આ ઋતુનું ઔષધ કંકોડા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આ ઋતુનું ઔષધ કંકોડા

આ ઋતુનું ઔષધ કંકોડા

 | 2:40 am IST
  • Share

આરોગ્ય ચિંતન : વૈદ્ય મનુભાઈ ગૌદાની 

અમારું આ ઋતુનું અત્યંત પ્રિય શાક કંકોડા. કંકોડા અથવા કંટોલાને સંસ્કૃતમાં કર્કોટકકહેવામાં આવે છે. પાણી નાખ્યા વગર માત્ર તલના તેલમાં પાકવેલું કંકોડાનું શાક અત્યંત સ્વાદિષ્ટ બને છે. આયુર્વેદિય મતે કંકોડામાં અનેક ઔષધિય ગુણો રહેલાં હોવાથી જ આ વખતે તેના વિશે સંક્ષિપ્ત નિરુપણ કરું છુ. આાયુર્વેદના પ્રાચીન ગ્રંથ ચરકસંહિતમાં કંકોડાને કડવા, શીતળ અને કફ-પિત્તનાં રોગોને મટાડનાર કહ્યાં છે. મહર્ષિ ભાવમિશ્રે ભાવપ્રકાશગ્રંથમાં કંકોડાને કુષ્ટ, હલ્લાંસ અને અરુચિનાશક કહ્યાં છે તે શ્વાસ, ઉધરસ, જવારનો નાશ કરી ભૂખ લગાડનાર છે. રાજનિધંરુ ગ્રંથનાં કર્તાએ કંકોડાને તીખા કડવા, ઠંડા, વિષનો નાશ કરનાર, વાયુના-પિત્તના રોગોમાં હિતાવહ કહ્યાં છે, અને આહાર પર તે રુચિ ઉત્પન્ન કરે છે. 

કંકોડાની વેલને કંકોડી કહેવાય છે. પ્રથમવર્ષા થતાં જ તેના વેલા ઉગી નીકળે છે. આપણે ત્યાં કંકોડાના વેલા ખાસ કરીને ખેતરની વાડ પર થાય છે. જંગલમાં કંકોડી થોર, કેરડી અને નાના ઝાંખરા પર થાય છે. તેને પીળા રંગનો ફૂલો આવે છે. અને તે સંધ્યાકાળે ખીલી ઉઠે છે. 

ગુણધર્મો  : કંકોડા પચવામાં હલકા, જમવામાં રુચિ ઉત્પન્ન કરાવનારા, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનારા, મળને સરકાવનારા છે તથા તે હલ્લાસ, અરુચિ, શ્વાસ, ઉધરસ, જવર, ગોળો, શૂળ, પ્રમેહ, ઉલ્લાસ તથા હૃદયની પીડામાં હિતાવહ છે. 

કંકોડીના પર્ણો રુચિકારક, વીર્યવર્ધક, કૃમિ, જવર, ક્ષય, શ્વાસ, હેડકી અને અર્શમાં હિતાવહ છે, કંકોડીના જડ (કંદ) મસ્તિષ્ડ વિકારો, રક્તસ્ત્રાવી મસા, ગ્રંથિ, મધુમેહ વગેરેમાં ઉપયોગી છે. એના કંદના ચૂર્ણમાં મધ નાખી તેનો લેપ કરવાથી આધાશીશી મટે છે. 

ઉધરસ અને શ્વાસ  : કંકોડીની જડને નિર્ધૂમરીતે બાળી તેના ચૂર્ણને મધ અથવા આદુના રસ સાથે આપવાથી શ્વાસ અને ઉધરસ મટે છે. 

પથરી પર  : કંકોડીની જડનું ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. અડધી ચમચી જેટલું આ કંકોડીનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે સવારે અને રાત્રે લેવાથી વૃક્ક તથા મૂત્રનિદ્રિયની પથરી નષ્ટ થાય છે. 

મસા પર  : કંકોડીની જડને છાયામાં સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. પાથી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સાકર સાથે સવારે અને રાત્રે લેવાથી રક્તસ્ત્રાવી મસા શાંત થાય છે. 

જવરમાં  : સુશ્રુત સર્જન હતા. તેમણે પોતાના ગ્રંથ સુશ્રુતસંહિતામાં લખ્યું છે કે, તાવમાં કંકોડાનું શાક હિતાવહ છે. પંડિતભાવ મિશ્રે પણ કંકોડાને જવરનાશક અને અરુચિનાશક કહ્યા છે. કંકોડા કડવા, શીતળ, વિપાકમાં એટલે કે પચી ગયા પછી તીખા બનતા હોવાથી તે કફપિત્તનાશક અને તાવવાળા માટે પથ્ય છે. 

કમળા પર  : અમુક રોગોમાં વૈધો દર્દીને નસ્ય કર્મકરાવે છે. નસ્ય કર્મ એ આયુર્વેદની વિશેષતા છે. નસ્ય કર્મમાં ઔષધના રસના ટીપા કે ચૂર્ણ નાકમાં નાખવામાં આવે છે. કંકોડીના મૂળાને પાણીમાં લસોટી નાકના બંને નસકોરામાં ચાર-પાંચ ટીપા નાખવાથી થોડા દિવસમાં કમળો મટે છે. સોઢલ નામના પ્રખ્યાત વૈદ્ય આ પ્રયોગ લખ્યો છે. 

હાથીપગા પર  : કંકોડીની એક બીજી જાત એવી છે કે, જેને કંકોડા આવતા જ નથી. આ કારણથી આયુર્વેદમાં તેને વંધ્યા કર્કોટકીપણ કહે છે. આ વંધ્યા કંકોડીના મૂળને ધાવણમાં લસોટી તેના ચાર-પાંચ ટીપા સવારે અને રાત્રે બંને નસકોરામાં નાખવામાં આવે તો હાથીપગા નામનો રોગ મટે છે. 

કંકોડામાં તેના વેલામાં, પર્ણોમાં, કંદમાં અને મૂળમાં આટલા બધાં ગુણો હોવાથી અમે આ ઋતુમાં કંકોડા વિશે લખ્યા વગર કેમ રહી શકીએ! 

ઘરગથ્થુ ઉપચાર  : આપણા ગુજરાતમાં શોઢલનામના પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા. તેમણે ગદ નિગ્રહનામના ગ્રંથની રચના કરી છે. આ ગદનિગ્રહ નામના સંસ્કૃત ગ્રંથમાં લખ્યું છે કે જો નાળિયેરના દૂધમાં અથવા પાણીમાં સાકર નાખીને પીવામાં આવે તો ક્ષયરોગથી ઉત્પન્ન થતો માથાનો દુઃખાવો મટે છે. કેટલાંક વૈદ્યો અડધું માથું દુખતું હોય (આધાશીશી) તો આ પ્રયોગથી પણ મટાડે છે.  ?

 [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન