ઉના અને કાશ્મીર મુદ્દે સંસદમાં હંગામો, રાજ્યસભા મોકૂફ - Sandesh
  • Home
  • India
  • ઉના અને કાશ્મીર મુદ્દે સંસદમાં હંગામો, રાજ્યસભા મોકૂફ

ઉના અને કાશ્મીર મુદ્દે સંસદમાં હંગામો, રાજ્યસભા મોકૂફ

 | 11:41 am IST

સંસદના વર્ષા સત્રના ત્રીજા દિવસે આજે કામકાજના આરંભમાં જ વિરોધ પક્ષોએ કાશ્મીર તથા ગુજરાતના ઉના મુદ્દે હંગામો મચાવ્યો હતો. આ કારણ રાજ્યસભાની કાર્યવાહી  બે વાર  સ્થગિત કરી દેવાઈ હતી.જ્યારે લોકસભામાં પણ હંગામો મચ્યો હતો

કોંગ્રેસે આ અગાઉ સંસદના બંને ગૃહમાં આ મુદ્દાઓ ઉઠાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બાદ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે અમે સંસદમાં ઉનાનો મુદ્દો ઉઠાવીશું. બીજીબાજુ આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને ઉનાની ઘટના સંબંધમાં લોકસભામાં સભામોકૂફી પ્રસ્તાવ માટે નોટિસ પાઠવી છે.

લોકસભામાં આજે કાશ્મીર મુદ્દે ચર્યા યોજાનાર છે. આ સમયે પાકિસ્તાનને પણ નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે કાશ્મીર ખીણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. આ સાથે તેમણે રાજ્ય સરકારને દેખાવકારો સામે કૂણુ વલણ દાખવવાનો પણ અનુરોધ કર્યો હતો. બીજીબાજુ સેના વડા જનરલ દલબીરસિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા કાશ્મીર જનાર છે.

ઉલ્લેખનીય છે કે સંસદના વર્તમાન સત્રમાં સતત હંગામો જારી છે. ગઈકાલે વિરોધ પક્ષોએ અરુણાચલ પ્રદેશ મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ માટે સરકારને જ જવાબદાર ગણાવી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકપ્રિય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો કરે છે.