કઠોળમાં સટ્ટાકિય તેજી : રેઢિયાળ સરકારી તંત્રનું પરિણામ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • કઠોળમાં સટ્ટાકિય તેજી : રેઢિયાળ સરકારી તંત્રનું પરિણામ

કઠોળમાં સટ્ટાકિય તેજી : રેઢિયાળ સરકારી તંત્રનું પરિણામ

 | 1:14 am IST

આધુનિક જમાના સાથે આપણે વરસાદ-ધરતીકંપ વગેરેની આગોતરા જાણકારી વિજ્ઞાાન દ્વારા મેળવીએ છીએ ત્યારે દાળ-કઠોળના ભાવ છેલ્લા સવા બે વર્ષથી એકધારા વધી રહ્યા છે. ત્યારે સરકારી બ્યૂરોક્રસી અને નિષ્ણાતોની ટીમ શું અત્યાર સુધી ફીફાં ખાંડતી હતી ? દેશમાં શું રાતોરાત કઠોળની અછત ઊભી થઈ ગઈ ? કેન્દ્રમાં મોદી સરકારે તા. ૨૬ મે, ૨૦૧૪માં સત્તાની બાગડોર સંભાળી ત્યારથી દાળ-કઠોળના ભાવ એકધારા વધી રહ્યા છે. મોદી સરકારના ૨૬ મહિનાના સમયગાળામાં મોટા ભાગના દાળ-કઠોળના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે. ૨૬ મહિનાના સમયગાળામાં સરકારને બ્યૂરોક્રસીએ ઊંધા રસ્તાઓ જ દેખાડયા છે અથવા તો સરકારી મંત્રીઓ આખા મામલાને સમજ્યા વગર તેમની રીતે પગલાં લઈને દેશની આમજનતાને મોંઘવારીના દર-દરમાં ભટકાવી દીધી છે. જેમ દરેક મામલામાં તપાસ થાય છે તેમાં છેલ્લા ૨૬ મહિનામાં દાળ-કઠોળના ભાવ આટલા બધા કેમ વધ્યા ? આખા મામલાની તપાસ કરીને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ન વધે તે માટે ખેત ઉત્પાદન, દેશની જરૂરિયાત અને વિદેશી માર્કેટ વિશે અભ્યાસ કરનાર નિષ્ણાતોની ટીમ બનાવવી જોઈએ.

