Rising caste and religiosity in UP elections is worrying for future of India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ઉ.પ્રદેશની ચૂંટણીમાં વધતો જ્ઞાતિ ને ધર્મવાદ દેશના ભાવિ માટે ચિંતાજનક

ઉ.પ્રદેશની ચૂંટણીમાં વધતો જ્ઞાતિ ને ધર્મવાદ દેશના ભાવિ માટે ચિંતાજનક

 | 2:00 am IST
  • Share

ઉ.પ્રદેશમાં જે જીતે તે પણ હારતો અંતે પ્રજાની જ થવાની છે. ભૂતકાળમાં ઉ.પ્રદેશને ઉત્તમપ્રદેશ બનાવવાની વાતો રાજકીય પક્ષોએ કરી છે પણ તે બન્યો કે નહીં તે હવે ઉ.પ્રદેશની પ્રજાએ નક્કી કરવાનું છે.

દિલ્હી જવાનો દરવાજો ખોલતા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. ચૂંટણી જીતવા મત માટે આપણા રાજકીયપક્ષો  કાચંડાની જેમ નિત્ય નવા રંગ બદલે છે તેની ઉ.પ્રદેશ અને દેશની પ્રજાને પ્રતીતિ થઈ રહી છે. ચૂંટણી જીતવા પ્રજાનું ધર્મ અને જ્ઞાાતિઓમાં વિવિધ હાથકંડાથી વિભાજન કરવાના બધા રાજકીયપક્ષોએ અખતરા શરૃ કર્યા છે. જે દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે. રાજકીય પક્ષો ધર્મને જ્ઞાાતિના ધોરણે વિભાજિત કરીને બીજે ધ્યાન ખેંચવામાં ને પોતાની નિષ્ફળતા છુપાવવામાં સફળ થાય છે.

અંગ્રેજોએ આઝાદી પહેલાં પ્રજાનું વિભાજન કરીને ભારત પર દોઢસો  વર્ષ નિરાંતે રાજ કર્યું. અંગ્રેજોની સફળતાથી પ્રેરાઈને આઝાદી પછી પણ આપણા રાજકીયપક્ષોને નેતાઓ પ્રજાવિભાજનના અંગ્રેજોના પ્રયોગને સીફતપૂર્વક ને ઔઇરાદાપૂર્વક રાજકીય સ્વાર્થ માટે આગળ ધપાવી રહ્યા છે. જે દેશનું દુર્ભાગ્ય છે. લોકો પણ પાકી સમજના અભાવે આવી રાજકીય ચાલમાં સરળતાથી ફસાઈને છેતરાય છે. રાજકીયપક્ષોની મત મેળવવાની  હોડ ને કાતિલ સ્પર્ધા  અંતે દેશને જ નુકસાનકર્તા છે.

ઉ.પ્રદેશમાં હવે બધા રાજકીય પક્ષોને અયોધ્યા, બ્રાહ્મણો, જાટ, ખેડૂતો. યાદવો બધા યાદ આવવા લાગ્યા છે. તિલક, તરાજુ ને તલવારને લાત મારવાની, જૂતાં મારવાની ભૂતકાળમાં વાતો કરી ચૂંટણી જીતનાર બહુજન સમાજ પક્ષ હવે પણ ચૂંટણીનું સનાતન સત્ય  સમજાયું છે કે ચૂંટણીમાં બધી જ જ્ઞાાતિઓને  ધર્મોની પ્રજાની જરૃર પડે. તેણે બ્રાહ્મણ, પ્રબુદ્ધ વર્ગમાં સંમેલનો યોજવાનું શરૃ કર્યું. હાથમાં ત્રિશૂળ ને શંખ લઈને બ્રાહ્મણોની મતબેન્કને રીઝવવા ભરપૂર પ્રયાસો શરૃ કર્યો છે. જેનો જન્મ જ દલિત વોટબેન્ક થકી થયો હતો. ભૂતકાળમાં ક્રમશ સમયાંતરે તેણે કોંગ્રેસ, ભાજપ ને સમાજવાદી પાર્ટી સાથે પણ સત્તા માટે ગઠબંધનો કર્યા હતા.

બીજી બાજુ  ઓવૈસી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરીને  મુસ્લિમ મતબેંક અંકે કરવા ઉ.પ્રદેશમાં પોતાનો પગપેસારો કરવા ભરપૂર કોશિશ ને પ્રયાસો કરી રહ્યા છે. બધા જ પક્ષોને અયોધ્યાની યાદ આવી છે. સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ ને આપ ત્રણેય પક્ષો એ ભાજપની હિંદુ વોટબેંકને ખાળવા અયોધ્યાની મુલાકાતો લઈને રામલલાના આશીર્વાદ લઈને ત્યાં રેલીઓ કાઢવાનું શરૃ કર્યું છે. ઉ. પ્રદેશની પ્રજાએ સમયાંતરે રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી, બહુજન સમાજવાદીની સ્વતંત્રને સંયુક્ત સરકારોને શાસનો જોયાં છે. તેને બધા પક્ષોના શાસનનો અનુભવ છે.

અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ ઝડપથી આગળ ધપી રહ્યું છે. ૨૦૨૩માં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં પૂર્ણ કરવાનું  નિર્ધારિત લક્ષ છે. ઉ.પ્રદેશની સરકારે સૌ પ્રથમ લવ જેહાદનો કાયદો કર્યો  જેનું ભાજપ શાસિત બીજા રાજ્યોએ પણ અનુકરણ કરીને તેવો કાયદો બનાવ્યો પણ ભાજપ હિંદુ-જ્ઞાાતિઓના ધર્મ થકી એકત્રીકરણ કરીને હિંદુ મતબેંકને વધુ મજબૂત કરવા આયોજનપૂર્વકના ભરપૂર પ્રયાસો  કરી રહ્યો છે. કેમ કે તેને તેમાં જ ફાયદો છે. બાકીના પક્ષો ભાજપની હિંદુ મતબેંકમાં ગાબડાં પાડીને મુસ્લિમ મતો મેળવવા તૃષ્ટિકરણની નીતિ અપનાવી રહ્યા છે.

દિલ્હીમાં ખેડૂત આંદોલન ચલાવતા ખેડૂતો મુસ્લિમ વિસ્તારોમાં  હિંદુ-મુસ્લિમ કિસાનોની મહાપંચાયતો ઉ.પ્રદેશમાં યોજી રહ્યા છે. દિલ્હીમાં બેવારની સફળતા બાદ આપ બીજા રાજ્યોમાં પગપેસારો કરવા કટિબદ્ધ બન્યો છે. ને દિલ્હી તેની પાણી, આરોગ્ય ને શિક્ષણની સફળતાની સિદ્ધિઓ દેશના વિવિધ રાજ્યોમાં  લોકો સમક્ષ મૂકીને પ્રજાના પાયાના પ્રશ્નો  તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. વળી, અયોધ્યા રામલ્લાના આશીર્વાદ લઈને ત્રિરંગા રેલી પણ યોજી છે. આમ તમામ પક્ષો રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરીને પોતાની મતબેંક વિસ્તારવા રાત દિન લાગી ગયા છે. ભાજપના રામમંદિર સામે સમાજવાદી પક્ષ કૃષ્ણ ને વિશ્વકર્મા મંદિર બનાવવાની વાતો કરે છે.

તિલક એટલે કે બ્રાહ્મણો, તરાજુ એટલે કે વૈશ્ય ને તલવાર એટલે કે ક્ષત્રિયોને જૂતાં મારો ચાર યા મારો લાતના નારા થકી ભૂતકાળમાં દલિત વોટબેંકથી ચૂંટણીમાં સફળતા મેળવનાર બહુજનન સમાજ પક્ષ હવે હાથી નહીં ગણેશ હૈ, બ્રહ્મા, વિષ્ણુ મહેશ હૈ. જેવા સૂત્રો બોલીને જયશ્રીરામ, જય પરશુરામના નારા બોલાવીને શંખ, ત્રિશૂળ હાથમાં ધારણ કરીને મંત્રોચ્ચાર કરી રહ્યો છે. પં.બંગાળમાં હિંદુ મત માટે તુણમૂલ કોંગ્રેસે દુર્ગાપૂજા, કાલિ મંદિરો ને મહાદેવોમાં જવાની ધર્મ નીતિ અપનાવી હતી તેવી જ ધર્મનીતિ બહુજનસમાજ પક્ષ હવે ઉ.પ્રદેશમાં અપનાવી રહ્યો છે. મહારાષ્ટ્ર ને બિહારમાં  થોડી સફળતા મેળવવામાં ઓવૈસી ને પ.બંગાળમાં મુસ્લિમ મત મેળવવામાં સફળતા નથી મળી, પણ ઉ.પ્રદેશમાં ૧૯ ટકા મુસ્લિમ મત છે તેમાં ભાગ પડાવવા તેણે કમર કસી છે. તેમને પણ અયોધ્યાની મુલાકાતથી પોતાનું કામ શરૃ કર્યું છે.

૨૦૨૨ની ઉ.પ્રદેશની ચૂંટણી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનો એક લિટમસટેસ્ટ સમી છે. કેમ કે લોકસભાની સૌથી વધુ બેઠકો ઉ.પ્રદેશની છે. એ દૃષ્ટિએ ભાજપ સહિત તમામ પક્ષો માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે ને તે જીતવા તમામ પક્ષોને  મરણિયા પ્રયાસો શરૃ કર્યા છે. ભાજપ માટે જે મેળવ્યું છે તેમાં ઘટાડો ન થાય ને સત્તા જળવાઈ રહે તે મહત્ત્વનું છે, તો બીજા પક્ષો માટે સ્થિતિ વત્તે અંશે છોડી સુધારવાનો કે મજબૂત કરવાનો છે. ઉ.પ્રદેશના રાજકીય પક્ષો એક બીજાને ભાજપની બી ટીમ ગણાવી રહ્યા છે.

ઉ.પ્રદેશમાં જે જીતે તે પણ હારતો અંતે પ્રજાની જ થવાની છે. ભૂતકાળમાં ઉ.પ્રદેશને ઉત્તમપ્રદેશ બનાવવાની વાતો રાજકીય પક્ષોએ કરી છે પણ તે બન્યો કે નહીં તે હવે ઉ.પ્રદેશની પ્રજાએ નક્કી કરવાનું છે. આજે તો ઉ.પ્રદેશમાં હિંદુઓનો ભય બનાવીને હિંદુઓના મત મેળવવાનું રાજકારણ ચરમસીમાએ છે. તો બ્રાહ્મણો, યાદવો ને દલિતોને લડાવીને રાજકીય સ્વાર્થ સાધવાનું કામ ચાલી રહ્યું છે. તુષ્ટીકરણને ધ્રુવીકરણ બંને દેશના હિતમાં નથી.

આ બધા પ્રયોગો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સુધી નિરંતર ચાલશે. આઝાદીની લડત, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પટેલ, બ્રાહ્મણ, દલિત, ઓબીસી, જાટ, આદિવાસી, યાદવ, ગરીબ, તવંગર સૌએ સાથે મળીને લડી હતી. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં ૧૫૦થી વધુ મુસ્લિમો હતા, તો જલિયાંવાલા બાગમાં હજારો હિંદુ-શીખ, શહીદ થયા હતા. પ્રજાએ ધર્મ-જ્ઞાાતિના ધોરણે વિભાજિત કરવાનું બંધારણની  ભાવનાની વિરુદ્ધ છે. રાજકીય પક્ષો રાજકીય સ્વાર્થ નહીં સમજે પણ પ્રજાએ આત્મખોજ કરવાની જરૃર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો