ઊના દમન : રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઊના દમન : રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત

ઊના દમન : રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત

 | 4:04 am IST

અમરેલી, તા.૧૯ 

અમરેલીમાં ઊનાની ઘટના સંદર્ભે દલીતોની રેલીમાં ટોળાંએ તોડફોડ કરતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના બે શેલ છોડયા હતા. ટોળાના પથ્થરમારા અને પોલીસ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ.નું મોત થયું છે, જયારે અમરેલીના એસ.પી. સહિત ૭ પોલીસ કર્મચારી અને ૨૫ જેટલા લોકોને ઇજા થઇ છે. 

બપોરે ૧ વાગ્યાના અરસામાં અમરેલીના ચિત્તલ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી પાસે સમગ્ર જિલ્લામાંથી આવેલા દલીત સમાજના કાર્યકરો એકત્રિત થયા હતા અને સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. રેલી દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ ચિત્તલ રોડ, નાના બસ સ્ટેશન, મોટા બસ સ્ટેશન, જિલ્લા પંચાયત રોડ, મેઇન રોડ, ટાવર રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં બજારોમાં ઉતરીને બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી. પથ્થરમારો કર્યો હતો અને જે હાથમાં આવે તે વસ્તુઓ, દુકાનોના દરવાજા, હોર્ડિંગ્સ વગેરેની તોડફોડ કરી હતી. ચિત્તલ રોડ પર ટોળાને અટકાવવા માટે પોલીસે લાઠી ચાર્જ કરતા ટોળાએ પોલીસ પર હુમલો અને પથ્થરમારો કર્યો હતો. જેમાં અમરેલી એલસીબીના કર્મચારી પંકજભાઇ અમરેલીયા (હેડ કોન્સ્ટેબલ)ને ગંભીર ઇજાઓ થતાં તેમને પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા, જયા તેમનું મોત થયું હતું. પોલીસ અને ટોળા વચ્ચે અથડામણમાં અમરેલીના એસ.પી. જગદીશ પટેલ, અમરેલી તાલુકા પી.એસ.આઇ. ગોજીયા સહિત ૭ પોલીસ કર્મચારીઓ અને ટોળા પૈકીના ૨૫ જેટલા માણસોને ઇજા થઇ હતી.

બસ સ્ટેન્ડમાં ટોળાં ઘૂસ્યા

અમરેલી એસ.ટી. ડેપોમાં પણ ટોળાં ઘુસ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેના પગલે એસ.ટી. દ્વારા સમગ્ર જિલ્લાના એસ.ટી. વ્યવહાર અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

અમરેલીમાં ૮ બસોમાં તોડફોડ 

 અમરેલીમાં છ બસોના કાચ ફોડાયા હતા. જયારે સાવરકુંડલામાં ૧ અને ૧ ગોંડલ ખાતે અમરેલીની બસના કાચ ફોડાયા હતા.

જૈનાબાદના દલિત પરિવારે જાનનું જોખમ હોવાના ભયથી હિજરત કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આવેલા જૈનાબાદ ગામના દલિત પરિવારોએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જાનનું જોખમ હોવાથી હિજરત કરવા તથા કેસની ન્યાયિક અને તટસ્થ તપાસ થાય અને ગુનેગારને સજા થાય તેવી દાદ માગી છે. એટલું જ નહી બન્ને દિકરાની હત્યા કરનારને સજા માટે કોર્ટની બહાર ધરણા કરવા પણ મંજુરી માગી છે. ચીફ જસ્ટિસને સંબોધીને લખેલા પત્રને આધારે આગામી દિવસોમાં સુઓમોટો થવાની શકયતા છે. પ્રેમ સંબંધથી શરૂ થયેલી અદાવતમાં બે યુવાનોની હત્યા કરી નાખવાને પગલે હત્યારાઓ ફરિયાદીઓના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. પત્રમાં વિગતવાર એવી કેફિયત રજૂ કરી છે કે, ૭મી મે ના રોજ રાત્રે દોઢ વાગે દલિતવાસમાં જ રહેતા પરમાર મુળજી ગાંડા, જામા ગાંડા, પુજા ગાંડા તથા તેમના પરીવારજનોએ ભેગા મળીને એક જ પરીવારના બે જુવાન દિકરા અનિલ મકવાણા અને મહેશ મકવાણાના બન્ને દિકરાની હત્યા કરી નાખી હતી.એટલું જ નહી આ જ પરીવારના અશોકભાઇ રેવાભાઇ મકવાણાને ખોટો આરોપી બનાવીને જેલભેગો કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરતા આજદિન સુધી પોલીસે આરોપી પરિવારની તપાસ કરી નથી. ફરિયાદ બાદ આરોપી પરિવાર તરફથી આખા કુંટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેનાથી ભયભીત બનીને મકવાણા પરિવારે ગામમાંથી હિજરત કરી જવા અને પરમાર કુટુંબ સામે કાયદેસર પગલા લેવા દાદ માગી છે. દલિતવાસમાં પરમાર જ્ઞાતિના ૧૩૦ મકાનો છે તે બધા ભેગા થઇને રોજેરોજ અમારા ઘરના સભ્યોને વારવાર ધમકી આપે છે. મૃત્યુ પામેલા બન્ને દિકરાના આરોપીઓને સજા થાય તેવા પણ પત્રમાં વાંરવાર દાદ માગવામાં આવી છે. પત્રની સાથે મરણોત્તરના નિવેદનની નકલ પણ જોડવામાં આવી છે. 

ભાવનગરમાં અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન

ભાવનગર મૃત પશુ નિકાલ મંડલ દ્વારા આવતીકાલ તા.ર૦મીને બુધવારના રોજ ભાવનગર બંધનું એલાન આપ્યુ હતુ. આ બાબતે મંડલ દ્વારા આજે મંગળવારના રોજ બીએમસીના કમિશ્નરને રજુઆત કરી હતી અને દલિત સમાજના લોકો કલેક્ટરને રજુઆત કરવા જતા હતા પરંતુ પોલીસ રોકી લીધા હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર મૃત પશુ નિકાલ મંડલ દ્વારા ઊનાના સમઢિયાળા ખાતે બનેલ દલિત અત્યાચારના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરાયો છે. દલિતો પર બર્બરતા પૂર્વક ત્રાસ ગુજારવામા આવતા ભોગ બનનારને જ્યાં સુધી સંપુર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી મૃત પશુના ચામડા કાઢવાનો વ્યવસાય કરતા લોકો દ્વારા ભાવનગરમાં અચોક્કસ મુદની હડતાલનું એલાન કરાયુ છે.

ગારિયાધાર સજ્જડ બંધ  આવેદનપત્ર અપાયા

ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના દલિત સમાજે આજે મંગળવારે ઊના ગામમાં બનેલા દલિત અત્યાચારના વિરોધમાં સમગ્ર શહેરને સજ્જડ બંધ રાખી ગારિયાધાર મામલતદારને આવેદન પાઠવીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગારિયાધાર આંબેડકર સમિતિ દ્વારા ગત મોડીરાત્રિના મિટીંગ યોજીને સમગ્ર શહેરને સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતની સાથે ગારિયાધાર શહેરમાં પણ સવારે ૯ કલાકે દલિત યુવકો દ્વારા રેલી યોજી શહેરના વાલિમ ચોક, ગાંધી ચોક, વાવ દરવાજા, આશ્રમ રોડ, નવાગામ રોડ અને પાલિતાણા રોડ સહિતના વિસ્તારોમાં રેલી યોજી આવેદન પત્ર અપાયું હતું.