દાળ-કઠોળની ઔમોંઘવારીની તવારીખ

દેશમાં ચણાદાળ, અડદદાળ અને તુવેરદાળના ભાવ છેલ્લા ૨૬ મહિનાથી સતત વધી રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે તા. ૨૬મી મે, ૨૦૧૪એ શપથ લીધા ત્યારે ચણાદાળની મેઈન માર્કેટ દિલ્હીમાં ક્વિન્ટલનો ભાવ ૩૨૦૦થી ૩૩૦૦ રૂપિયા હતો જે અત્યારે વધીને ૧૦૭૦૦ રૂપિયા થયો છે. ૨૬ મહિનામાં ચણાદાળના ભાવ સવા ત્રણ ગણા વધ્યા છે. અડદદાળનો ભાવ તા. ૨૬મી મે, ૨૦૧૪ના રોજ મુખ્ય માર્કેટ ગુલબર્ગમાં ક્વિન્ટલનો ૮૦૦૦થી ૮૧૦૦ રૂપિયા હતો જે અત્યારે વધીને ૧૬ હજાર રૂપિયા બોલાય છે. ઓલમોસ્ટ બે ગણો વધારો થયો છે. તુવેરદાળનો ભાવ તા. ૨૬મી મે, ૨૦૧૪ના રોજ મુખ્ય માર્કેટ અકોલામાં ક્વિન્ટલના ૫૯૦૦થી ૬૨૫૦ રૂપિયા હતો જે હાલ વધીને ૧૨૪૦૦થી ૧૨૭૦૦ બોલાય છે. ઓલમોસ્ટ સવા બે ગણા ભાવ વધ્યા છે. આટલો જંગી ભાવવધારો એ પણ એકધારો ભાવવધારો થયો છે આવું શા માટે ? તેનો કાયમી ઉકેલ શોધવાને બદલે સરકાર અને વિરોધ પક્ષ રાજકારણ રમે છે અને બ્યુરોક્રસી મોંઘવારીને બહાને વેપારીઓ, આયાતકારો, પ્રોસેસરો વગેરેને લૂંટીને બેફામ ભ્રષ્ટાચાર આચરી રહી છે. કોઈને કાયમી ઉકેલ શોધવામાં રસ નથી. દાળ-કઠોળની તેજી શા માટે ? કારણ કે દેશમાં કઠોળનું ઉત્પાદન વર્ષોથી ગોકળ ગાય ગતિએ વધી રહ્યું છે અને તેની સામે દાળ-કઠોળની જરૂરિયાત રોકેટ ગતિએ વધી રહી છે. સરકારી આંકડા અનુસાર દેશમાં ચાલુ વર્ષે ૧૭૨ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું તેની સામે દેશની કઠોળની કુલ વાર્ષિક જરૂરિયાત ૨૩૫ લાખ ટનની છે. આટલો મોટો ગેપ આયાતથી પૂરો કરવામાં આવી રહ્યો છે. દેશની જરૂરિયાત વધે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કઠોળના ભાવ વધવા લાગે છે અને તેની પર કોઈ કાબૂ મેળવી શકે નહીં. આથી દેશમાં કઠોળનું ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિક રીતે જ અહીં ભાવ વધે. આ સમસ્યાનો ઠોસ ઉપાય એ છે કે, ઘરઆંગણે કઠોળનું ઉત્પાદન વધારવું જોઈએ અથવા અછતની આગોતરા માહિતી મેળવીને આયાતના આગોતરા પગલાં લેવાવા જોઈએ. ભાવ આસમાને પહોંચે ત્યારે જો આયાતનો નિર્ણય લેવામાં આવે તો તે આયાતનો વેપાર થાય. જે તે દેશમાંથી કઠોળ રવાના થાય અને અહીં એકથી દોઢ મહિને પહોંચે ત્યાં સુધીમાં દેશની જનતા લૂંટાઈ ચૂકી હોય. આવા ઉપાયોનું પરિણામ કંઈ જ ન આવે ?

દાળ-કઠોળ બાદ હવે ખાંડ, ખાદ્યતેલો મોંઘા થશે

દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે એટલે આ વર્ષે ખેડૂતોએ ખોબલા ભરી ભરીને કઠોળનું વાવેતર કર્યું છે. દિવાળી બાદ બજારમાં કઠોળ-દાળના ઢગલા થવા લાગશે. ભાવ સડસડાટ ઊતરવા લાગશે. એક તરફ અહીં ઉત્પાદન બમ્પર થયું છે. સરકારે મોઝેમ્બિક, અફઘાનિસ્તાનથી કઠોળ મગાવવાના કરાર કર્યા છે એટલે ત્યાંનું ઉત્પાદન પણ ભારતમાં ઠલવાશે. ફોરેનમાં તેજીને પગલે કઠોળનું બમ્પર ઉત્પાદન થવાનું છે. આ બધો જ માલ દિવાળી પછી ભારતમાં ઠલવવાનો છે. દાળ-કઠોળના ભાવ દિવાળી પછી પાણી-પાણી થશે. સરકાર અખબારો, ટી.વી.વાળાઓ અને મીડિયાને બોલાવીને તેની વાહ વાહ કરશે કે સરકારે પગલાં લીધા એટલે દાળ-કઠોળના ભાવ ઘટી ગયા છે. દાળ-કઠોળમાં જેવી સ્થિતિ છેલ્લા બે વર્ષથી થઈ છે તેવી સ્થિતિ હવે ખાંડ અને ખાદ્યતેલોમાં જોવા મળશે. ખાંડને ભાજપ-કોંગ્રેસવાળાએ રાજકીય ચીજવસ્તુ બનાવી દીધી છે. ખાંડના નામે બધાએ ભરપૂર રાજકારણ ખેલ્યું છે. હવે બધાનું રાજકારણ પૂરું થવામાં છે. સત્તાના ખેલમાં ખાંડ મિલો, ખેડૂતો બધાને હવે ખાંડ કડવી લાગી રહી છે. આથી આ વર્ષે ઉત્પાદનમાં ખાંચો પડશે અને તેની અસરે ભાવ વધશે. દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન છેલ્લા દસ-બાર વર્ષથી સ્થિર છે અને તેની સામે આર્થિક સમૃદ્ધિને કારણે ખાદ્યતેલોનો વપરાશ એકધારો વધી રહ્યો છે. દેશની જરૂરિયાતનું ૬૬થી ૭૦ ટકા ખાદ્યતેલો આપણે હાલ આયાત કરીએ છીએ. અત્યાર સુધી ક્રૂડતેલના ભાવ નીચા હતા એટલે ખાદ્યતેલોના ભાવ પણ નીચા હતા. હવે ક્રૂડતેલ મોંઘું થવા લાગ્યું છે એટલે દિવાળી પછી ખાદ્યતેલોના ભાવમાં પણ મોટો ભડકો જોવા મળશે. ખાંડ અને ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચશે ત્યારે અખબારો, ટી.વી.વાળાઓ અને વિરોધ પક્ષ દેકારો બોલાવશે અને સરકાર જાગશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળવું તે જૂની રીત-રસમ પ્રમાણે પગલાં લેવાશે અને થોડા સમયમાં ફરી બધા મોંઘવારીની વાત ભૂલી જશે !!!   

હંમેશા બધા એકબીજાને બેવકૂફ બનાવવાની જ હોડમાં

દેશમાં દાળ-કઠોળના ભાવ કેવી રીતે વધ્યા તેની તવારીખ તરફ નજર ફેરવીએ તો ખબર પડે કે, સરકારી બ્યૂરોક્રસી મારા-તમારા પરસેવાની કમાણીથી માત્ર ને માત્ર લીલાલહેર જ કરે છે. સરકારી મંત્રીઓ જ્યારે મોંઘવારી વિશે બ્યૂરોક્રસીને ખખડાવે એટલે બ્યૂરોક્રસી વેપારીઓ-આયાતકારો પર ધોકા પછાડે. કહેવા ખાતરનાં પગલાં ભરે, થોડાકને સજા ફરમાવે વગેરે વગેરે પગલાંઓ ભરીને મંત્રીઓને રિપોર્ટ કરે એટલે મંત્રીઓ, અખબારો, ટી.વી. અને મીડિયાને બોલાવી સરકારી પગલાંની માહિતી આપે. લોકસભા-રાજ્યસભામાં વિરોધ પક્ષ પ્રશ્ન કરે તો બ્યૂરોક્રસીએ લીધેલાં પગલાંની મસમોટી યાદી ધરી દેવામાં આવે. બધાનું કામ પૂરું થાય અને સમય વીતે અખબારો, ટી.વી.વાળાઓ, વિરોધ પક્ષ અને ખુદ મંત્રીઓ બધું જ ભૂલી જાય. થોડા સમય બાદ ફરી મોંઘવારી અંગે દેકારો બોલે એટલે ફરી વખત જૂની કહાણી રિપીટ થાય. વાસ્તવમાં બધા એકબીજાને બેવકૂફ બનાવીને ચૂપ કરાવવામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. પ્રશ્ન કે સમસ્યાનો મૂળ ઉકેલ લાવવા આજ સુધી ભાજપ હોય કે કોંગ્રેસ કોઈએ ઠોસ કદમ ભર્યા નથી. કોઈએ બ્યૂરોક્રસીને એવી ચીમકી નથી આપી કે દાળ-કઠોળ નહીં, પણ એક પણ આવશ્યક ચીજવસ્તુઓની બજારનો આગોતરો અભ્યાસ કરવો અને ભાવ વધે તે અગાઉ સરકારને જાણ કરીને તેના આગોતરા પગલાં ભરવા. કોઈ પણ આવશ્યક ચીજવસ્તુના ભાવ વધવા ન જોઈએ. આવું થાય તો જ આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારીનો કાયમી ઉકેલ આવે.