આશ્ચર્યમ્ ટેક્સમ્! - Sandesh
1.6M
1M
1.7M
APPS

આશ્ચર્યમ્ ટેક્સમ્!

 | 3:00 am IST
  • Share

ટેક્સ ભર્યો છે? શેનો? રસ્તા પર ચાલવાનો? અરે, બીજા પણ ચાલે છેને? તો કહે કે તારા પગ બહુ લાંબા છે!

ખેર, આ તો કાલિયા ફ્લ્મિમાં અમિતાભનો ડાયલોગ છે, જે દર્શકોને હસાવવા માટે હતો. પગ લાંબા હોય તો રસ્તા પર ચાલવાનો પણ ટેક્સ ભરવો પડે એ સાંભળીને હસવું આવી જાય તો તેના કરતાં પણ વધુ આશ્ચર્ય પેદા કરે એવા ટેક્સ દુનિયાના ઘણા દેશોમાં લેવાતા હતા.

કુંવારા રહેવાનો ટેક્સ! સાંભળીને જ આશ્ચર્યચકિત થઇ જવાય. કુંવારા રહેવું કે કુંવારા રહી જવાય એ તો પોતાની પસંદ કે કિસ્મતની વાત કહેવાય, પરંતુ એ માટે તે કાંઇ ટેક્સ લેવાતો હોય? વાત હમ્બગ લાગે, પરંતુ એવો પણ ટેક્સ અમેરિકામાં લેવાતો હતો! એ ટેક્સ પહેલી વખત 1820માં દાખલ કરાયો હતો. અમેરિકાના મસૂરીમાં 21થી 50 વર્ષની વ્યક્તિ કુંવારી હોય તો તેણે દર વર્ષે 1ડોલરનો ટેક્સ આપવો પડતો હતો. અમેરિકામાં જ નહીં જર્મની અને ઇટાલી જેવા યુરોપિયન દેશોમાં પણ આ ટેક્સ લાગુ હતો!

એવો જ એક વિચિત્ર ટેક્સ બ્રિટનમાં લેવાતો હતો. એ ટેક્સનું નામ છે- હેટ ટેક્સ. બ્રિટનમાં ટોપી પહેરવાની ખાસિયત જોવા મળે છે. ખાસ કરીને બ્રિટનની રાણીની હેટ ખૂબ જ પ્રખ્યાત છે અને અનેક લોકો એ પ્રકારની ગોળ ટોપી પહેરે છે. શ્રીમંતો પર ટેક્સ લગાવવાના હેતુથી ટોપી પહેરનારે બ્રિટનની સરકારને ટેક્સ ચૂકવવો એવો નિયમ 1784માં અમલી કરાયો હતો. ગરીબો કરતાં શ્રીમંતો પાસે ભાતભાતની ટોપીઓ રહેતી અને તેને કારણે તેમના પર ટેક્સ લગાવાતો હતો. પાછળથી 1811માં એ ટેક્સ નાબૂદ કરી દેવાયો હતો. ટોપી પર ટેક્સ ભરવો પડતો એ વાતનું આશ્ચર્ય થાય તો તેના કરતાં વધુ આશ્ચર્ય થાય એવો ટેક્સ રોમમાં લાગુ કરાયો હતો- યુરિન ટેક્સ! પૌરાણિક રોમમાં પેશાબને એક મોંઘેરી જણસ ગણવામાં આવતો હતો. પેશાબમાં એમોનિયા હોય છે, તેને કારણે તેને વિશેષ ચીજ ગણવામાં આવતો હતો. પેશાબમાં રહેલા એમોનિયાનો ઉપયોગ કપડાં ધોવા અને દાંત સાફ્ કરવા જેવાં કામોમાં થતો હતો. એ માટે રોમના જાહેર પેશાબઘરમાંથી યુરિનનું વિતરણ કરવા ઉપર ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો.

જૂના સમયમાં રશિયાને યુરોપના બીજા દેશો જેટલું આધુનિક બનાવવા તેમજ રશિયાનું પશ્ચિમીકરણ કરવાના ઉદ્દેશથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે કિંગ પીટરે બ્રેડ એટલે કે આપણે જે પાંઉં ખાઇએ છીએ, તેના પર ટેક્સ નાંખ્યો હતો. બ્રેડ ખરીદવા જાવ ત્યારે ખરીદનારે ટેક્સ ભર્યાની કૂપન દેખાડવી પડતી અને તો જ તેને બ્રેડ મળતાં! તો વળી ધનિકો ઉપર ટેક્સ લાદવા માટે ઈંગ્લેન્ડ, ફ્રાંસ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 18મી અને 19મી સદી દરમ્યાન ઘરમાં રહેલી બારી પર ટેક્સ લાગતો! એ વખતે સરકાર એમ માનતી હતી કે શ્રીમંતો મોટા ઘરમાં રહે અને તેને કારણે ઘરની બારીઓ વધુ હોય. ઘરની બારીઓ શ્રીમંત હોવાની ઓળખ હતી અને તેને આધાર બનાવીને એ વ્યક્તિ પાસે વધુ ટેક્સ ઉઘરાવાતો હતો.

ઇટાલીમાં વળી અલગ ટેક્સ ઉઘરાવાતો હતો. આપણે ત્યાં આજે પણ ફ્ૂટપાથનો ઉપયોગ ઘણા દુકાનદારો પોતાની વેચાણમાં મૂકેલી ચીજ મૂકવા માટે કરે છે. ઇટાલીમાં 1993માં ખાસ કરીને રેસ્ટોરાંના માલિકો ફ્ૂટપાથ પર તડકો ન પડે એ માટે ખાસ છાંયો કરવા માટે છાજિયું નાંખતા હતા, પરંતુ એ માટે વર્ષે 100 ડોલરનો ટેક્સ ચૂકવવો પડતો હતો! છાંયડો કરવા માટેનો પણ ટેક્સ આપવો પડે એ જાણીને આશ્ચર્ય થાય એવી વાત છે.

પશુપાલનનો ઉછેર કરવો એ એક વ્યવસાય છે. આપણે ત્યાં પણ ગાય-ભેંસના મોટા તબેલા જોવા મળે છે. એમ કહેવાય છે કે છાણ એક સારું કુદરતી ખાતર છે, પરંતુ પશુઉછેર એ મિથેન ગેસનો મોટો સ્ત્રોત બની રહે છે. આ ગેસ ગ્રીનહાઉસ ગેસ કહેવાય અને તેને કારણે વાતાવરણ ઉપર માઠી અસર પડી રહી છે, ત્યારે ઇસ્ટોનિયા નામના દેશમાં પશુઉછેર કરનારાએ હવામાં પશુપાલનને કારણે ગેસ છૂટે છે, તેના ઉપર સરેરાશ 15થી 25 ટકાનો ટેક્સ આપવો પડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો