ઉના અત્યાચાર:ગુજરાત આવશે આંબેડકરના પૌત્ર અને કેજરીવાલ, દિલ્હીના CMનો છે હટકે પ્લાન - Sandesh
  • Home
  • Rajkot
  • ઉના અત્યાચાર:ગુજરાત આવશે આંબેડકરના પૌત્ર અને કેજરીવાલ, દિલ્હીના CMનો છે હટકે પ્લાન

ઉના અત્યાચાર:ગુજરાત આવશે આંબેડકરના પૌત્ર અને કેજરીવાલ, દિલ્હીના CMનો છે હટકે પ્લાન

 | 7:50 pm IST

ઉનાનાં સમઢિયાળા ગામે દલિતો પર થયેલા અત્યાચારના પગલે દેશભરના રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓ આજકાલ ઉના અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ઉના જવા માટે વિમાન માર્ગે રાજકોટ આવવું ફરજીયાત નથી પરંતુ મીડિયાનું મુખ્ય મથક રાજકોટ હોઈ અને અત્યાચાર કાંડના કેટલાક પીડિતો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોવાથી અહીં આવવું અનિવાર્ય બન્યું છે.
તારીખ ૨૨ જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે. તેઓ ઉના ખાતે પીડિત દલિત પરિવારને મળશે, તેમની વ્યથાઓ જાણશે, ઉપરાંત તોફાનોમાં શહીદ થયેલા અમરેલીના પોલીસ જવાન પંકજ અમરેલિયાના પરિવારને પણ મળવા જશે. અન્ય રાજનેતાઓએ આ શહીદ જવાનના પરિવારને મળવાનું ટાળ્યું છે.

તારીખ ૨૩ જુલાઈના દિવસે ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર સવારની ફ્લાઈટમાં મુંબઈથી રાજકોટ આવી રહ્યા છે. અહીં લેન્ડ થયા પછી તેઓ ઉના જશે. પીડિત પરિવારની મુલાકાત કરીને ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિતોને મળશે. ત્યારબાદ પત્રકાર પરિષદ કરશે.

ઉનાની ઘટના પછી દેશભરના રાજકારણીઓ ઉપરાંત દેશના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે પણ સમઢિયાળા અને રાજકોટ જાણે તીર્થસ્થાન બની ગયા છે. અહીં આખા દેશમાંથી મીડિયા અને પોલિટિશિયન્સ ઠલવાઈ રહ્યાં છે. આવનારા દિવસોમાં હજુ અનેક ટોચના નેતાઓ અહીં યાત્રા પર આવશે તેમ જણાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન