કચ્છના પડતર રહેલા કામો પૂરા કરાવવાની તક ઝડપીને વિધાનસભાના અધ્યક્ષ ઈતિહાસ રચે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • કચ્છના પડતર રહેલા કામો પૂરા કરાવવાની તક ઝડપીને વિધાનસભાના અધ્યક્ષ ઈતિહાસ રચે

કચ્છના પડતર રહેલા કામો પૂરા કરાવવાની તક ઝડપીને વિધાનસભાના અધ્યક્ષ ઈતિહાસ રચે

 | 2:00 am IST
  • Share

અંજાર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત કોંગ્રેસમાંથી ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં હારનારા એવા કચ્છ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા વી.કે. હુંબલે અચાનક જ પત્રકાર પરિષદ કરીને વિધાનસભાના અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને કચ્છના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવીને ઈતિહાસ રચવાની વાત મૂકી છે. અધ્યક્ષ બનનારા સામાન્ય રીતે રાજકીય નિવૃત્તિ તરફ હોય છે ત્યારે ડૉ. નીમાબેને કચ્છના બાકીના કામો પૂરા કરી બતાવવા જોઈએ અને જશ લેવો જોઈએ તેવી આશા દર્શાવી હતી. ખાસ કરીને નર્મદાના વધારાનાં પાણીના કામો માટે રૂપિયા ૪૫૫૦ કરોડ અને દુધઈ પેટા નહેરના કામો માટે રૂપિયા ૧૦૮૪ કરોડને વહીવટી મંજૂરી નથી મળી તે  મુદ્દો પણ હુંબલે ઉઠાવ્યો હતો.
દુધઈથી કુનરિયા સુધી પેટા નહેરથી પાણી પહોંચશે કે પાઈપલાઈનથી એ નક્કી નથી થતું. સિંચાઈ અને નર્મદા નિગમના અધિકારીઓને પણ આ મામલે ખબર નથી, ત્યારે આગાઉની જેમ જ વાયદાઓ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નર્મદાનાં વધારાનાં પાણીના કામો માટે રૂપિયા ૪૫૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેમ જણાવ્યું છે, પરંતુ જ્યાં સુધી વહીવટી મંજૂરી અપાઈ જ નથી ત્યાં સુધી રૂપિયાની ફાળવણી કઈ રીતે કરી શકાય. ખુદ મુખ્યમંત્રી સબ કેનાલના કામોનું ઉદ્દઘાટન કરશે તે કયા આધારે અધ્યક્ષે જણાવ્યું તેની વિગતવાર માહિતી આપવી જોઈએ.   મોડકુબા સુધી નર્મદાનાં પાણી ન પહોંચાડવા ભાજપ સરકાર જ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા અને વાસણ આહીર પણ વાયદાઓ કરીને ગયા હોવાનું કહ્યું હતું. નર્મદાનાં પાણીથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકારે કર્યો હોવાનો આક્ષેપ પણ ભારપૂર્વક કર્યો હતો. કિસાનોને અને જમીન માલિકોને વળતર નથી ચૂકવાતું, રાજ્ય અને કેન્દ્ર સરકાર એક જ પક્ષની હોવા છતાં કેનાલ ક્રોસિંગના મહત્ત્વના મુદ્દાઓનો ઉકેલ નથી આવતો. ચોબારીના ૮૪ કિસાનોને વળતર મળ્યું નથી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રી અરજણ ભુડિયા, જિલ્લા કોંગ્રેસના મંત્રી રામદેવસિંહ જાડેજા, કિસાન સેલના હરીશ આહીર, પ્રવક્તા ગની કુંભાર જોડાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો