ઉનામાં દલિત હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ, PM મોદીને થયું છે બહુ દુખ : રાજનાથ સિંહ - Sandesh
  • Home
  • India
  • ઉનામાં દલિત હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ, PM મોદીને થયું છે બહુ દુખ : રાજનાથ સિંહ

ઉનામાં દલિત હિંસાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ, PM મોદીને થયું છે બહુ દુખ : રાજનાથ સિંહ

 | 1:10 pm IST

ગુજરાતના ઉનામાં થયેલી દલિત હિંસાના મામલે સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે ગૃહપ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું છે કે આ ‘ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરીને 12 જુલાઈના દિવસે જ મારી સાથે વાત કરી હતી અને ઘટનાની જાણકારી લીધી હતી. વડાપ્રધાન આ ઘટનાથી બહુ દુખી છે. આ મામલામાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ થઈ છે. આ યુવકો તો માત્ર મૃત ગાયની ચામડી ઉતારી રહ્યા હતા.’
સીઆઇડી ક્રાઇમને તપાસ
ગૃહમંત્રીએ માહિતી આપી છે કે આ મામલામાં રાજ્ય સરકારે સીઆઇડી (ક્રાઇમ)ને તપાસ સોંપી છે. સ્પેશિયલ કોર્ટ સ્થપાઈ છે. આ મામલાની તપાસમાં રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે. દલિતો પર અત્યાચાર સામાજિક બુરાઈ છે. કેટલાક લોકોએ યુવકો સાથે મારપીટ કરી હતી જેમને વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજનાથ સિંહને વિપક્ષને ટોણો મારતા કહ્યું હતું કે મોદીસરકારના સત્તા પર આવ્યા બાદ દલિતો વિરૂદ્ધ હિંસાની ઘટનાઓ ઓછી થઈ છે. જોકે તેમના આ નિવેદન બાદ લોકસભામાં ધમાલ મચી ગઈ હતી અને તેમણે પોતાનું નિવેદન અડધું મુકવું પડ્યું હતું.

રાજ્યસભામાં પણ હંગામો
સંસદના વર્ષા સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યસભાના કામકાજના આરંભમાં જ વિરોધ પક્ષોએ કાશ્મીર તથા ગુજરાતના ઉના મુદ્દે હંગામો મચાવ્યો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહી  બે વાર  સ્થગિત કરી દેવાઈ હતી. જ્યારે લોકસભામાં પણ હંગામો મચ્યો હતો