કઠવાના કોલેજીયન યુવાનને અકસ્માતમાં કાળ ભરખી ગયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • કઠવાના કોલેજીયન યુવાનને અકસ્માતમાં કાળ ભરખી ગયો

કઠવાના કોલેજીયન યુવાનને અકસ્માતમાં કાળ ભરખી ગયો

 | 11:34 pm IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૧

તળાજા તાલુકાના અલંગ તાબેના કઠવા ગામે રહેતા અને તળાજા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવાનનું ત્રાપજ નજીક આઈસર ટેમ્પાની અડફેટે કરૃણ મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે કઠવા ગામ અને મૃતકના પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.

બનાવ અંગે અલંગ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર કટવા ગામે રહેતા અશોકભાઈ વાલાભાઈ દિહોરાએ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે ૧૦-૪પ કલાકના અરસામાં તેઓ પોતાની બાઈક પર તેમના ભત્રીજા વિપુલભાઈ વેલજીભાઈ દિહોરાને બેસાડી ત્રાપજ તરફથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે વલડી પેટ્રોલપંપ નજીક પહોંચતા સામેથી કાળમુખો બનીને આવી રહેલ આઈસર ટેમ્પો નં.જીજે.૪.એક્સ.૭૬૬૮ના ચાલકે વાહન બેફિકરાઈથી ચલાવી તેમના સ્કૂટર સાથે અથડાવ્યું હતુ. જે ગમખ્વાર ઘટનામાં વિપુલભાઈ દિહોરા (ઉ.વ.૧૯)ને ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતુ. જ્યારે અકસ્માત સર્જી આઈસર ટેમ્પો સ્થળ પર જ મુકી ચાલક નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં સરપંચ રાજુભાઈ, હે.કો.અશ્વિનસિંહ સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વધુમાં મૃતક યુવાન વિપુલભાઈ દિહોરા તળાજા ખાતે આવેલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય, જે યુવાન આજે કોલેજે આવી રહ્યો હતો. ત્યારે રસ્તા વચાળે જ કાળ ભરખી જતા કઠવા ગામ અને મૃતકના પરિવારમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.