ઉધના રેલવે સ્ટેશને ટ્રેન રોકી દલિતોનું હલ્લાબોલ - Sandesh
  • Home
  • Surat
  • ઉધના રેલવે સ્ટેશને ટ્રેન રોકી દલિતોનું હલ્લાબોલ

ઉધના રેલવે સ્ટેશને ટ્રેન રોકી દલિતોનું હલ્લાબોલ

 | 11:40 pm IST

સુરત, તા. ૨૧  

ઊનામાં દલિતો પર થયેલા દમનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. રાજ્યભરમાં ભડકેલી આક્રોશની આગ સુરતમાં પણ દેખાવા માંડી છે. દરમિયાન આજરોજ આક્રોશિત દલિત સમાજના લોકોએ ઉધના રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ધસી જઈ નવજીવન એક્સપ્રેસ રોકી હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો. રેલવે ટ્રેક પર બેસી જવાની સાથે ટ્રેનના એન્જિન પર ચઢી જઈ લોકોએ શરૃ કરેલી નારેબાજીને પગલે રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. બીજી બાજુ રેલવે પોલીસે ટ્રેનને રોકનારા ટોળાંમાંથી ૧૫ મહિલા સહિત ૫૧ અને ઉધના પોલીસે ૧૮ લોકોની અટકાયત કરી હતી.

  • ઊનામાં દલિતો પર દમનના સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાત
  • ટ્રેન રોકો આંદોલનને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો
  • પોલીસે ૧૫ મહિલા સહિત ૬૦થી વધુ લોકોની અટકાયત કરી

ઊનાના મોટા સમઢિયાળા ગામમાં ગૌરક્ષાના નામે દલિત યુવાનનો પર ગુજારેલા અત્યાચારના વિરોધમાં દલિત સંઘોએ રાજ્યભરમાં છેડેલા આંદોલનના પડઘા સુરતમાં પણ દેખાઈ રહ્યાં છે. સુરતમાં દલિત સંગઠનો દ્વારા રેલી અને આવેદન પત્ર આપી વિરોધ પ્રર્દિશત કરાઈ રહ્યો છે. ત્યારબાદ આજરોજ ઉધના રેલવે સ્ટેશને ટ્રેન રોકી હલ્લાબોલ કરાયું હતું. અમદાવાદથી ચેન્નઈ તરફ જતી નવજીવન એક્સપ્રેસ આજે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં ઉધના રેલવે સ્ટેશને આવી પહોંચતા આક્રોશિત દલિતોનું મહિલા-પુરુષો સાથેનું એક મોટું ટોળું ટ્રેન આગળ આવી ગયું હતું. ટોળાંમાં હાજર લોકોએ નારેબાજી કરવાની સાથે ટ્રેનના એન્જિન પર ચઢી જઈ વિરોધ નોંધાવ્યો હતો. ક્રોધિત દલિતો રેલવે ટ્રેક પર બેસી જતા રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ટ્રેન સામે ઊભેલા ટોળાનો વિરોધ જોઈ રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દલિત સમાજના લોકોે ટ્રેન રોકનાર હોવાની વાત પોલીસના કાને પહોંચી ગઈ હોય ઉધના અને રેલવે પોલીસનો કાફલો પહેલાથી તૈનાત થઈ ગયો હતો. જેને પગલે ટ્રેન રોકનારા દલિતોએ વિરોધ શરૃ કરતા પોલીસે તેમની અટકાયત શરૃ કરી હતી. સુરત રેલવે પોલીસના પો.સ.ઈ. મલેકે જણાવ્યું હતું કે, પોલીસે ટોળામાંથી ૧૫ મહિલા સહિત ૫૧ અને ઉધના પોલીસે ૧૮ લોકોની અટકાયત કરી હતી.