કાશ્મીર : 36 કલાકમાં પાંચ એન્કાઉન્ટર,7 આતંકી ઠાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાશ્મીર : 36 કલાકમાં પાંચ એન્કાઉન્ટર,7 આતંકી ઠાર

કાશ્મીર : 36 કલાકમાં પાંચ એન્કાઉન્ટર,7 આતંકી ઠાર

 | 4:09 am IST
  • Share

  • આતંકવાદ પર સાગમટે આક્રમણ : કાશ્મીરમાં NIAના16, સીબીઆઇના દેશમાં 40 સ્થળે દરોડા
  • શ્રીનગરમાં બિહારના ફળ વિક્રેતા વિરેન્દ્રની હત્યામાં સામેલ ટીઆરએફના 3 આતંકી શોપિયાંમાં હણાયા
  • પાંચ ભારતીય જવાનોની શહાદત માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા સતત બીજા દિવસે ઓપરેશન જારી, ફેરિપોરામાં બે ઠાર.

કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બિનમુસ્લિમ નાગરિકોને લક્ષ્યાંક બનાવાતા કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોએ આતંકવાદીઓને જેર કરવા આકરી કાર્યવાહી શરૂ કરી હતી જેના પગલે છેલ્લા 36 કલાકમાં પાંચ જેટલી અથડામણોમાં સાત આતંકવાદીઓને ઠાર મરાયા હતા. કાશ્મીરમાં સોમવાર સાંજથી શોપિયાંના તુલરાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયા હતા. આઇજીપી વિજયકુમારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં ગંદેરબાલનો એક મુખ્તાર શાહ સામેલ હતો. આ આતંકવાદી ગયા સપ્તાહમાં બિહારના વિરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ હતો. આ અથડામણના થોડા કલાકો બાદ ફેરિપોરામાં વધુ બે આતંકવાદી ઠાર મરાયા હતા. પૂંચ રાજૌરીમાં એક જેસીઓ સહિત પાંચ સૈનિકોની હત્યા કરનારા આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન બીજા દિવસે ચાલુ રહ્યું હતું. છેલ્લા 36 કલાકમાં પાંચ એન્કાઉન્ટરમાં સાત આતંકવાદીનાં મોત થયાં હતાં.

કાશ્મીરમાં એનઆઇએની ધડબડાટી, આતંકીઓની મદદ કરનારા તમામ રડાર પર

પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તોયબા, અલ બદ્ર, હિઝબુલ મુજાહિદ્દીન સહિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સામે નવેસરથી કેસ નોંધીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 16 ઠેકાણા પર દરોડા પાડયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે ટીઆરએફ સાથે સંકળાયેલા અને પાકિસ્તાની આતંકવાદીઓેને મદદ કરી રહેલા દરેકની તપાસ કરી રહ્યાં છીએ.

શસ્ત્ર પરવાના કૌભાંડ : ઉપરાજ્યપાલના પૂર્વ સલાહકારના નિવાસે સીબીઆઇના દરોડા

બનાવટી શસ્ત્ર પરવાના કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇએ મંગળવારે જમ્મ્ુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના પૂર્વ સલાહકાર બશીર એહમદ ખાનના નિવાસસ્થાને સીબીઆઇએ દરોડા પાડયા હતા. તે ઉપરાંત સીબીઆઇએ દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ 40 સ્થળોે દરોડાની કાર્યવાહી કરી હતી.

દિલ્હીમાં 15 વર્ષથી રહેતો પાક. આતંકી છદ્બ-47 સાથે ઝડપાયો

દિલ્હી પોલીસે રાજધાનીમાંથી પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરીને મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન પહલાં આતંકવાદીને ઝડપી લેવાની પોલીસને મોટી સફળતા હાંસલ થઇ છે. અમારી ટીમે એક મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પંજાબનો રહેવાસી મોહમ્મદ અશરફ અલી દિલ્હીમાં છેલ્લા 15 વર્ષથી અલી એહમદ નૂરી નામ ધારણ કરીને ભારતીયના વેશમાં રહેતો હતો. પોલીસને તેની પાસેથી એક એકે-47 રાઇફલ, એકે-47 રાઇફલના એક્સ્ટ્રા મેગઝિન અને 60 રાઉન્ડ, એક હેન્ડ ગ્રેનેડ અને 50 રાઉન્ડ સાથે 50 આધુનિક પિસ્તોલ જપ્ત કરી હતી. પોલીસે તેની સામે યુએપીએ એક્ટ, એક્સપ્લોસિવ એક્ટ, આર્મ્સ એક્ટ અને આઇપીસીની અન્ય ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો