કુસુમ-કુમુદ (૨) - Sandesh

કુસુમ-કુમુદ (૨)

 | 1:58 am IST

શમણાંની મોસમ : દેવેન્દ્ર પટેલ

(ગતાંકથી ચાલુ)

એમ ને એમ તંદ્રાવસ્થામાંથી સંજીવ લગભગ અડધીપડઘી નિદ્રાવસ્થા તરફ માંડ ખેંચાઈ રહ્યો.

…’હું આવી ગઈ છું. સંજીવ! તમારી કુમુદ પરત આવી ગઈ છે. જાગો…ઊઠો…ને જુઓ તો ખરા…જે થઈ ગયું તે થઈ ગયું…હવે ભૂલી જાવ એને….કુસુમે તો રમતમાં એવું કર્યું હશે. પણ સમાજની નજરમાં તો તમારી સગાઈ મારી સાથે જ થઈ છે ને! નાહક શું કામ ચિંતા કરો છો…જુઓ! મારા મોં પર જરાયે વિષાદ છે? જુઓ…જુઓ…

કુમુદ! તું આવી ગઈ?’: રજાઈને ફેંકી દેતો સંજીવ બેઠો થઈ ગયો.

બરાબર એ જ સમયે ફાનસને ધીમું કરી રહેલી કુસુમને કુમુદ સમજી રહ્યોઃ

કુમુદ! તું આવી ગઈ? તું હમણાં બોલી એ ખરેખર તારા દિલની વાત છે?’

હું તો કાંઈ નથી બોલી! ફાનસને ફરીથી પ્રજવલિત કરતાં કુસુમે કહ્યું.

કુમુદ કરતાં સહેજ મૃદુ કહી શકાય એવો સ્વર સાંભળી સંજીવ સતેજ થયો. તેણે પૂછયું,  કોણ! કુસુમ?’

હાકુસુમે રૃંધાયેલા અવાજને બહાર કાઢયો.

વાતને માની શકતો ના હોય તેવા ભાવે સંજીવે સ્વસ્થ થતાં ધારી ધારીને કુસુમ તરફ જોવા માડયું, એટલી હદે કે કુસુમે શરમાઈને આંખો નીચે ઢાળી દીધી. કેટલો ભોળો એનો ચહેરો છે! આ રમતિયાળ આંખો, નાની બાળકી જેવું નાક, અસ્તવ્યસ્ત લૂગડાં-અદ્લ કુમુદની પ્રતિમા છે, પણ. કુમુદ તો નથી જ. કુમુદમાં ગાંભીર્ય છે. કુસુમમાં નિખાલસતા છે. સંજીવ વિચારી રહ્ય.ો

તમને ખોટું લાગ્યું છે, મારી પર?’ કુસુમે એકદમ સરળતાથી સવાલ પૂછી નાંખ્યો.

ભોળી કુસુમ પર ગુસ્સો હોવા છતાં સંજીવ હસી પડયો.

કહોને! તમને ખોટું લાગ્યું છે મારી પર?’ કુસુમે આગ્રહપૂર્વક પૂછયું.

સ્વસ્થ થતાં સંજીવે ઢોલિયા પર જ પલાંઠી મારતાં ઊંડો શ્વાસ લઈ ફાનસ પાસે ઊભેલી કુસુમને પૂછયું,  કુસુમ! તમને ખબર છે કે તમે શું કર્યું છે?’

જવાબમાં કુસુમ ચૂપ રહી.

તમે તમારી બહેન સાથે જ નહીં પણ મારી સાથે-તમારાં બા-બાપુ બધાંની સાથે ચેડાં કર્યા છે…આવું કરાય કુસુમ?’ આરંભમાં કડક અવાજે પણ છેલ્લે ધીમા સ્વરે સંજીવે ઊધડો લેવાં માંડયો.

કુસુમ હજુયે ચૂપ હતી. બલકે નીચે જોઈને પગના અંગૂઠા વડે કાંઈક ખોતરી રહી.

મને કારણ તો આપો કે તમારે આમ કેમ કરવું પડયું? બોલો, બોલો. મોંમાં જીભ નથી શું?’ ફરીથી સંજીવે ગુસ્સાભર્યા સ્વરે પૂછયું.

ધ્રૂજી ગયેલી કુસુમ ગભરાઈને સંજીવ સામે જોઈ રહી.

ફરીથી બાળસહજ ભાવે તે બોલી પડીઃ  મને મારી બહેને જ પત્રો લખવા કહ્યું હતું.

શું?’

હા…કમુદે જ મારી પાસે પત્રો લખાવ્યા છે.

કેમ?’ સંજીવે ભારપૂર્વક પૂછયું.

મને ખબર નથી.

સાચું બોલો કુસુમ…સત્યને કોઈ કદી નહીં છૂપાવી શકે.‘: સહેજ આર્દ્ર સ્વરે સંજીવે પૂછી રહ્યો.

બોલો…કુસુમ…સાચું બોલો…

કુમુદબેનનો વિચાર કાંઈક જુદો જ છે. સગાઈ પહેલાં જ એમનું…હૃદય…

કેમ અટકી ગયાં?’

સગાઈ પહેલાં જ એમનું  હૃદય બીજા કોઈને આપી ચૂક્યાં છે… અને તેથી એમણે મને આ બધામાં…બોલતાં બોલતાં કુસુમનો સ્વર લાગણીભીનો બન્યો.

સંજીવના હૃદય પર જાણે કે હથોડાનો બીજો ઘા ઝીંકાયો. એના મોં પરની વિષાદની રેખાઓ બદલાઈને ક્રોધમાં પરિણમતી હતી. સામે ઊભેલી કુસુમ પણ સહેજ ગભરાઈ ગઈ.

તે બોલીઃ પણ એમાં મારો કોઈ વાંક?’

તમારો કોઈ વાંક નથી. કુસુમ…આ બધા માટે જવાબદાર જ હું છું…તમે તો નિમિત્તમાત્ર છો.સંજીવે કપાળે હાથ મૂકતાં કહ્યું.

કુસુમ કોઈ અનિમેષ લાગણીથી સંજીવના શબ્દો સાંભળી રહી.

શરીરને સાવ શિથિલ કરી નાંખીને વ્યસ્ત થઈ ગયેલો સંજીવ એકલો એકલો બબડી રહ્યોઃ હું છેતરાઈ ગયો…હું છેતરાઈ ગયો.

કુસુમ વધુ ને વધુ લાગણીશીલ થતી ગઈ. એના મોં પરના ઉપલબ્ધ ભાવ ઝડપથી બદલાતા ગયા. એના હોઠ વારે વારે ઊઘડીને બંધ થઈ ગયા.

સંજીવ ઢોલિયામાં આડો થઈ જતાં ઓશીકામાં માથું છૂપાવી બબડી રહ્યો;

હે…ભગવાન! કુમુદ છેક આવી નીકળી? કુમુદ વિના…

મને માફ કરો..મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું હતું તે બધું જ…કુસુમે દોડતા આવીને ઢોલિયા પાસે નીચે જ પડતું નાખ્યું.

તે બોલી રહી; ‘મેં કહ્યું હતું તે બધું જ…

ચૂપ રહે…કુસુમદાદરા પાસેથી કુમુદનો સત્તાવાહી અવાજ આવ્યો.

ઢોલિયામાંથી બેઠા થઈ જતા સંજીવે અને કુસુમે ચોંકી જતાં નજર ફેંકી. કુમુદ નજીક આવી રહી હતી.

નહીં બેન…હું જૂઠું નહીં બોલી શકું..કુસુમે ત્વરાથી ઊભા થઈ જતાં કહ્યું.

કુસુમ!કુમુદે પુનઃ ભારપૂર્વક ચૂપ રહેવાનું આડકતરી રીતે સૂચવી દીધું.

આ બાબત સંજીવના ધ્યાન બહાર રહી નહીં.

શું વાત છે કુસુમ!  તમે બંને મારાથી કંઈક છૂપાવો છો…કુમુદ, તને તારા પ્રિય પાત્રના સમ છે કુસુમને રોકે તો! કહો કુસુમ…સંજીવ વિનવણી કરી રહ્યો.

કુસુમે કુમુદ તરફ જોયું: કુમુદે મોં હલાવતાં સંમતિ આપી નીચે જોયું.

કુસુમ બોલી, ‘એ બધા જ પત્રો મેં સ્વયં ઇચ્છાથી લખ્યા હતા. કુમુદબેનને એ વિષે કાંઈ જ ખબર નથી…

એટલે?’

કુમુદબેન મામાના ઘેર હતાં, દરમિયાન તમારો પહેલો પત્ર અહીં મારા જ હાથમાં આવ્યો. હું વાંચવાની આતુરતા રોકી શકી નહીં. અને પત્ર વાંચ્યા બાદ તમારી લાગણી જોઈ કુમુદબેનના નામે પત્ર લખવાની મને ઇચ્છા થઈ આવી. મેં પત્ર લખ્યો. પણ ફરીથી તમારો પત્ર આવ્યો, મેં ફરીથી વાંચ્યો. મેં ફરીથી તમને પત્ર લખ્યો. અને લખતી જ રહી. લખતી રહી. અને એ જ કારણે મેં આજે તમારા માટે પૂરણપોળી બનાવી હતી…કુસુમ નિખાલસતાપૂર્વક બોલતી રહી. અને એનો શ્વાસ અટકી ગયો.

હજુ તમે કાંઈક છૂપાવો છો.

કુસુમે કુમદ તરફ જોઈને ચાલુ રાખ્યું: આજે હું સૂતી હતી તે વખતે કુમુદબહેને આવીને મને જગાડીને તમારી સમક્ષ મોકલી…અને કુમુદબહેન પ્રત્યે તમને નફરત થાય એવું બોલવા મને કહ્યું…બેન વિષે એવું બોલીને મેં કેટલું મોટું પાપ કર્યું…બોલતી કુસુમ કુમુદ તરફ દોડી.

તો કુમુદ…

કુમુદબેન પવિત્ર છે. સંપૂર્ણ પવિત્ર છે જેમની પર બહેનનો અધિકાર હતો એમને છીનવી લેવાનો મેં….

કુસુમને અટકાવી દેતાં કુમુદ બોલી. નહીં કુસુમ. મારો તો સમાજની દૃષ્ટિએ અધિકાર હતો. હું જાણું છું કે તું તારું હૃદય સંજીવને આપી ચૂકી છે…તારી રગેરગ સંજીવમય છે…હું હજુ એ કક્ષા સુધી પહોંચી શકી જ નથી.

કુમુદ…!ઢોલિયમાંથી ઊભા થઈ જતાં સંજીવે બૂમ મારી.

હા સંજીવ! કુસુમને અપનાવી લો. એના લોહીના પ્રત્યેક બિંદુમાં સંજીવની છબી છે. એના શ્વાસોચ્છવાસમાં સંજીવની પરિમલ છે. એના ઉરના પ્રત્યેક ધબકારમાં સંજીવના નામનો ધ્વનિ છે…એનો આત્મા સંજીવમય છે. એને સ્વીકારી લો.

પણ કુમુદ?’

તમને મારા સમ છે, કાંઈ બોલો તો! બા-બાપુને સમજાવવાની જવાબદારી મારી પર છોડી દોકુમુદ બોલતી રહી.

કુમુદ…મારું મો બંધ ના કર. મને બોલવા તો દે.

સંજીવના એ શબ્દો સાંભલી કુમુદની આંખમાંથી ડબડબ આંસુ વહી રહ્યાં. તે મનમાં જ બબડી.  ભગવાન એમનું ભલું કરે. મારા સમ માને છે એ જ મારો સંતોષ છે. મારા જીવનની આ પરિપુર્તિ છે.

કુસુમ કુમુદને વળગીને રડી પડી. કુસુમના મોં પરનાં આંસુ લૂછતી કુમુદે એક હળવી ચૂમી ભરી લીધી અને કુસુમને અળગી કરી સડસડાટ દાદરો ઊતરી ગઈ. કુસુમ ઊભી હતી ત્યાં જ નીચે બેસી ગઈ. સંજીવ કુસુમ નજીક ગયો અને હળવેથી એને બેઠી કરી. કુસુમમાં સ્વયં ઊભા રહેવાની તાકાત નહોતી. તે સંજીવની કાયાને સહારે વળગી રહી.

રાત આગળ ધપતી રહી. ફાનસ સહેજ સહેજ ઝાંખું થઈ રહ્યું હતું.

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન