કિચન ક્વેરીઝ - Sandesh

કિચન ક્વેરીઝ

 | 2:00 am IST

કિચન ક્વેરીઝ : પ્રો. રેખા મહેતા

રોજિંદી રસોઈમાં બટાકાની વપરાશ ઘણી છે, તેમાંથી સ્ટાર્ચ સિવાય અન્ય કોઈ પોષકતત્ત્વો મળે ખરા? 

નયના, મંજુષા,હીના ગાંધીનગર

સામાન્ય રીતે કંદમૂળશબ્દ અમુક શાક માટે વાપરવામાં આવે છે, પરંતુ આ શબ્દ બે પ્રકારના શાક માટે છે. કંદ+મૂળ જેને અંગ્રેજીમાં Roots & Tubers કહે છે. 

જયારે વનસ્પતિનાં જમીનમાં ગયેલા મૂળના છેડાના ભાગમાં સ્ટાર્ચનો ભરાવો થાય અને તેટલો ભાગ જાડો અને મોટો થાય ત્યારે તે ભાગને રૂટવેજીટેબલ કહે છે. દા.ત. ગાજર, મૂળા, બીટરૂટ.  

વનસ્પતિની જમીનમાં જતી ડાળીના છેડામાં જયારે સ્ટાર્ચનો સંગ્રહ થાય અને તેને શાક તરીકે વાપરીએ, તેને ટયૂબર્સ કહેવામાં આવે છે, ગુજરાતીમાં કંદ કહે છે. આના દાખલા છે. બટાકા, શક્કરીયા, ટેપીઓકા (કેરાલામાં થતું કંદ), બટાકાએ અગત્યનું ટયુબર છે.તે અનાજનું સ્થાન લઈ શકે છે. તે પોષણથી ભરપૂર છે. તેનો લોટ બને, શાક તથા વિવિધ ફરસાણ બને. અહીં બટાકાની કેટલીક વાનગીઓ સૂચવી છે.

બટાકાની છાલમાંથી ફાઈબર મળે છે જે અગત્યનાં છે. બટાકાને છોલ્યા વગર જ રાંધવા. બટાકાની છાલમાં નીચેના ભાગમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ રહેલાં છે

પ્રશ્નઃ બટાકામાંથી મળતાં પોષક તત્ત્વો વિશે માહિતી આપશો. 

 બટાકાની મથરાવટી મેલી છે. તેમાંથી સ્ટાર્ચ સિવાય કશું જ ન મળે તેમ મનાય છે, આ રહી તેની પોષણ માહિતી. 

 તેમાં સારી ગુણવત્તાવાળું પ્રોટીન છે. લગભગ ઘણાં અગત્યનાં એમિનો એસિડ તેમાંથી મળે છે. 

 કેલશ્યમ, ફોસ્ફરસ તથા આર્યનનું તે સારૃં પ્રાપ્તિસ્થાન છે. 

 કેરોટીન તો પૂરતા પ્રમાણમાં મળે જ છે પરંતુ વિટામીનસીનું પ્રમાણ પણ તેમાં ઉંચુ છે. જમીનમાંથી તાજા કાઢેલાં બટાકામાં વિટામીનસીનું પ્રમાણ ખૂબ ઉંચુ છે, તેમનો સંગ્રહ કરી રાખતાં આ વિટામીન ઓછુ થતું જાય છે. 

 બહુ રાંધવાથી કે તળાવથી આ વિટામીનનો નાશ થાય છે પરંતુ છાલ બાફીને ખાતાં કે બેઈક કરતાં વિટા.સીસચવાઈ રહે છે.

 અગત્યના ક્ષાર પોટેશ્યમનું તેમાં નોંધપાત્ર પ્રમાણ છે. પોટેશ્યમ તંદુરસ્તી માટે અગત્યનો ક્ષાર છે, ઉપરાંત મેગ્નેશ્યમ પણ ખરો જ અને સોડિયમનું પ્રમાણ માફકસરનું.

 બટાકાની છાલમાંથી ફાઈબર મળે છે જે અગત્યનાં છે. બટાકાને છોલ્યા વગર જ રાંધવા, એક ન્યૂટ્રિશનસ્ટના મતે બટાકાની જાડી છાલ ઉતારી તેનો ખાવામાં ઉપયોગ કરવો. મધ્યનો સફેદ, પીળો ભાગ કાઢી નાંખશો તો ચાલશે. છાલનું આટલું મહત્વ છે.

 બટાકાની છાલમાં નીચેના ભાગમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલાં છે, તેથી છાલ અગત્યની છે. છોતરાવાળું બટાકાનું રસાદાર શાક એ સ્વાદિષ્ટ વાનગી છે, પછી બટાકાને શા માટે છોલવાના?

 કેટલાંક બટાકામાં થોડો લીલો ભાગ હોય છે, જે નુકસાનકારક તત્ત્વસોલેનીનને આભારી છે. આ તત્ત્વ કેટલીક પાચનની મુશ્કેલીઓ તેમજ ન્યુરોલોજીકલ પ્રશ્નો ઉભા કરી શકે છે. તેટલો ભાગ જરૂર કાપી નાંખ્યો. બટાકાની ખરીદી વખતે આ મુદે ખાસ ધ્યાનમાં લેવો.

પ્રશ્નઃ- જો ૧ રોટલીમાંથી ૬૮ કેલરી મળતી હોય તો અન્ય રોજિંદી વાનગીઓમાંથી કેટલી કેલરી મળે છે તે જરૂર જણાવશો.

૧ સર્વિંગ ભાત એટલે ૨૫ ગ્રામ ચોખા-તેમાંથી ૮૬ કેલરી મળે. ૧ વાડકી દાળ એટલે ૩૦ ગ્રામ તુવેરની દાળ જે ૮૫ કેલરી આપે છે. ૧ સર્વિંગમગમાં મગનું પ્રમાણ ૪૦ ગ્રામ હોય છે અને તેમાંથી ૧૩૩ કેલરી પ્રાપ્ત થાય.

૧ સર્વિંગ બટાકાનું શાકમાં ૫૦ ગ્રામ બટાકા વપરાય જે ૪૮ કેલરી આપે છે. સૂરણ ૫૦ ગ્રામ લીધું હોય તો તેમાંથી ૪૦ કેલરી મળે. ૭૦ ગ્રામ કાંદા ૪૨ કેલરી આપે. કોબીચ, ફ્લાવર, કેપ્સિકમ. જેવા શાક ૧૦૦ ગ્રામ લીધા હોય તોતે ૨૫ થી ૩૦ કેલરી આપે અને ૧૦૦ ગ્રામ પાલક, મેથી, ૨૬ થી ૨૯ ની વચ્ચે કેલરી આપે છે.

૧૫૦ મિ.લિ. દૂધ ૧૭૫ કેલરી આપે છે, ૧૦૦ ગ્રામ દહીં ૬૦ કેલરી આપે તેમજ ૧ ચમચી એટલે ૫ ગ્રામ ઘી ૪૫ કેલરી પૂરી પાડે છે. ૧ ચમચી ખાંડમાંથી ૨૦ કેલરી મળે છે. ૧ મધ્યમ સાઈઝનું કેળું જેનું વજન ૧૨૫ ગ્રામ હોય તો તેમાંથી ૧૪૫ કેલરી પ્રાપ્ત થાય છે.

અન્ય રોજીંદા ખાદ્યોની કેલરી અવારનવાર અપાતી રહેશે.