આ વખતે મહારાષ્ટ્રવાસીઓ ખાસ સ્ટોર કરી લે કાંદા નહીંતર પડશે રોવું કારણ કે... - Sandesh
  • Home
  • Business
  • આ વખતે મહારાષ્ટ્રવાસીઓ ખાસ સ્ટોર કરી લે કાંદા નહીંતર પડશે રોવું કારણ કે…

આ વખતે મહારાષ્ટ્રવાસીઓ ખાસ સ્ટોર કરી લે કાંદા નહીંતર પડશે રોવું કારણ કે…

 | 5:47 pm IST

કાંદાનો ઓછા ભાવોની અસર આ વર્ષે ખરીફ મોસમમાં લેવામાં આવતા કાંદાના પાક ઉપર પડી શકે છે. ઓછા ભાવને કારણે ખેડૂતો કાંદાનો પાક લેવાથી અચકાઇ રહ્યા છે. એટલે કે સરખામણીએ આ વર્ષે ઘણા ઓછા ખેડૂતો કાંદાના પાકની વાવણી કરે એવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ ઓફ હોર્ટીકલ્ચર તેમ જ નાશિક ખાતેની નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના અહેવાલ મુજબ આ વર્ષે કાંદાના ખરીફ પાકની વાવણી ઓછી થશે અને પરિણામે માર્કેટમાં કાંદાના પુરવઠાની અછત નિર્માણ થઇ શકે છે.

સંસ્થા દ્વારા જુલાઇ મહિનામાં કાંદાના પાક અંગે તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોએ ખરીફ મોસમમાં(૨૦૧૬-૧૭) આશરે ૧૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં પાકની વાવણી કરી છે. મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયું ત્યારથી જ ખેડૂતોએ પાક માટે બિયારણની વાવણી શરૂ કરી દીધી હતી. જોકે ખેડૂતોએ વાવણી માટે કાંદાના પાક ઉપર પોતાની પસંદગી ઉતારી નથી. બજારમાં કાંદાના દર સાવ તળિયે છે એટલે ખેડૂતો કાંદાનો પાક લેવાનું ટાળી રહ્યા છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ખરીફ મોસમમાં કાંદાના પાક માટે આશરે એક લાખ હેક્ટર જેટલા ખેતરો છે. ગયા વર્ષે દુકાળને કારણે માત્ર ૩૫,૦૦૦ હેક્ટર જમીન ઉપર જ કાંદાના પાકની ખેતી કરવામાં આવી હતી. જોકે આ વર્ષે કાંદાના ઓછા ભાવને કારણે ખેડૂતો કાંદાની બદલે અન્ય શાકભાજી વગેરેનો પાક લેવાનું પસંદ કરી રહ્યા છે.