ઉના કેસઃ ગુજરાત સહકાર મૃતક કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની સહાય આપેઃ કેજરીવાલ - Sandesh
  • Home
  • Rajkot
  • ઉના કેસઃ ગુજરાત સહકાર મૃતક કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની સહાય આપેઃ કેજરીવાલ

ઉના કેસઃ ગુજરાત સહકાર મૃતક કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની સહાય આપેઃ કેજરીવાલ

 | 8:45 am IST

ઊનામાં દલિત યુવાનો પર અત્યાચાર કરવાના મામલે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. અગાઉ પણ આનંદીબહેન પટેલે દલિત પીડિતોની મુલાકાત લીધી હતી અને આ મુદ્દાને રાજકીય મુદ્દો ન બનાવવા કોંગ્રેસને અપીલ કરી હતી જ્યારે ગઈ કાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દલિતો પીડિતોની મુલાકાત લીધી હતી. બીજી તરફ ઊનાની મુલાકાત બાદ રાહુલ ગાંધી પરત દિલ્હી પહોચ્યા છે ત્યાં અરવિંદ કેજરીવાલ દલિત પીડિતોની મુલાકાતે આવી રહ્યાં છે.

ગુજરાતના જૂનાગઢમાં આવેલું ઊના અત્યારે રાષ્ટ્રીય પક્ષો માટે રાજકીય એજન્ડાઓના અખાડા સમાન બની ગયું છે. ગુજરાતમાં દલિત યુવાનોને ઢોર માર મારવાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ગુંજ્યો અને હોબાળો પણ થયો. જાણે ઊનામાં રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. ત્રણેક દિવસ અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે દલિત પીડિતોની મુલાકાત લીધી હતી અને પીડિતોને ન્યાય તેમ જ સારવારના ખર્ચનું આશ્વાસન આપ્યું હતું. તેના બીજા જ દિવસે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પીડિતોની મુલાકાતે પહોંચ્યાં હતાં જે પછી સાંજની સભામાં કોંગ્રેસ દ્વારા પીડિતોને રૂ. 5 લાખની સહાયની ઘોષણા કરવામાં  આવી હતી. રાજ્યમાં હાલ કુલ 33 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

મેંદરડા પંચાયતના ભાજપના આઠ સભ્યોના રાજીનામા
ઉનાના મોટા સમઢીયાળામાં દલિતો પર અત્યાચારના મુદે નારાજ થઈ મેંદરડા ગ્રામ પંચાયતના ભાજપના આઠ સભ્યોએ પોતાના રાજીનામા પંચાયત ખાતે સરપંચને ધરી દેતા મેંદરડાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચાયતના આઠ આઠ સભ્યોના રાજીનામા ન આપવા ભાજપના આગેવાનોએ કોશિષ કરી હતી પણ સભ્યોની નારાજગી સામે તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને રાજીનામા પડયા હતા.પંચાયતના આઠ સભ્યોના રાજીનામાથી ભાજપમાં હલચલ મચી ગઈ છે.

રાજકોટ સિવિલ ખાતે IG શશિકાંત ત્રિવેદીએ લીધી મુલાકાત
ઉના દલિત અત્યાચાર કેસનો ઝિણવટ પૂર્વક તપાસ કરવા રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઇમને સોંપી છે. જેના પગલે સીઆઈડી ક્રાઈમના આઈજી શશિકાંત ત્રિવેદી રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું છે કે ફરિયાદના આધારે ઘટના સ્થળ અને પોલીસે જે પણ તપાસ કરી છે તેનો સહારો લઈને વધુ તપાસ હાથ ધરીશું.

ગૃહમંત્રી રજની પટેલે લીધી અમરેલીના મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોની લીધી મુલાકાત
રાજકીય નેતાઓ એક પછી એક ઉનાના પીડિતો અને દલિત આંદોલન સંઘર્ષમાં ઇજા પામી મોતને ભેટેલા કોન્સ્ટેબલા પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલ પછી હવે રાજ્યના ગૃહમંત્રી રજની પટેલે પણ કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લીધી હતી. રજની પટેલે મૃતક કોન્સ્ટેબલના પરિવારને સાંત્વના આપી હતી.

સુરેન્દ્રનગરના થાનમાં એક વ્યક્તિનો આત્મવિલોપનો પ્રયત્ન, મહિલાઓનું ટોળાએ થાન પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હંગામો
સુરેન્દ્રનગરના થાનમાં વધુ એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફી મહિલાઓના ટોળાએ થાન પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો આ ઉપરાંત તોડફોડ અંગે થયેલી ફરિયાદ પાછી ખેંચવા મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ થાન પહોંચ્યા હતા.

અમરેલીમાં મૃતક કોન્સ્ટેબલના પરિવારને મળ્યા દિલ્હીના સીએમ
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલ ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. અમરેલીમાં દલિત રેલી દરમિયાન થયેલા ઘર્ષણમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. તેના પરિવાર જનોને મળવા માટે અરવિંદ કેજરીવાલ અમરેલી પહોંચ્યા હતા. કેજરીવાલે પરિવારની મુલાકાત દીધા બાદ જણાવ્યું હતું. કે ગુજરાત સરકાર મૃતક કોન્સ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની સહાય આપે. તેમણે ગુજરાતની સરખામણી દિલ્હી સાથે કરી હતી. આ ઉપરાંત તેમણે પરિવારના સભ્યોને સરકારી નોકરીની પણ સહાય આપવામાં આવે તેવી માગણી કરી હતી. મુલાકાત દરમિયાન કેજરીવાલે કોન્સ્ટેબલના પરિવારને સાંત્વના પણ આપી હતી.

કેજરીવાલ ભાજપને કરી રહ્યા છે બદનામ કરી રહ્યા છે : રૂપાણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઉનાના સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે પીડિત દલિતોની મુલાકાત બાદ કહ્યું હતું કે આ બધુ ભાજપ સરકારના ગુંડાઓએ કર્યું છે અને અમે તેમને પકડાવીને રહીશું. સમગ્ર ઘટનામાં પોલીસનો હાથ છે અને ઉપરથી સંકેતો મળ્યાં છે. ભાજપ સરકાર અત્યાચારી ગુંડાઓને બચાવવાની કોશિશ કરી રહી છે. જે અમે થવા નહીં દઈએ. જેના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજ્ય રૂપાણીએ કહ્યું કે કેજરીવાલ ભાજપને બદનામ કરી રહ્યાં છે. ઘટનામાં પીડિત દલિતોને સરકાર તમામ મદદ કરી છે. ભાજપની પ્રશિક્ષણ શિબીર ઉદ્ઘાટનમાં રૂપાણીએ નિવેદન આપ્યું હતું.

કેજરીવાલ પહોંચ્યા અમરેલી, મૃતક પોલીસ કોન્સ્ટેબલના પરિજનો સાથે કરશે મુલાકાત

ઉનાના સમઢિયાળાની મુલાકાત બાદ હવે અરવિંદ કેજરીવાલ અમરેલી પહોંચ્યા છે. અહીં દલિત આંદોલનમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ પંકજ અમરેલિયાના પરિવારજનોને મળવા ગયા છે. તેમની સાથે આપના આશુતોષ અને ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ હાજર છે. આ ઉપરાંત ગુજરાતનો હવાલો સંભાળનારા ડો.કનુભાઈ કલસરિયા પણ સાથે છે.

કેજરીવાલ બોલ્યા, કેસની તપાસ CIDને સોંપાઈ છે પરંતુ તે કઈં કરતી નથી, સરકાર પોતાના લોકોને મોકલીને દલિતોને માર ખવડાવે છે

અરવિંદ કેજરીવાલે ઉનાના સમઢિયાળામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે “અમે જોયું કે લોકો કેવી રીતે દલિતોને મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા. મારતી વખતે જે ડંડા વપરાયા તે પોલીસના ડંડા હતાં. જેના પરથી કહી શકાય કે પોલીસ આ સમગ્ર મામલે મળેલી હતી. ઉપરથી જો સંકેત હોય તો જો આવું બને. પીડિતોને હું રાજકોટમાં મળ્યો તેમણે કહ્યું કે શિવસેનાના લોકોએ કર્યું. ભાજપની સરકાર પોતાના ગુંડાઓને મોકલીને માર ખવડાવે છે, અને પોલીસ જોયા કરે છે, દલિત સમાજ અવાજ ઉઠાવે ત્યારે પોલીસ અવાજ ઉઠાવનાર, આંદોલન કરનાર દલિત લોકો ઉપર અત્યાચાર કરે, ખોટા કેસ કરે. દલિતો પર અત્યાચારની આ ઘટનામાં 40થી 50 લોકો સામેલ છે. તેમના વિડિયો છે અને ફોટો પણ છે. જ્યારે અત્યાર સુધી 16-17 જ પકડાયા છે. કેમ બીજા પકડાયા નથી. સરકાર ભાજપના ગુંડાઓને બચાવવાની કોશિશ કરી રહી છે.”

તેમણે એમ પણ કહ્યું કે અહીં એટલી ઘટનાઓ ઘટી છે પરંતુ કોઈને કઈ ફરક પડતો નથી. કોઈના ઉપર કઈ કાર્યવાહી થતી નથી, જેલ થતી નથી. આ ઘટનામાં જે 40-50 લોકો સામેલ છે તેઓ પકડાય અને એવી સજા મળે કે બીજા કોઈ ભવિષ્યમાં કરે તો તેમનો આત્મા તડપી ઉઠે. આત્મહત્યાનો પ્રયત્ન કરનારા લોકોને મારી વિનંતી છે કે આત્મહત્યા ન કરવી, આપણે મળીને લડીશું. અત્યાચારી ગુંડાઓને મળીને જેલ પહોંચાડીશું. આવી ગુંડાગીરી હવે સહન નહીં કરવામાં આવે. આ લોકોને સખત સજા મળવી જોઈએ, દલિતોને ન્યાય મળવો જોઈએ. સરકારે આ ઘટના અંગે સીઆઈડીને તપાસ સોંપી છે પંરતુ સીઆઈડી કઈ કરતી નથી. જે કેસ યુવકો પર લગાવ્યાં છે તે પાછા ખેંચાવા જોઈએ. આંદોલનમાં સામેલ લોકો પર ખોટા કેસો પાછા ખેંચાવા જોઈએ. અમે રાજનીતિ કરીએ છીએ.. હા હા કરીએ છીએ, દલિતોને ન્યાય અપાવવાની રાજનીતિ કરીએ છીએ.

ઉનાની ઘટના બાદ માનવ અધિકાર પંચે માંગ્યો રિપોર્ટ

ઉનાના સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે વિવાદ વધતો જ જાય છે. માનવ અધિકાર પંચે પણ હવે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. માનવ અધિકાર પંચે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા પાસે આ અંગે રિપોર્ટની માગણી કરી છે.

કેજરીવાલ રાજકોટની મુલાકાત બાદ હવે ઉના પહોંચ્યા

ગુજરાતનું ઉના રાજનીતિનું એપી સેન્ટર બની ગયું છે. ફિલ્મ પિપલી લાઈવ જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઉનામાં દલિતોના અત્યાચાર મુદ્દે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દલિત પીડિતોને તેઓ મળ્યા અને વિગતો જાણી. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. કેજરીવાલ રાજકોટ બાદ હાલ ઉના પહોંચ્યા છે. અહીં તેમણે સમઢિયાળામાં પીડિત દલિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. તેમના દુ:ખ દર્દ જાણવાની કોશિશ કરી હતી. પીડિતો તેમની પાસે રડી પડ્યા હોવાના પણ અહેવાલો છે. કેજરીવાલની સાથે આપ નેતા આશુતોષ અને કનુભાઈ કલસરિયા પણ હાજર છે. અહીં કેજરીવાલે રાહુલ ગાંધીની જેમ દલિતો સાથે ચા પણ પીધી.

પોરબંદરમાં વધુ એક દલિત યુવાને ઝેરી દવા પીધી

પોરબંદરના મિલપરામાં રહેતા દલિત યુવાન મહેશ ચાવડાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. દલિત યુવાનને સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. ઉનામાં દલિતો પરના અત્યાચારના વિરોધમાં આજે કુલ ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

રાજ્ય ગૃહમંત્રી રજની પટેલ આજે અમરેલીની મુલાકાતે આવ્યાં, મૃતક કોન્સ્ટેબલના પરિવારને મળ્યાં

અમરેલીમાં દલિતોના આંદોલન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા પથ્થરમારા અને લાઠીચાર્જની ઘટનામાં LCBના પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા મોત નિપજ્યું હતું. કોન્સ્સ્ટેબલ પંકજ અમરેલિયાના પરિવારને મળવા માટે આજે રાજ્યના ગૃહમંત્રી રજની પટેલ અમરેલી આવી પહોંચ્યા હતાં. અહીં તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૃહમંત્રી રજની પટેલ સાથે પ્રભારી મંત્રી જયંતિભાઈ કાવડીયા અને દિલિપ સંઘાણી સહિતના નેતાઓ પણ આવ્યાં હતાં.

કચ્છના ભચાઉમાં દલિત સમાજે કાઢી રેલી, રેલી બાદ ધાંધલ ધમાલ

કચ્છમાં પણ દલિતોની આક્રોશની આગ ફેલાઈ રહી છે. ભચાઉમાં દલિત સમાજે વિશાળ રેલીનું આયોજન કર્યું. રેલી નિકળતા જ પોલીસે ફટાફટ બજાર બંધ કરાવ્યાં. ઘર્ષણ ટાળવા માટે પોલીસે આગોતરા આયોજન પણ કરી રાખ્યાં છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂરી થયા બાદ ભચાઉમાં ખુલ્લી રહેલી દુકાનોમાં તોડફોડ કરીને બંધ કરાઈ હતી. પોલીસે બજારો બંધ કરાવ્યા હોવા છતાં કેટલીક દુકાનો ખુલ્લી હતી. ઘર્ષણ ટાળવાના પોલીસના પૂરતા પ્રયત્નો હોવા છતાં આ તોડફોડ થઈ અને વેપારીઓને નાની ઈજાઓ પહોંચી.

રાહુલ-કેજરીવાલની ગુજરાત મુલાકાત પર CM આનંદીબેનનું નિવેદન

દહેગામના લવાદમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉના પીડિત દલિતો ની મુલાકાત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પગલે રાજકીય નિવેદનો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર કોઈ ભેદભાવ રાખતી નથી. આ ઘટના અંગે સરકારે પૂરતા પગલાં લીધા છે. પીડિતોને મળવા પાત્ર વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર સમજુ છે. છેલ્લા 15 વર્,માં તમામ વર્ગો માટે વિકાસના કામો થયા છે.

3 વધુ દલિત યુવાનોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ઉનામાં દલિતો પરના અત્યાચારનો મુદ્દો ગરમાતો જાય છે. આજે બોટાદના રાણપુરમાં વધુ ત્રણ યુવકોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આ યુવકોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે.. અત્યાચાર મામલે અત્યાર સુધી રાજ્યમાં કુલ 32 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

પાટણના રાધનપુરમાં દલીત સમાજે રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

દલિતો પરના અત્યાચારના મામલે આજે પાટણના રાધનપુરમાં પણ દલિત સમાજે રેલી કાઢી. 5 હજાર જેટલા લોકો રેલીમાં જોડાયા હતાં. રેલી બાદ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રેલી બાદ રાધનપુરના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

વડોદરા હાઈવે પર ડુમાળ ચોકડી પાસે NSUIના કાર્યકરોએ ટાયરો સળગાવ્યા, 4ની અટકાયત

ડુમાળ ચોકડી પાસે NSUI દ્વારા ચક્કાજામનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ જો કે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને 4 કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. NSUI દ્વારા વડોદરા હાઈવે પર ટાયરો સળગાવવામાં આવ્યાં હતાં.

દલિતો પર અત્યાચાર બાદ નિષ્ક્રિયતા દાખવનાર સમઢિયાળાના સરપંચને પદ પરથી દૂર કરાયા

ઉનાના મોટા સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચાર પર નિષ્ક્રિયતા દાખવનાર સરપંચને આખરે પદભ્રષ્ટ કરાયા છે. ટીડીઓ દ્વારા નોટિસ પાઠવીને સરપંચને હોદ્દા પરથી હટાવાયા. સરપંચ તરીકે વિકાસના કામોમાં ઉદાસિનતા દાખવવામાં આવતા આ નિર્ણય લેવાયો હતો. અત્રે જણાવવાનું કે સરપંચની ચૂંટણીના 3 માસ પહેલા જ તેમને હોદ્દા પરથી હટાવાયા છે.

દલિત અત્યાચાર મુદ્દે આજે વિરમગામમાં યોજાઈ રેલી, મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી

ઉનાના દલિત અત્યાચારનો મુદ્દો દિન પ્રતિદિન તુલ પકડતો જાય છે. આજે વિરમગામમાં રેલી યોજાઈ છે. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ભરવાડી દરવાજાથી મામલતદાર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ દલિતો મામલતદારને આવેદનપત્ર આપશે

ગાંધીનગરના માણસામાં દલિત સમાજની રેલી

ગાંધીનગર જિલ્લાના માણસામાં પણ દલિત સમાજે રેલી કાઢી છે. પાંજરાપોળથી આ રેલી મામલતદારની કચેરી સુધી જશે અને ત્યાં મામલતદારને આવેદન પત્ર આપશે. ઉનામાં દલિતો પર અત્યાચારના વિરોધમાં આજે પણ ઠેર ઠેર રેલીઓ નીકળી રહી છે.

જૂનાગઢમાં સતત ચોથા દિવસ પણ ST બંધ, દલિત જનાક્રોશના પગલે લેવાયો નિર્ણય

ઉનામાં દલિતોના અત્યાચાર પગલે સરકારી STએ રોષનો ભોગ બનવું પડ્યું છે. અત્યાર સુધી 55થી વધુ એસટી બસોને ગુસ્સે ભરાયેલા લોકોએ નુક્સાન પહોંચાડ્યું છે. જેના કારણે આજે ચોથા દિવસે પણ એસટી બસો બંધ રાખવામાં આવી છે. દલિતોના રોષના કારણે આ નિર્ણય લેવાયો છે.

કેજરીવાલ પોલીસ કોન્સ્ટેબલની હત્યાના આરોપીને મળ્યાં, થયો વિવાદ

અમરેલીના કોન્સ્ટેબલની હત્યાના આરોપી કાંતિભાઈ વાળાની કેજરીવાલે કરી મુલાકાત. આરોપીએ કેજરીવાલને કહ્યું કે મને ખોટો ફસાવવામાં આવી રહ્યો છે. પંકજભાઈને હું કોઈ દિવસ મળ્યો નથી તો મારવાનો તો કોઈ સવાલ નથી. કેજરીવાલે આ મુદ્દે ન્યાયિક તપાસ કરાવવા જણાવ્યું.

ભાજપની સરકાર દલિતો પર દમન કરે છે, દલિત વિરોધી: કેજરીવાલ

ઉનાની ઘટના પર પોતાનું નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિત પીડિતોનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યાં હતાં. આ કામ તેઓ દાયકાઓથી કરે છે. પરંતુ આમ છતાં શિવસેનાના કેટલાક લોકોએ તેમને માર્યા. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં થઈ રહી છે. આવી ઘટના અગાઉ રાજુલામાં પણ થઈ હતી.સૌથી પહેલા તો આ ઘટના પોલીસ સ્ટેશન સામે થઈ અને પોલીસની હાજરીમાં થાય તો તેનો અર્થ એ છે કે પ્રશાસનના ઈશારે થાય છે. પોલીસ ચૂપ કેમ છે. ઉપરથી કોઈ ઈશારો છે અને તેમની સહમતીથી આ પ્રકારે થાય છે.  આરોપીઓને પકડીને સખત સજા થવી જોઈએ. એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં આવું કરનારા ફફડી ઊઠે. ગુજરાતમાં દલીતો પર અત્યાચાર થાય છે. આરોપીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી. આ ઘટનામાં પકડાયેલા 17 લોકોની ધરપકડ પણ દેખાડો છે. આ લોકો સામે કાર્યવાહી થશે કે તેમ તે પ્રશ્ન છે. ગુજરાતમાં ભાજપની સરકાર દલીતો પર દમન કરે છે, દલિત વિરોધી છે.

જે દલિતો આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સલાહ આપતા કેજરીવાલે કહ્યું કે આત્મહત્યા કોઈ સમાધાન નથી. સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે એમ પણ કહ્યું કે જે લોકો આંદોલન કરી રહ્યાં છે તેની ઉપર ખોટા કેસ થાય છે. એક વર્ષ પહેલા પાટીદાર આંદોલન થયું તેમા યુવકોને પકડીને કેસ કર્યા અને દેશદ્રોહના કેસ પણ થયા. ભાજપની સરકારને કહીશું કે અન્યાય વધુ સમય નહીં ચાલે, ઉપરવાળો જુએ છે. લોકો તમને પાઠ ભણાવશે. બધા ધર્મ, જાતિના લોકો મળીને પાઠ ભણાવશે. જે લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી તે તમામને વળતર આપો, સરકારી નોકરી આપો, 17 લોકો માત્ર દેખાડા માટે પકડાયા. જે પોલીસકર્મીનું મોત થયું છે તેના ઘરે પણ જઈશું. 

કેજરીવાલ પહોંચ્યા રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાતે

હવે આજે સવારે 8.15 કલાકે રાજકોટના એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવી ગયા છે અને તે સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. પછી તેઓ રોડ માર્ગે મોટા સમઢિયાળા જશે, જ્યાં તેઓ પીડિત દલિત પરિવારોની મુલાકાત લેશે તે પછી અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં દલિતો પરના અત્યાચારના વિરોધમાં ઝેરી દવા ગટગટાવનાર યુવાનોની મુલાકાત લેશે. તેઓ આ ઘટનામાં મૃત્યુ પામેલ કોન્સ્ટેબલના પરિવારને પણ તે મળશે.

મોટા સમઢીયાળાના દલિતોના અત્યાચાર મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. હાલ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે. 9 વાગ્યે રાજકોટની સિવિલ હોસ્પિટલ પીડિત યુવકોની મુલાકાત લેશે. ત્યારબાદ 12 વાગ્યે તેઓ જૂનાગઢ જશે. ત્યારબાદ બપોરે 2.30 વાગ્યે ઉનામાં પીડિતો યુવકોના પરિવારને મળશે. સૌથી મહત્વની વાત એ હશે કે આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત નિપજ્યું હતું. જેટલા પણ નેતાઓ દલિત પીડિતોને મળવા આવ્યા હતાં તેમાથી કોઈ આ મૃતક કોન્સ્ટેબલના પરિવારને મળ્યા નથી પરંતુ કેજરીવાલ આ પરિવારને મળવાના છે. સાંજે 5.30 વાગ્યે તેઓ અમરેલી જવાના છે.