ઇસ્ટર્ન ફ્રી-વે પર ટેક્સી-કારના અકસ્માતમાં ૩નાં મોત, ૪ને ઈજા - Sandesh
  • Home
  • Mumbai
  • ઇસ્ટર્ન ફ્રી-વે પર ટેક્સી-કારના અકસ્માતમાં ૩નાં મોત, ૪ને ઈજા

ઇસ્ટર્ન ફ્રી-વે પર ટેક્સી-કારના અકસ્માતમાં ૩નાં મોત, ૪ને ઈજા

 | 3:43 am IST

મુંબઈ, તા. ૧૯  

ઇસ્ટર્ન એક્સપ્રેસ-વે પર દક્ષિણ બાજુથી પૂરઝડપે આવી રહેલી ઇનોવાના ચાલકે કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી ટેક્સી સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આને કારણે ટેક્સીનો ડ્રાઇવર, ટેક્સીમાં પ્રવાસ કરી રહેલો પ્રવાસી અને ઇનોવાનો ડ્રાઇવર મૃત્યુ પામ્યા હતા. જ્યારે ચાર જણને ઇજા થઈ હતી. મંગળવારે સવારે સાડા છ વાગ્યે થયેલા અકસ્માતને કારણે ચેમ્બુરથી વડાલા સુધીનો વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો.  

પોલીસના જણાવ્યા મુજબ ઇસ્ટર્ન ફ્રી-વે પર ચેમ્બુરથી વડાલા વચ્ચે ધૂમ સ્ટાઇલ આવી રહેલી ઇનોવાના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ડિવાઇડર પાર કરી રસ્તાની બીજી બાજુ જતી રહી. એ સમયે સામેની બાજુથી આવી રહેલી ટેક્સી ઇનોવા સાથે ભટકાઇ હતી. ઇનોવા અને ટેક્સીની ટક્કર એટલી જોરદાર હતી કે ટેક્સી ડ્રાઇવર, ટેક્સીમાં બેઠેલો પ્રવાસી અને ઇનોવાનો ડ્રાઇવર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આરસીએફ પોલીસના જણાવ્યા પ્રમાણે સામેથી પૂરઝડપે આવી રહેલી ઇનોવાને કારણે ટેક્સી ડ્રાઇવરે પણ કાબૂ ગુમાવ્યો હતો અને અન્ય કાર સાથે ભટકાઈ ડિવાઇડરને ટકરાઇ હતી.  અકસ્માતમાં ઘવાયેલા મહેશ કુકલેકરે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ઇનોવાના ડ્રાઇવર વિરૂદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૪ (એ) હેઠળ ગુનો નોંધ્યો હતો. અકસ્માતમાં ઇનોવાનો ડ્રાઇવર અબ્દુલ હમીદ મેહમુદ સિધવા (૪૮), ટેક્સી ડ્રાઇવર નંદલાલ જયસ્વાલ (૪૨) અને ટેક્સીમાં પ્રવાસ કરનાર વિજય મધુકર કેલકર (૫૦) મૃત્યુ પામ્યા હતા.

પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો હટાવ્યા હોવા છતાં ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. એક્સપ્રેસ-વે પર વાહનોની લાંબી લાઇન લાગી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન