ઈંતેજારીનો અંત : ભાવનગરના ૨૦મા મેયરની આજે તાજપોશી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ઈંતેજારીનો અંત : ભાવનગરના ૨૦મા મેયરની આજે તાજપોશી

ઈંતેજારીનો અંત : ભાવનગરના ૨૦મા મેયરની આજે તાજપોશી

 | 1:54 am IST

ભાવનગર, તા.૧૩

ભાવનગરના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત પાંચ મહત્વના પદ પર કોનો કબજો જામશે ? આ ઈંતેજારીનો આવતીકાલે અંત આવી જશે. અઢી વર્ષની ટર્મ પુરી થતાં મેયર નિમુબેન બાંભણિયા, ડે.મેયર મનભા મોરી, સ્ટે.ચેરમેન સુરેશ ધાંધલિયા, દંડક રાજુ રાબડિયા તેમજ મનપાની અલગ-અલગ નવ કમિટીના ચેરમેન-ચેરપર્સન આવતીકાલે પોતાનો હોદ્દો છોડશે. જેમના સ્થાને નવા પદાધિકારીઓની વરણી કરાશે.

ભાવનગરના મેયર સહિતના હોદ્દાઓ પર કોને બેસાડવા તેનો નિર્ણય સોમવારે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં લેવાઈ ચૂક્યો છે. જો કે, તમામ પદાધિકારીઓના નામો એક બંધ કવરમાં ગોપનિય રખાયા હોવાથી છેલ્લા એક માસથી ચાલી રહેલી મેયર-સ્ટે.ચેરમેન પદની રાજકીય રેસ પરથી પરદો ઉંચકાઈ જશે અને આવતીકાલે તા.૧૪-૬ને ગુરૃવારે સવારે ૧૧ કલાકે મહાપાલિકાની સાધારણ સભામાં આગામી અઢી વર્ષ માટેની ટર્મના નવા પદાધિકારીઓની જાહેરાત થઈ જશે. સામાન્ય સભામાં મેયર, ડે.મેયરની તાજપોશી કરાયા બાદ શાસક પક્ષના નેતા, સ્ટેન્ડીંગ કમિટીના ૧૨ સભ્યો અને મહાપાલિકાની જાહેર બાંધકામ, જાહેર આરોગ્ય, ડ્રેનેજ, વોટર વર્કસ, ટાઉન પ્લાનીંગ એન્ડ સિટી ઈમ્પ્યુ., સોશ્યલ વેલ્ફેર રીક્રી એન્ડ કલ્ચ., ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ અને લીગલ કમિટીના સભ્યોના નામ જાહેર કરી દેવાશે.

સ્ટેન્ડીંગ કમિટીમાં સ્થાન પામેલા ૧૨ સભ્યોની સાંજે પ-૩૦ કલાકે સ્ટેન્ડીંગ કમિટીના મિટીંગ હોલમાં મિટીંગ મળશે. આ બેઠકમાં ચેરમેનના નામની જાહેરાત થશે.

નોંધનિય છે કે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણી માથે છે. ત્યારબાદ ૨૦૨૦માં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી આવશે. ત્યારે આ બન્ને ચૂંટણીને ધ્યાને રાખી જે કોર્પોરેટરોને મહત્વના હોદ્દા ન મળ્યા હોય તેમને અલગ અલગ કમિટીમાં સમાવી લેવાની ગોઠવણ પણ કરી દેવામાં આવી છે. ત્યારે મોવડી મંડળમાં સતત ચાલેલી ભલામણ, લાગવગ, મહત્વનો હોદ્દો મેળવવા કરાયેલા કાવા-દાવા વગેરેમાં કોનો ઘોડો આગળ દોટયો છે અને કોની મહેનત એળે ગઈ છે, બેસતો મહિનો કોને ફળશે ? તે સસ્પેન્સ પરથી આવતીકાલે પરદો ઉંચકાઈ જશે. ઘણાં નગરસેવકોએ તો ગરિમા પૂર્ણ મેયર, ડે.મેયર, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડીંગ ચેરમેન વગેરે પદ મેળવવા માટે માનતાઓ પણ માની હોવાની ચર્ચાઓ ચકડોળે ચડી હતી. આવા પદવાચ્છુ ઓને તો આજની રાત કતલની રાત રહી હતી.

;