ઓનલાઇન શોપિંગના ચક્કરમાં યુવકને ફસાવી લક્કી ડ્રોના નામે પૈસા પડાવાયા - Sandesh
  • Home
  • Surat
  • ઓનલાઇન શોપિંગના ચક્કરમાં યુવકને ફસાવી લક્કી ડ્રોના નામે પૈસા પડાવાયા

ઓનલાઇન શોપિંગના ચક્કરમાં યુવકને ફસાવી લક્કી ડ્રોના નામે પૈસા પડાવાયા

 | 11:41 pm IST

સુરત, તા. ૨૧  

ઓનલાઇન શોપિંગે યુવાવર્ગમાં ભારે ઘેલું લગાવ્યું છે. યુવાઓનું માન પારખી ઓનલાઇન વ્યવસાય કરતી કંપનીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે. જો કે, આમાં ઘણી એવી કંપનીઓ પણ છે કે જે ગ્રાહકોને આકર્ષક કહો કો લોભામણી લાલચ આપી ગ્રાહકોને રીતસર ફસાવી પૈસા પડાવી રહી છે. આવી જ એક કંપનીનો ભોગ રાંદેર રોડનો યુવક બન્યો હતો. ૩૦ હજારમાં આઇફોન અને લેપટોપની સ્કીમમાં ખરીદી કરનાર યુવકને આ વસ્તુઓની ડિલિવરી તો ન મળી પણ બાઇક અને સાત લાખના ચેકની લાલચમાં સપડાવી ૮૫ હજાર પડાવી લેવાયા હતા.  

  • રાંદેરરોડના યુવકે ૩૦ હજારમાં આઇફોન અને લેપટોપ ખરીદીની સ્કીમમાં પૈસા ભર્યા
  • વસ્તુ નહીં આપનાર કંપનીએ બાઇક અને ૭ લાખની લાલચ બતાવી ૮૫ હજાર પડાવ્યા

રાંદેર પોલીસ મથકનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર નવયુગ કોલેજ સામે આવેલા કોટિયાક નગરમાં અંકીત હર્ષદભાઇ સાકળિયા તેમના પરિવાર સાથે રહે છે. હોસ્પિટલમાં નોકરી કરતા અંકીતભાઇએ એપોલો શોપિંગ હબ નામની કંપની તરફથી મેેેસેજ મળ્યો હતો. આ કંપનીએ ૩૦ હજાર રૃપિયામાં આઇફોન અને લેપટોપ આપવાની જાહેરાત કરી હતી. કોમ્બો ઓફરમાં મોબાઇલ અને લેપટોપ ખૂબ સસ્તામાં પડતાં હોવાથી અંકીતભાઇએ તે ખરીદવા ઓર્ડર બુક કરાવ્યો હતો. કંપની તરફથી જણાવાયું એ પ્રમાણે ૩૦ હજાર પેમેન્ટ કરી દીધું હતું.  

પ્રોસિઝર પૂરી કર્યા બાદ નિયત સમયમાં લેપટોપ અને આઇફોન નહીં મળતાં અંકીતે કંપનીનો સંપર્ક સાધ્યો હતો. એ સમયે કંપનીએ તમે આ કોમ્બો ઓફરમાં સિલેક્શન ન થયું હોવાનું જણાવી બીજી ઓફર આપી હતી. આ ઓફર બાઇક માટેની હતી. જો કે એ માટે કંપનીના નામે વાત કરનારા વ્યક્તિઓએ વધુ પૈસા ભરાવ્યા હતા. બાઇક પણ સારી કિંમતે મળતી હોય અંકીતે વધુ રૃપિયા ભર્યા હતા. જો કે, લેપટોપ અને મોબાઇલની કોમ્બો ઓફરની જેમ જ બાઇક પણ અંકીતને આપવામાં આવ્યું ન હતું. અંકીતે કોલ કરી મેઇલ કરી ફરિયાદો કરતાં આખરે તેમને સાત લાખનો ચેક આપવાની વાત કરાઇ હતી. લક્કી ડ્રોમાં ઇનામની વાતોમાં તેમને ફસાવાયા હતા. કુલ ૮૫ હજાર રૃપિયા એપોલો શોપિંગ હબ કંપનીના ઇન્ડસઇન્ડ બેંકમાં આવેલા એકાઉન્ટમાં ભરી દેવાયા હતા. આટલી મોટી રકમ ભરવા છતાં કંપનીએ કોઇ વસ્તુ કે ચેક નહીં આપતાં આખરે અંકીતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જી. એ. પટેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.