અત્યાચાર ગુજારનાર વધુ સાતની ધરપકડ

તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિત યુવાનો ઉપર હુમલો કરનાર, અત્યાચાર કરનાર વધુ સાત આરોપીની ઊના પોલીસે ધરપકડ કરતા ધરપકડનો કુલ આંક ૧૬ થયો છે. પોલીસે વધુ સાત આરોપી સામતેરના જયદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ(ઉ.ર૦), ખાટુ ઉર્ફે ગોપાલ હમીરભાઈ ગોહિલ (ઉ.ર૦), સુમીત મેરૂભાઈ ગોહિલ(ઉ.ર૦), પ્રતાપસિંહ ઉર્ફે ગટી પથુભાઈ ગોહિલ(ઉ.ર૦), વિક્રમસિંહ ઉર્ફે વીકી માલાભાઈ ગોહિલ(ઉ.૧૯), નાંદરખના અજીતસિંહ કરણસિંહ ગોહિલ(ઉ.ર૪), ઊનાના દીપક ઉર્ફે રાધે વિઠલભાઈ શીયાળ(ઉ.ર૭)ને પકડી પાડી ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.  આજે એકંદર ઊનામાં સંપૂર્ણ શાંતિ રહી હતી.

ઊનાની ઘટના ગુજરાત માટે શરમજનક : અહેમદ પટેલ  

ઊના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ એહમદ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત માટે કલંક છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં આવી અમાનવીય ઘટનાઓ ભારે શરમજનક છે. ગુજરાતની જનતાને હું શાંતિ અને સુસંવાદિતા જાળવવાની અપીલ કરું છું. હિંસાથી ક્યારેય કોઈપણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગુજરાત સરકારની કામગીરીને ધ્યાનમાં લેતાં દલિત સમાજના લોકોના ગૌરવને જાળવી રાખવા માટે સ્થાનિક સત્તાતંત્ર વ્યાજબી અને વસ્તુલક્ષી તપાસ કરે એવી અમને આશા નથી.

ઊનાની ઘટનાને રાજકીય ન બનાવો : મંત્રી રમણલાલ વોરા

ઊનાની ઘટના બાદ રમણલાલ વોરાએ ત્રણ સંસદસભ્યો અને ગીરીશ પરમાર સાથેની એક સમિતિ તપાસ માટે મોકલી હતી. ૮ સંસ્થાઓએ ગ્રાઉન્ડ અહેવાલ મેળવીને મંગળવારે જાહેર કરતાં સરકાર બચાવ પક્ષે આવી ગઈ હતી અને અહેવાલની કેટલીક વિગતો જાહેર કરી હતી. ગીરીશ પરમારે જણાવ્યું હતુ કે, વીડિયો ગામના સરપંચે ઉતાર્યો હતો. મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, ઊનાના અનેક લોકો ઘટના વેળા હાજર હતા. પરંતું કોઈએ તેને અટકાવવાની કોશિશ કરી ન હતી. વડીલોએ યુવાનોને અટકાવ્યા હોત તો આ હાલત થઈ ન હોત. તેમણે જણાવ્યું હતુ કે, ઘટના બને પછી મારો રોલ શરૃં થાય છે. તે પહેલાં પોલીસનો રોલ હોય છે. પણ એક ટીમ તરીકે હું તેમાંથી છટકી શકું નહીં. તેમણે જણાવ્યું હતુ કે, બંધ અને બીજી ઘટનાઓમાં લોકો સંયમ અને શાંતિ જાળવે. સરકાર તમામ પગલાં લઈ રહી છે. ત્યારે દલિત યુવાનોએ આત્મહત્યા જેવા અંતીમ પગલાં તરફ ન વળવા અપીલ કરી હતી.

ભાજપના રાજમાં દલિતો પર અત્યાચાર વધ્યા : શંકરસિંહ

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ઊનામાં દલિત યુવાનોને બેરહેમીપૂર્વક ઢોર માર મારવાનો બનેલો બનાવ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમજનક હોવાનું જણાવી ગુનામાં સંડોવાયેલાઓ સામે સખતમાં સખત પગલાં લેવાની માગણી કરી છે, સાથોસાથ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારના તેમની હિજરતના બનાવો છેલ્લા ૧૫ વર્ષથી માઝા મૂકી રહ્યાં છે, પણ સરકાર મૌન જાળવી તમાશો જુએ છે. રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં કાયદો-વ્યવસ્થા કડડભૂસ થઈ તૂટી પડી છે. ખૂનીઓ, લૂંટારાઓ, અપહરણકર્તાઓ, બળાત્કારીઓ, ચીટફંડવાળા ચીટરો ભાજપના ભ્રષ્ટ શાસનમાં ખુલ્લેઆમ માઝા મૂકી રહ્યાં છે.

કિરીટ સોલંકીના ઘરનો દલિતોએ ઘેરાવ કર્યો

ઊના અત્યાચારના પગલે અમદાવાદ પિૃમના ભાજપના સાંસદ કિરીટ સોલંકીના રાણિપ સ્થિત નિવાસસ્થાને દલિત સમાજના યુવાનોએ વિરોધ નોંધાવીને ઘેરાવો કર્યો હતો. સાંસદ વિરૂધ્ધ સુત્રોચ્ચાર દ્વારા આક્રોષ ઠાલવતા યુવકોને કારણે સ્થિતિ વણસે તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરીને શાહીબાગ હેડક્વોટના સ્ટેડિયમની અગાશી ઉપર લઈ ગઈ હતી. જ્યાં દોઢ-બે કલાસ સુધી બેસાડી રાખીને ૮૦ જેટલા યુવકોના નામ, સરનામા અને વ્યવસાયની વિગતો એકત્ર કરીને પોલીસે છોડી મૂક્યા હતા.  

અશાંતિ ફેલાવવા કોંગ્રેસનો ઈરાદો ખતરનાક : ભાજપ

ગુજરાત સરકારે કડકમાં કડક એક્શ લીધા છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવવા કોંગ્રેસનો ઈરાદો ખતરનાક છે. તેમ પ્રદેશ ભાજપના પ્રવક્તાએ જણાવ્યુ છે. ૧૧મી જૂલાઈના રોજ દલિતો ઉપર દમનની આ ઘટના સંદર્ભે પ્રવક્તાએ ઉમેર્યુ હતુ કે, અમારી સરકારે આ બનાવને ગંભીરતાથી લઈને તરત જ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં ૧૬ આરોપીઓની ધરપકડ કરી છે. ૪ પોલીસને સસ્પેન્ડ કર્યા છે અને ભોગ બનેલા ચારેય યુવાનોને એક-એક લાખ એમ કુલ ચાર લાખની સહાય પણ આપી છે. કોંગ્રેસ જુઠ્ઠું બોલીને પોતાનો રાજકિય રોટલો શેકવાનો હિન પ્રયાસ કરે છે. ૨૦ વર્ષથી સત્તા વગર તડફડતી કોંગ્રેસને ગુજરાતની શાંતિ આંખના કણાની જેમ ખુંચે છે. આથી, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભૂ કરાવે છે.

સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ વણસતા ૪૦૦ એસ.ટી. બસો થોભાવી દીધી

ઊનામાં દલિતો પર થયેલ અત્યાચારના પડઘા સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે. ગઇકાલે ધોરાજીમાં બે એસ.ટી બસો અને જામનગરમાં એક મિની એસ.ટી બસ સળગાવી દેવાઇ હતી. જોકે સ્થિતિ વધુ વણસતા આજે મોટા ટોળાએ અમરેલીમાં કુલ આઠ એસ.ટી બસોમાં તોડફડ કરી હતી. જેના પગલે રાજ્ય એસ.ટી નિગમ દ્વારા બપોરના બે વાગ્યાથી અમરેલી, જુનાગઢ તરફ જવા વાળી ૪૦૦ એસ.ટી બસો બંધ કરવામાં આવી છે. લોકોના ભારે રોષના કારણે જુનાગઢ, અમરેલી, કોડિનાર, બગસરા, પોરબંદર, વેરાવળ, કેશોદ, ઉપલેટા, જેતપુર, તથા ધોરાજીના તમાંમ બસ સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યાં છે.

