એસએસજીમાં એક સગર્ભાને સ્વાઇન ફ્લૂ, બીજીને શંકાસ્પદ - Sandesh
  • Home
  • Baroda
  • એસએસજીમાં એક સગર્ભાને સ્વાઇન ફ્લૂ, બીજીને શંકાસ્પદ

એસએસજીમાં એક સગર્ભાને સ્વાઇન ફ્લૂ, બીજીને શંકાસ્પદ

 | 3:47 am IST

 

ડેન્ગ્યૂ-ચિકનગુનિયા સહિતની બીમારીઓ બાદ ખતરનાક સ્વાઈન ફ્લૂનો શહેરમાં પગપેસારો

શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનાં લક્ષણો ધરાવતી સાવલીની ૨૨ વર્ષની પરિણીતાને સાત મહિનાનો ગર્ભ

ા વડોદરા ા

શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ બાદ સ્વાઇલ ફલૂના કેસ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં ગર્ભવતી યુવતીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે, જ્યારે અન્ય ૨૨ વર્ષની ગર્ભવતી યુવતીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં ફેલાઈ રહેલા રોગચાળા પર કાબૂ મેળવવામાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે. કમળો, ચિકનગુુનિયા, ડેગ્ન્યૂ અને તાવ જેવી બીમારીઓ ઘર-ઘર જોવા મળી રહી છે. મચ્છરોની ફેલાતી બીમારીઓના કેસ વિવિધ વિસ્તારમાં થઈ રહ્યા છે. હવે સ્વાઇન ફ્લૂની પણ શરૃઆત થતાં શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં એમએનસી વોર્ડમાં બે ગર્ભવતી યુવતીઓને દાખલ કરવામાં આવી છે. છેલ્લા ચારેક દિવસથી આઇસોલેશન વોર્ડમાં દાખલ એક ગર્ભવતી યુવતીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. જ્યારે સાવલી તાલુકાની ૨૨ વર્ષની પરિણીતાને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે. યુવતીને સાત મહિનાનો ગર્ભ છે અને તેનાં બ્લડ સેમ્પલ લેવાયાં છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ ગર્ભવતી યુવતીને સ્વાઇન ફ્લૂ છે કે નહીં તેનું ચોક્કસ નિદાન થઈ શકશે, તેવું સયાજી હોસ્પિટલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ એમએનસી વોર્ડમાં દાખલ બંને ગર્ભવતી યુવતીઓની સારવાર ચાલુ છે અને ડોક્ટર્સની ટીમ દ્વારા બંનેની તબિયત પર નજર રખાઈ રહી છે.   ૧૧ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૪ પોઝિટિવ કેસ નોંધાયાં

સપ્ટેમ્બરની શરૃઆત સાથે સ્વાઈન ફ્લૂનો વાવર શહેરમાં શરૃ થઈ ગયો છે. પહેલો કેસ તરસાલીની ૨૪ વર્ષની યુવતીનો હતો. એ પછી કારેેલીબાગની ખાનગી હોસ્પિટલમાં ૬૨ વર્ષની વૃદ્ધા, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે રહેતી ૪૬ વર્ષની મહિલા તેમજ એસએસજીમાં દાખલ એક સગર્ભાને સ્વાઈન ફ્લૂ હતો. તે ચારેય દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી આજે મૂળ સાવલીના અને હાલ સવાદ ખાતે રહેતી ૨૨ વર્ષની ગર્ભવતિ મહિલાને શંકાસ્પદ સ્વાઈન ફ્લૂ હોવાનું સપાટી પર આવ્યું છે. ૧૧ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૪ દર્દી સપાટી પર આવ્યા છે. ગયા વર્ષે ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં ૪૪૫ સેમ્પલ લેવાયા હતાં. તેમાંથી ૨૦૨ દર્દીને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો.

સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના ૨૬ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે, જેમાં બે દર્દીના મોત થયા છે. વડોદરામાં ગર્ભવતિ મહિલાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનુ પ્રકાશમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

 

;