ તો અમાસ એ પિતૃતર્પણ, આત્મચિંતન, જ્ઞાાનમંથન માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. વિશ્વકર્માનાં સંતાનો લુહાર, સુથાર, શિલ્પી વગેરે પરિવારમાં અમાસનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. ફ્ળ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્ય આત્માનો કારક છે. ચંદ્ર મનનો કારક છે. આમ સૂર્ય-ચંદ્રનું (આત્મા-મનનું) મિલન એટલે જ અમાસ.

ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અમાસના ત્રણ પ્રકાર છે

(૧) સીનીવાલી (૨) કુહૂ (૩) દર્શ અમાસ.

કારતક, માગશર વગેરે બારેય ચાંદ્ર માસની અમાસ કાંઇક ને કાંઇક મહત્ત્વ ધરાવે છે. બારેય માસની અમાસમાં ખાસ કરીને પોષ માસની મૌની અમાસ, વૈશાખની ભાવુકા અમાસ, અષાઢની હરિયાળી અમાસ (દિવાસો), શ્રાવણની કુશગ્રાહિણી અમાસ, ભાદ્રપદ- ભાદરવાની સર્વપિત્રી અમાસ તથા આસોની અમાસ (દિવાળી) વધુ મહત્ત્વની ગણાય છે. આ ઉપરાંત સોમવારે અમાસ હોય તો સોમવતી અમાસ અને બુધવારે આવતી બુધવારી અમાસ પૂજન અર્ચનમાં વિશેષ મહત્ત્વનું સ્થાન ઔધરાવે છે.  

 ચંદ્રતિથિના સ્વામી          

ધર્મશાસ્ત્રમાં ચાંદ્ર માસની દરેક તિથિના સ્વામી દર્શાવ્યા છે. જે આ મુજબ છે. (૧) એકમ- અગ્નિ. ઔ(૨) બીજ- બ્રહ્મા (૩) ત્રીજ- ગૌરી (૪) ચતુર્થી- ગણેશ (૫) પંચમી- સર્પ(નાગ) (૬) છઠ્ઠ- ર્કાિતકેય (૭) સપ્તમી- સૂર્ય (૮) અષ્ટમી- શિવ (૯) નવમી- દુર્ગા (૧૦) દશમી- યમ (૧૧) એકાદશી- વિશ્વદેવા (૧૨) બારશ- વિષ્ણુ (૧૩) તેરશ- કામદેવ (૧૪) ચૌદશ- શંકર (૧૫) ર્પૂિણમા- ચંદ્ર (૧૬) અમાસ- પિતૃદેવ. આમ અમાસ તિથિના સ્વામી પિતૃ ગણાય છે.

પિતૃ એટલે શું?

જે પાલન કરે છે તે પિતૃ. વિભિન્ન યોનિવર્ગમાં પિતૃ શબ્દ દેવલોકમાં રહેનારા પિતૃઓ માટે લેવાનો છે. પિતા- પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટિના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને ક્ષમા કરીને કલ્યાણની શુભ આશિષ આપનારા છે. આજે શ્રદ્ધાળુ લોકોને ડગલે ને પગલે પિતૃદોષનો ડર બતાવવામાં આવે છે ત્યારે પિતૃઓનો સાચો અર્થ સમજવાની ખાસ ઔજરૃર છે.

વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં વૃક્ષો અને વનસ્પતિની પૂજા કરવાનો મહિમા જોવા મળે છે. અમુક વનસ્પતિ બારેય માસ ઉપલબ્ધ હોય છે, જ્યારે અમુક વનસ્પતિ અમુક ઋતુમાં જ મળે છે. તેથી દર્ભ, શમી વૃક્ષ (ખીજડો), સમિધ (હવન માટે નિશ્ચિત વૃક્ષોનાં લાકડાં) તેની ખાસ ઋતુના સમયમાં એકત્ર કરવાનો મહિમા છે. દર્ભ (કુશ) શાસ્ત્રોક્ત રીતે મેળવવા માટે કુશગ્રાહિણી અમાસનો દિવસ વધુ ઉત્તમ ગણાય છે.

કુશગ્રાહિણી અમાસ ક્યારે?

ગુજરાત- મહારાષ્ટ્રમાં ચાંદ્રમાસ સુદ એકમથી અમાસ સુધી હોય છે તેથી અમાન્ત (અમાસે અંત) ગણાય છે. જ્યારે રાજસ્થાન (મારવાડ-મેવાડ) તેમજ ઉત્તર ભારત (વ્રજ-ઉત્તરાંચલ) વગેરે સ્થળે ચાંદ્રમાસની ગણતરી વદ એકમથી પૂનમ સુધી હોય છે તેથી ર્પૂિણમાન્ત (પૂનમે અંત) ગણાય છે. આ બંને પદ્ધતિમાં નૈર્સિગક સ્થિતિ સુદ (શુક્લ પક્ષ, અજવાળિયું) અને વદ (કૃષ્ણ પક્ષ, અંધારિયંુ) યથાવત્ જળવાઈ રહે છે. બંને પદ્ધતિમાં સુદ પક્ષમાં ચાંદ્રમાસનું નામ એકસરખું રહે છે. ર્પૂિણમાંત પદ્દતિમાં વદ પક્ષમાં ચાંદ્રમાસ આગળ ચાલે છે. અર્થાત્ કારતકને બદલે માગશર એ મુજબ શ્રાવણને બદલે ભાદ્રપદ માસ આવે છે. આમ, કુશગ્રાહિણી અમાસ ગુજરાત- મહારાષ્ટ્રમાં શ્રાવણ વદ અમાસે તથા રાજસ્થાન- ઉત્તર ભારતમાં ભાદ્રપદ અમાસે આવે છે. આમ, આ વર્ષની કુશગ્રાહિણી અમાસ શ્રાવણ વદ અમાસ, તા. ૦૬-૦૯-૨૦૨૧ ને સોમવારે આવે છે.

કુશગ્રાહિણી અમાસે શું કરી શકાય?

(૧) આ દિવસે જળાશયના કિનારે આવેલા શિવાલયનાં દર્શન કરવાં જોઈએ.

(૨) પવિત્ર સ્થળેથી વિધિપૂર્વક દર્ભ લાવવો.

(૩) નર્મદા, તાપી, સરસ્વતી જેવી નદીના કિનારે સ્નાન, દર્શન, દેવાલય દર્શન કરવાં જોઈએ.

(૪) અનુભવી સાધકો કે જાણકારો પાસેથી કુશ (દર્ભ) શ્રદ્ધાપૂર્વક મેળવી શકાય.

(૫) પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ.

(૬) આરોગ્યવૃદ્ધિ માટે ઉપયોગી ઔષધિ વૃક્ષોના ઉછેર અને વિકાસ માટે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ પ્રયત્નો કરવા જોઈએ.

(૭) અમાસના દિવસે જન્મ હોય તેવા લોકોએ ગરીબ વિદ્યાર્થી તથા દર્દીઓને મદદ કરવી જોઈએ.  

(૮) આ દિવસે પીપળાના વૃક્ષનાં દર્શન તથા પ્રદક્ષિણા કરવાથી આરોગ્ય સુધરે છે.

(૯) આ અમાસે વતનમાં જઈને જરૃર પ્રમાણે યોગ્ય દાન- સત્કર્મ કરવાં જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો