ઉમરાળામાં સતત બીજા દિવસે દલિત સમાજ રસ્તા પર ઉતર્યો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ઉમરાળામાં સતત બીજા દિવસે દલિત સમાજ રસ્તા પર ઉતર્યો

ઉમરાળામાં સતત બીજા દિવસે દલિત સમાજ રસ્તા પર ઉતર્યો

 | 12:02 am IST

ઉમરાળા, તા.૨૦

દલિત યુવાનો પર થયેલા અત્યાચારને કારણે રાજ્યભરના દલિતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કહેવાતા ગૌરક્ષકોના કારસ્તાનના દમનના વિરોધમાં ઉમરાળા પંથકના દલિતો પણ સામેલ થયા છે. આજે સતત બીજા દિવસે ઉમરાળામાં દલિત સમાજના લોકો રોષભેર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ.

ઉમરાળા તાલુકાના દલિત સમાજ દ્વારા છેલ્લા બે દિવસથી ઉમરાળા ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મંગળવારે દલિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સૂત્રોચ્ચાર સાથે મુખ્ય બજારમાંથી રેલી કાઢી હતી. જે રેલી મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ સભામાં પરિર્વિતત થઈ હતી અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જ્યારે આજે બુધવારે ગુજરાત બંધના એલાનના પગલે સતત બીજા દિવસે પણ ઉમરાળા ખાતે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે લોકો ટોળારૃપે બસ સ્ટેન્ડ બાજુના હાઈવે પર પહોંચ્યું હતુ અને પોલીસ સ્ટેશન નજીક ચક્કાજામની કોશિષ કરી હતી.

પરંતુ મામલો ગરમાવાથી ઉમરાળા પોલીસનો કાફલો તુરંત દોડી આવ્યો હતો અને દલિત સમાજના આગેવાનો વચ્ચે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. જો કે, દલિત સમાજના લોકોએ બપોરે ઉમરાળાની બજારો બંધ કરાવી દીધી હતી. જે દુકાનો સાંજ બાદ ફરી ખુલી ગઈ હતી. ચક્કાજામની કોશિષ સિવાય તાલુકાભરમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હોવાનું જાણવા મળ્યું છે.