વડી અદાલતના ન્યાયાધીશ દ્વારા તપાસ થવી જોઈએ : કોંગ્રેસ

ઊનાની ઘટનાના પગલે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં રાજકીય સ્થિતિ વણસી છે. અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. દલિત અને ઓબીસી બાદ પટેલ સમાજના લોકો ઉપર પણ અત્યાચારો થયા છે. રાજ્યપાલને આવેદનપત્ર આપીને કહ્યું છે કે, વડી અદાલતના ન્યાયાધીશ દ્વારા તપાસ થવી જોઈએ, અત્યાચારોના કેસ ચલાવવા ખાસ અદાલતની રચના કરવી જોઈએ. રાજ્યપાલને આ બનાવમાં હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી હતી. વળી, મુખ્યમંત્રાની અધ્યક્ષતામાં હાઈ પાવર સમિતિની બેઠક મળતી નથી.

ઊના અત્યાચાર : સીઆઇડી ક્રાઇમના આઇજી-એસપી સુપરવિઝન કરશે

ઊનામાં ચાર દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર પ્રકરણમાં  સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમના આઇજી શશિકાંત ત્રિવેદી અને એસપી સુજાતા મજમુદાર આખી ઘટનાનુ સુપરવિઝન કરશે જયારે .ડીવાયએસપી કે.જી.સરડવાને તપાસ સોપવામા આવી છે. રાજયના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઇન્ચાર્જ પોલીસ વડા પી.પી.પાંન્ડેય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બનાવની સમીક્ષા કરી હતી અને તાત્કાલિક અસરથી સમગ્ર બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામા આવી છે. સીઆઇડી ક્રાઇમના આઇજી શશિકાંત ત્રિવેદી, એસપી સુજાતા મજમુદાર આખી તપાસનુ સુપરવિઝન કરશે અને સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી કે.જી.સરડવા તપાસ કરશે.

હાઈકોર્ટના સિટિંગ જજનું પંચ નીમી તપાસ કરવા માંગ : દલિત કર્મશીલો

ઊનાના સમઢિયાળામાં દલિતો ઉપર અત્યાચારની તપાસ માટે ગુજરાત સરકારે અધિકૃતપણે એકપણ તપાસ સમિતિ મોકલી નહોતી. આથી, માનવ અને દલિત અધિકાર ક્ષેત્રે કાર્યરત ડૉ.નીતિન ગુર્જર, સુબોધ પરમાર સહિત ૮ કર્મશીલોએ સ્થળ ઉપર જઈને ઘટના, ત્યાંની સામાજિક વ્યવસ્થાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જાહેર કર્યો હતો. મંગળવારે અમદાવાદ સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિહેવિયરલ સાયન્સ સેન્ટરમાં ઊના અત્યાચારનો દર્દનાક અહેવાલ જાહેર કરતા કિરીટ રાઠોડે આ ઘટનાની ઊંડાણપુર્વકની તપાસ માટે હાઈકોર્ટના સિટીંગ જજના વડપણ હેઠળ પંચ નીમવા માંગણી કરી છે. સમઢિયાળામાં ભારોભાર અભડછેડ છે.

દલિત પેન્થરની રેલીને નિષ્ફળ બનાવવા પોલીસે પ્રયાસ કર્યો, ૩૦૦ની અટકાયત

ઊનામાં દલિત યુવાનોને ઢોર માર મારવાના કમકમાટીભર્યા બનેલા બનાવને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે અમદાવાદમાં ઊનાના બનાવને વખોડવા તથા કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડેલા ગૃહરાજ્ય મંત્રીનું રાજીનામું માગવા ગુજરાત એસસી એસટી ઓબીસી એકતા મંચ તરફથી યોજાયેલા કલેક્ટર કચેરી સમક્ષ ઉપવાસ કાર્યક્રમને તથા દલિત સંગઠન-દલિત પેન્થરની પદયાત્રા રેલીને નિષ્ફળ બનાવવા પોલીસે પ્રયાસ કર્યો હતો, જેના વિરોધમાં સાંજે કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ સર્કલ ખાતે તથા સારંગપુર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાવાળા સર્કલ ખાતે દલિતોએ મોટી સંખ્યામાં ઊમટી પડી ચક્કાજામ કરી ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખી હતી. મંગળવારે સવારે આગોતરી જાહેરાત પ્રમાણે એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર તેમના કાર્યકરો સાથે સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે ઉપવાસ કાર્યક્રમ કરવા આવ્યા હતા, પરંતુ કાર્યક્રમની પોલીસ પરવાનગી લેવામાં ના આવી હોઈ તેમના કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી હતી. અલબત્ત, આ ડ્રામા પૂૂર્વે એમને કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર સોંપવા દેવામાં આવ્યું હતું. આવી જ રીતે દલિત પેન્થર તરફથી સારંગપુર સર્કલથી શાહીબાગ પોલીસ સ્ટેશન થઈ અલ્પેશ ઠાકોરના ઉપવાસના સ્થળ સુધી પદયાત્રા-રેલીનો કાર્યક્રમ જાહેર થયો હતો તે મુજબ દલિત પેન્થરના પ્રમુખ રમેશચંદ્ર પરમાર તેમના ૩૦૦ કાર્યકરો સાથે સારંગપુર આવ્યા ત્યારે પોલીસે એમની અટકાયત કરી હતી.

અમદાવાદમાં પ્રદર્શનકારીઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ

ઊનામાં ગોરક્ષકને નામે ચાર દલિત યુવકોને બાંધીને જાહેરમાં માર મારવાની ઘટનાના ઘરે પ્રત્યાઘાતો પડયા છે. જેમાં અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે વિરોધ પ્રદર્શન કરી લોકોના ટોળાએ ચક્કાજામ કર્યા હતા. જેમાં ચાંદખેડામાંથી ૬૧, રાણીપમાંથી ૭૧થી વધુ અને સારંગપુર – કાલુપુર થઇને ૧૬૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામની અટકાયત કરી હેડક્વાટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંસદસભ્ય કિરીટ સોલંકીના ઘરનો ઘેરાવો પણ કરતા પોલીસ પહોચતા લોકો ભાગ્યા હતા અને ત્યાથી પણ પોલીસે ૧૩ થી વધુ લોકોની અટકાયત કરી હતી. બાદ સાંજે ફરી કલેકટર કચેરી આસપાસના ટોળાએ બસને રોકી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે ટ્રાફિકને હળવો કરવા લાઠી ચાર્જ કર્યો હતો. બીજી તરફ ચાંદખેડામાં ટોળાએ ચક્કાજામ કર્યો હતો ત્યાથી પણ પોલીસે ૬૧ જેટલા લોકોની અટકાયત કરી હતી. સવારે સારંગપુર-કાલુપુર ખાતે પણ રેલી યોજાઇ હતી જેની પરવાનગી ન હોવા છતાં પોલીસે લોકોને રોક્યા હતા અને ત્યા પણ ૧૫૦થી વધુ લોકોની અટકાયત કરી હતી.પોલીસે અલ્પેશ ઠાકોર, દલિત આગેવાન મંગલ સુરજકર સહિતના લોકોની અટકાયત કરી હતી.

કલેકટર કચેરીએ યુવકે ઝેરી પીણું ગટગટાવ્યું

અમદાવાદ કલેકટર કચેરી ખાતે સાંજે ૪ વાગ્યાની આસપાસ મુકેશ ખોડીદાસ શા નામના કલોલના યુવકે ઝેરી પીણું પી લીધું હતું. પોલીસના જવાનોએ મુકેશને સારવાર માટે અમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડયો હતો તેની સ્થિતી સારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન