કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનને બોટાદમાં મિશ્ર પ્રતિસાદ ઃ અન્યત્ર બંધ સફળ - Sandesh
  • Home
  • Bhavnagar
  • કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનને બોટાદમાં મિશ્ર પ્રતિસાદ ઃ અન્યત્ર બંધ સફળ

કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનને બોટાદમાં મિશ્ર પ્રતિસાદ ઃ અન્યત્ર બંધ સફળ

 | 1:20 am IST

પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી અનેક ચીજવસ્તુઓમાં થયેલ અસહ્ય ભાવ વધારાના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે લોકોના પ્રશ્નને વાચા આપવા કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયુ હતું. જેને જિલ્લા મથક બોટાદમાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. જ્યારે ગઢડા, બરવાળા, રાણપુર સહિતન તાલુકા મથકો પર સજ્જડ બંધ પળાયો હતો.

। બોટાદ ।

બોટાદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનો-હોદ્દેદારો, સામાજિક કાર્યકરો, બોટાદના દિન દયાળ ચોક ખાતે સરકાર વિરોધી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ અને શહેરના રાજમાર્ગો પરની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. લોકોએ સવારે બંધ કર્યા બાદ તમામ શહેરી વિસ્તારની દૂકાનો ખુલ્લી રહી હતી. બંધ કરાવવા માટે નિકળેલ આગેવાનો, કાર્યકરોની બોટાદ પોલીસ દ્વારા અટક કરાઈ હતી.

। ગઢડા ।

બંધના એલાનના પગલે કોંગ્રેસના આગેવાનો મોટરસાઈકલ દોરીને નિકળેલ અને હાઈસ્કુલ ચાર રસ્તા ખાતે રસ્તો ચક્કાજામ કરી વિરોધ કરતા પોલીસે ૧૦૦ જેટલા કાર્યકરોની અટકાયત કરેલ. ગઢડા બંધના એલાનમાં તમામ વેપારીઓ, શાળા સંચાલકો તેમજ વકીલોએ એક દિવસ કોર્ટ કાર્યવાહી બંધ રાખવાનો ઠરાવ કરી બંધના એલાનમાં જોડાયેલ. ગઢડામાં ભાવવધારાના મુદ્દે વિરોધ કાર્યક્રમમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ ગઢીયા, તાલુકા પંચાયત પ્રમુખ વશરામભાઈ તાવિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ, સુખદેવસિંહ ગોહીલ, રાઘવભાઈ કેવડીયા, પ્રભાતભાઈ બોરીચા, કનુભાઈ જેબલીયા, રામજીભાઈ પરમાર સહિત આગેવાનો કાર્યકરો હાજર રહેલ.

। બરવાળા ।

બરવાળામાં ધીરૃભાઈ ચૌહાણ, ભુપતભાઈ ડાભી, પ્રવિણભાઈ કણઝરીયા, સુલતાનભાઈ સાલેવાલા, ભારતીબેન ચાવડા, ધવલભાઈ દોશી સહિતના કોંગ્રેસી આગેવાનોની અપીલથી વેપારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ વેપાર ધંધા સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસી આગેવાનો દ્વારા રોકડીયા હનુમાનજીથી મેઈનબજાર થઈ છત્રીચોકથી હાઈવે સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો તેમજ બરવાળા તાલુકાના લોકો પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધ એલાનના સમર્થનમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા સવારથી જ સજ્જડ બંધ રાખી મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કોંગ્રેસ આગેવાનો દ્વારા હાઈવે રોડ ઉપર મોંઘવારીના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. આ તબક્કે બરવાળા પોલીસે ૧પ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનના પગલે બરવાળાની ખાનગી શાળાઓએ રજા રાખવામાં આવી હતી.

। રાણપુર ।

રાણપુર સજ્જડ બંધ રહ્યુ હતુ. જો કે સવારે કોંગ્રેસના આગેવાનો ગામ બંધ રાખવા વેપારીઓને મળી અપીલ કરી હતી તથા શાળા કોલેજો પણ બંધ કરાવવામાં આવ્યા હતાં. લોકોએ પણ મોંઘવારીનો માર સહન ન થતા સ્વયંભૂ પણ બંધમાં જોડાયા હતા. પરિસ્થિતિને અનુસરીને રાણપુર પી.એસ.આઈ. વી.એમ.કામળીયાએ રાઉન્ડ ધ ક્લોક પોલિસ પેટ્રોલીંગ ચાલુ રાખી પરીસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના પગલે બોટાદ શહેરમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો જ્યારે જિલ્લાના તાલુકા મથકો ગઢડા, બરવાળા અને રાણપુરમાં લોકોએ બંધના એલાનને સુંદર પ્રતિસાદ આપ્યો હતો. બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો બજારોમાં નિકળ્યા ત્યારે પોલીસે આગેવાનો અને કાર્યકરોને ડિટેઈન કર્યા હતા.