ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાન પર હારનું સંકટ - Sandesh
  • Home
  • Sports
  • ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાન પર હારનું સંકટ

ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાન પર હારનું સંકટ

 | 2:59 am IST

માન્ચેસ્ટર, તા. ૨૫

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે પરાજયનું સંકટ તોળાયું છે. ઇંગ્લેન્ડે પાકિસ્તાનને જીત માટે ૫૬૫ રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે જેની સામે મેચના ચોથા દિવસે પાકિસ્તાને ટી-બ્રેક સુધી પાંચ વિકેટ ગુમાવી ૧૬૧ રન બનાવ્યા છે. પાકિસ્તાનને જીત માટે હજુ ૪૦૪ રનની જરૂર છે અને તેની પાંચ વિકેટ બાકી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં આઠ વિકેટે ૫૮૯ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં ૧૯૮ રન બનાવી ઓલ આઉટ થઈ હતી. પાકિસ્તાનની ટીમ ફોલોઓન થઈ હતી તેમ છતાં ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને એક વિકેટે ૧૭૩ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવની ૩૯૧ રનની જંગી સરસાઈ અને બીજા દાવના ૧૭૩ રન ઉમેરાતાં પાકિસ્તાનને જીત માટે ૫૬૫ રનનો જંગી ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાનના ઓપનર હાફિઝે ૪૨ રન બનાવ્યા હતા જ્યારે યુનુસ ખાન ૨૮ રને અને મિસ્બાહ ઉલ હક ૩૫ રન બનાવી આઉટ થયા હતા. ટી-બ્રેક વખતે શફિક ૩૫ રને અને સરફરાઝ પાંચ રને રમતમાં હતા.

એન્ડરસને મેક્ગ્રાનો રેકોર્ડ તોડયો

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે અઝહરઅલીની વિકેટ ઝડપવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી બોલર તરીકે હોમ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના ઓસી. બોલર મેક્ગ્રાના રેકોર્ડને તોડયો હતો. મેક્ગ્રાએ હોમ ટેસ્ટમાં ૨૮૯ વિકેટ ઝડપી હતી જેને એન્ડરસને તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઓવરઓલ હોમ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે જેણે ૭૩ હોમ ટેસ્ટની ૧૩૪ ઇનિંગમાં ૪૯૩ વિકેટ ઝડપી છે. બીજા નંબરે અનિલ કુંબલે છે જેણે ૬૩ મેચમાં ૩૫૦ વિકેટ ઝડપી છે. ત્રીજા નંબરે શેન વોર્ન છે જેણે ૬૯ મેચની ૧૨૯ ઇનિંગમાં ૩૧૯ વિકેટ ઝડપી છે. એન્ડરસન ૬૭ મેચની ૧૨૮ ઇનિંગમાં ૨૯૦ વિકેટ સાથે ચોથા ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન