ઇટાલીના ટેનિસ ખેલાડી પર દોઢ વર્ષનો પ્રતિબંધ - Sandesh
  • Home
  • Sports
  • ઇટાલીના ટેનિસ ખેલાડી પર દોઢ વર્ષનો પ્રતિબંધ

ઇટાલીના ટેનિસ ખેલાડી પર દોઢ વર્ષનો પ્રતિબંધ

 | 1:29 pm IST

ઇટાલીના ટેનિસ ખેલાડી માર્કો કેચિનાટો મેચ ફિક્સિંગમાં સામેલ હોવાનું બહાર આવતાં ઇટાલિયન ટેનિસ ફેડરેશન દ્વારા ૧૮ મહિનાનો પ્રતિબંધ અને ૪૦,૦૦૦ યૂરોનો દંડ ફટકાર્યો છે. ૨૩ વર્ષીય કેચિનાટો ૧૪૩મી વર્લ્ડ રેન્કિંગ ધરાવે છે. તેણે ગત ઓક્ટોબરમાં મોરક્કોમાં યોજાયેલી એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં કામિલ મેજચરઝાક સામેની મેચ ફિક્સ કરી હતી.

આ ઉપરાંત રિકાર્ડો અકાર્ડી અને એન્ટોની કેમ્પો કે જેઓ મેચ ફિક્સ કરવામાં સામેલ હતા તેમના પર પણ પ્રતિબંધ લગાવાયો છે. અકાર્ડી પર ૧૨ મહિનાનો પ્રતિબંધ અને ૨૦,૦૦૦ યૂરોનો દંડ ફટકારાયો છે. કેમ્પો પર ચાર મહિનાનો પ્રતિબંધ અને ૧૦ હજાર યૂરોનો દંડ લગાવ્યો છે. કેચિનાટો પોતાને અપાયેલી સજાની સામે અપીલ કરી શકે છે

પરંતુ જો અપીલ રદ થાય તો તેની પર જાન્યુઆરી ૨૦૧૮ સુધી પ્રતિબંધ રહેશે. કેચિનાટો સામે મેચ ફિક્સ કરવા ઉપરાંત ગત વર્ષે યોજાયેલા ફ્રેન્ચ ઓપનમાં આંદ્રેસ સેપ્પી અને જ્હોન ઇસ્નેર વચ્ચેની મેચ અંગેની ગોપનીય માહિતી આપવામાં પણ દોષિત જણાયો હતો.   આ મામલે યુરોપિયન સ્પોર્ટ્સ સિક્યુરિટી એસોસિયેશન દ્વારા જણાવાયું કે, આ વર્ષે ફિક્સિંગના ૩૪ કેસ સામે આવ્યા છે જે રમત માટે ચિંતાજનક બાબત છે.