આ ધોરી માટે ધરા આપે કોણ? - Sandesh
1.6M
1M
1.7M
APPS

આ ધોરી માટે ધરા આપે કોણ?

 | 12:30 am IST
  • Share

અષાઢ ઉતરવામાં ને શ્રાવણ ચઢવામાં હતો. ગોરમ્ભાતા આભમાં વરસાદી માહોલના મંગાળા માંડતી રોણ ગાજી રહી હતી. કાઠિયાવાડી રોણ એટલે રોહિણી નક્ષત્ર. રોણ કુંડાળાં કાઢવામાં ભારે અળવીતરી ગણાય. જ્યાં વરસે ત્યાં મન મૂકી સાંબેલાધારે વરસે. ને ન વરસે ત્યાં સાવ કોરુંધાકોર, કાંકરા ઊડતા હોય!

મેઘરાજાનાં મંડાણ થયાં છે. ઢસા ગામ બાજુની દખ્ખણ દિશામાંથી રીંછડીયું જેવી વાદળીઓ, સરખી સહેલીઓ માફ્ક અડકોદડકો રમવા લાગી છે. મ્યાનમાંથી ખેંચાતી તલવાર જેવી વીજળીના ચમકારા સાથે હોકાના ગુડગુડાટ જેવી ગર્જના પણ થાવા લાગી છે. વડછડ કરતી ધૂળની ડમરીઓય ઘૂમરાવે ચઢી છે.

ધીંગી વાડીમાં કોસ હાંકતા મુળજી વાઘેલાના મનમાં પણ વંટોળ ઊપડયો. કોણ જાણે કેમ પણ અંદેશો ઊગ્યો છેઃ નક્કી કાં’ક નવાજૂની થાવાની છે. તેમણે કોસ છોડી નાખ્યો. પછી થાળામાં ઊભા રહી બે હાથ જોડી ઉપરવાળાને અંતરથી આરદા કરીઃ ‘હે ધરતીના ધણી! આ કાળા માથાના માનવી માથે મે’ર કરજે!’

પણ રોણ કોઈ અલ્લડ યૌવના જેમ અળવીતરાઈ કરવા બેઠી હતી. તે ગાજી થોડી ને વરસી ઝાઝી. વળી તોફને ચઢી એમાં બારેય મેઘ ખાંગા થઈ સાંબેલાધારે વરસ્યા. પછી તો વરસ દી’થા વલવલતી ધરા તૃપ્ત થઇ છલકાઇ ઊઠી. ખેતર,પાદર, નદી, નાળાં ને વોંકળા એકબીજામાં ભળીને બે કાંઠે ડેકા દેવા લાગ્યા.

આંબરડી ગામેથી નીકળતો વોંકળો, ઢસા થઈને ચાડિયા ગામ લગી ગાડા મારગ તરીકે ખપમાં લેવાતો હતો. વરસ દા’ડો ધૂળ ને કાંકરા ઉડાડતો વોંકળો પણ નદી જેમ ગાંડો થઇ બે કાંઠે વહેવા લાગ્યો.

વાદળિયા વાતાવરણમાં ઢળતી સાંજનો ઉજાસ,ધરતી માતાના પાલવમાં છુપાઇ ગયો હતો.

ઝરમરિયા છાંટણા વચ્ચે મોંસૂઝણું હતું. આવા વખતે એક ખેડૂત રઘવાયો થઇ,ગોઠણડૂબ પાણીમાં ગાડું હંકારતો હતો. પાણીમાં ઉમેરો થાતો હતો પણ દરરોજનો જાણીતો મારગ. વળી આવાં તો કેટલાંય ચોમાસાં માથેથી અળગોટિયું ખાય ગયાં હતાં. જરાય ભે નહોતી. વળી ગામ ઝાઝું આઘું નહોતું. પણ એકાએક ધસી આવેલા પાણીના વિકરાળ લોઢમાં ગાડું ગડથોલિયું ખાય ગયું…ને ગાડાખેડુને જીવ બચાવવો ભારે થઇ પડયો હતો.

ગાડાખેડુ વોંકળાને વીંધી, ઢબીઢબીને બહાર નીકળ્યો હતો. પણ કાંઠે ઊભો રહી, પાણી ધસમસતા પ્રવાહમાં જીવ બચાવવા હવાતિયાં મારતા, દીકરા જેવા વ્હાલા બેઉ બળદને જોઈ શક્યો નહોતો. બળદ પાણી વળોંટી જાય એમ હતા પણ ગાડાની ધૂંસરીએ જોતરથી બાંધેલા હતા. બળદે માથાં પછાડયાં હતાં પણ જામોકામી જોતર તૂટયા કે છૂટયા નહોતા. તણાતા બળદને જોઈ તે આક્રંદ કરવા લાગ્યો હતોઃ ‘હે ભગવાન, તેં મારાં બેય બાવડાંને હણી નાખ્યાં!’ પછીનો પોકાર હતોઃ ‘ઢાંઢાં કરતા મારો જીવ લઇ લેવો’તો વા’લા!’

આ જીવલેણ ઘટનાથી ગામમાં અરેરાટી ફ્ેલાઈ ગઈ હતી. લાગતું વળગતું લોક, જેમ મર્યા મનેખનો ખરખરો કરવા આવે એમ આ ખેડૂતના ઘરે આવવા લાગ્યું હતું. ચોમાસુ પાકના ખરા ટાણે જ બળદ ને ગાડું ગુમાવ્યાનું દુઃખ મોટું હતું.

ખેડૂતની આવી વિપતવેળાએ ગામના એક ગુર્જર ક્ષત્રિય યુવાન મુળજી વાઘેલાએ ઠાલી કે લુખ્ખી ધરપત દેવાના બદલે કહ્યું હતુંઃ ભાઈ, પ્રભુને ગમ્યું તે ખરું. એની આગળ આપડું તો કાંય ગજું નથી.’ પણ આ વેળા ખેડૂતના પડખે બેઠેલા એકાદ-બે અદકપાંસળી જણનાં મોંએ આવી ગયું હતુંઃ ‘લે આ લ્યે, આમાં વળી નવું સું કીધું?’ બીજાના હોઠે લટક્યું હતું ઃ’મોટા ઉપાડે વચાળે બેઠો તે કાં’ક દય દેવાનો હસ્ય!’

પણ મુળજી તો ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો હતો. તેણે મોં ભરી કહી, સૌની સામે કહી દીધું હતુંઃ ‘ભાઈ, જરીકેય મૂંઝાતો નંઇ. મારી પાંહે બે જોડી બળદ છે ઈમાં એક જોડ તારી ગણજે!’

આ ઘટનાનું જાણે પાણીઢોળ થઇ ગયું હોય એમ સમયની સોડમાં છુપાઇ ગઈ હતી. પણ મુળજીના મનમાંથી ખસતી નહોતી. આ વોંકળામાં અગાઉ પણ ગોજારી ઘટનાઓ ઘટી છે, તેનો કાયમી ઉકેલ આવવો જોઈએ. તેમણે બે-પાંચ ગામ આગેવાનોને બોલાવી પ્રસ્તાવ મૂક્યો હતો તો,એક જ વાત સામે આવીને ઊભી રહી હતીઃ ‘વરસાદ તો કુદરતની દેન છે, તેના સામે આપણે શું કરી શકીએ!?’

મુળજી મનમાં ગાંઠ વાળીને આવ્યો હતો. તેમણે સીધું કહી દીધું હતું ઃ’આ મારગ જ વોંકળાના બદલે ખેતરમાં લઇ લેઈ તો!’ ત્યાં કોઈ તડ ને ફ્ડ કરી બેઠું હતું ઃ’મારગ કાઢવા જમીન આપે કોણ?’

‘મારગ થાય એવી સળંગ પટ્ટે જમીન હું આપવા તૈયાર છું.’ મુળજીએ કહી દીધું હતું.

એક તસુભાર જમીન માટે માથાં વઢાય જાતાં હોય ત્યાં આટલી મોટી જમીન આપવી તે ગગાની રમત નહોતી. તેથી એક વડીલે ઠાવકી ટકોર કરી હતીઃ ‘એક વાર મારગ થયા પછી કાયમી થઇ જાહે, હો!’

‘ઈ હું હંધુંય હમજું છું.’ મુળજીની જીભાને આવી ગયું હતુંઃ ‘પણ મનેખ કે માલઢોરના જીવ બચાવવા હું આ જમીન આપું છું!’ પછી તો ત્યાં લોકસહયોગથી કાયમી મારગ થયો અને મુળજી માટે દુહો પણ ગવાયો ઃ ‘તહુ દબાવે કોઈ તો માથાં મૂકે માનવા, પણ ધોરી કાજે આજ તે ધરા આપી મુળવા!’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન