કોઈના જેટલું કે એના કરતાં વધુ મેળવવાની ઇચ્છા એટલે સ્પર્ધાનું વરવું રૂપ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કોઈના જેટલું કે એના કરતાં વધુ મેળવવાની ઇચ્છા એટલે સ્પર્ધાનું વરવું રૂપ

કોઈના જેટલું કે એના કરતાં વધુ મેળવવાની ઇચ્છા એટલે સ્પર્ધાનું વરવું રૂપ

 | 3:00 am IST
  • Share

સ્પર્ધા અને સફ્ળતા માણસજાતના સૌથી જૂના અને જાણીતા રોગનાં નામ છે. લોકડાઉન દરમ્યાન તમને સૌથી મોટી વાત કઈ શીખવા મળી? આ સવાલ વાત વાતમાં મેં મારા એક સેલ્ફ્મેઇડ યુવાન શ્રીમંત મિત્રને પૂછયો ત્યારે કંઈ બહુ ગહન વિષય પર ડિસ્ક્શન કરવાની ઇચ્છાથી નહોતો પૂછયો. એમણે પણ કેઝયુઅલી જવાબ આપ્યો, પણ ફેન મૂક્યા પછી લાગ્યું કે ખૂબ મોટી વાત સાવ સહજતાથી એમણે કહી દીધી. મને કહેઃ ‘અત્યાર સુધી કોઈની પાસે પચાસ જોઈને મને એકાવન બનાવવાનો વિચાર આવતો. મને મારા ઓગણપચાસ ઓછા લાગતા. કોરોના પછી લાગ્યું કે જે છે એ પણ વાપરી શકાતા નથી તો એકાવન કરીને મારે કોને બતાવવાના?’

જીવનમાં કશુંક મેળવવું એનો અર્થ એવો કરી લેવામાં આવ્યો કે ‘કોઈકના જેટલું’ કે ‘એના કરતાંય વધારે’ મેળવવું. સ્પર્ધાનો જન્મ અહીંથી થયો. ધન, પ્રસિદ્ધિ અને સત્તા જેવાં બાહરી તથા ભૌતિક લક્ષણો દ્વારા જ વ્યક્તિની સફ્ળતા પારખવા ટેવાઈ ગયેલા સમાજમાં સ્પર્ધા એક અનિવાર્ય અંગ બની ગઈ. કોઈનીય સાથે દોડયા વિના, એકલા દોડીને જ લક્ષ્ય સુધી પહોંચવામાં સંતોષ નથી મળતો હવે. કોઈકના કરતાં વહેલા પહોંચી જવામાં, કોઈકના કરતાં આગળ નીકળી જવામાં જ સંતોષ મળે છે. પછી ભલેને એ ગંતવ્યસ્થાન તમારું નિર્ધારિત લક્ષ્ય ન હોય.

એક સરસ વાત બી. આર. ચોપરાએ વર્ષો પહેલાં કોઈ ઈન્ટરવ્યૂમાં કરી હતી. નવી પેઢીના વાચકો માટે બી. આર. ચોપરા એટલે ડીડીએલજેના ડિરેક્ટર આદિત્યના કાકા અને જબ તક હૈ જાનવાળા યશજીના મોટા ભાઈ. આગલી પેઢી માટે બી. આર. ચોપરાની ઓળખાણ જરૂરી નથી. ચોપરાસાહેબે પોતાના દિગ્દર્શન હેઠળની પ્રથમ ફ્લ્મિ ‘અફ્સાના’ બનાવવાનું નક્કી કર્યું ત્યારની આ વાત છે. લગભગ 70 વર્ષ પહેલાંની, 1950-51ની સાલની વાત છે.

સ્ટોરી એકદમ મજબૂત હતી અને ડબલ રોલ ભજવવા માટે હીરો તરીકે એટલા જ મજબૂત અભિનેતાની જરૂર હતી. ચોપરાસા’બે પોતાના દિગ્દર્શનની આ પ્રથમ ફ્લ્મિ માટે દિલીપકુમારનો સંપર્ક સાધ્યો. દિલીપકુમાર તે વખતે મહેબૂબ ખાનની ‘અંદાઝ’ (1949)માં કામ કરીને સ્ટાર બની ચૂક્યા હતા. ‘અફ્સાના’ની સ્ટોરી એમને પસંદ પડી ગઈ, પણ આ રોલ માટે પોતાની પસંદગી ખોટી છે એવું એમણે કહ્યું. ન્યાયાધીશનું પાત્ર ભજવવા માટે હું બહુ નાનો દેખાઈશ, તમે એક કામ કરો અશોકકુમાર આ રોલ માટે એકદમ ફ્ટિ છે, એમનો કોન્ટેક્ટ કરો – દિલીપકુમારનું કહેવું હતું. અશોકકુમારે એ રોલ ભજવ્યો. ‘અફ્સાના’ હિટ થઈ. એ પછી બી.આર.ચોપરાએ પોતાની પ્રોડક્શન કંપની સ્થાપી.

થોડાં વર્ષ પછી અને થોડીક વધુ સફ્ળતાઓ બાદ ચોપરાસાહેબના હાથમાં એક નવો સબ્જેક્ટ આવ્યો. ફ્રી દિલીપકુમાર યાદ આવ્યા. એમને મળ્યા. એ સબ્જેક્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણા બધા પાસે ફ્રી ચૂક્યો હતો. વાસન, રાજ કપૂર, મહેબૂબ ખાન, એસ. મુખર્જી બધા જ એ સ્ટોરી આઈડિયાને રિજેક્ટ કરી ચૂક્યા હતા, પણ બી. આર. ચોપરાને શ્રદ્ધા હતી કે એના પરથી સુપરહિટ ફ્લ્મિ બનાવી શકાય, જો સારો હીરો મળે તો. દિલીપકુમારના કાને પણ એ સ્ટોરી પડી ચૂકી હતી. ચોપરાજી એમને મળ્યા અને વાત શરૂ કરી કે તરત એમણે કહ્યું, ‘પેલી ટાંગાવાળાની સ્ટોરીને? ના, ભાઈ ના, જવા દો એ વાત.’ નાસીપાસ થઈને ચોપરા ફ્રી અશોકકુમાર પાસે આવ્યા. દાદામુનિએ સ્ટોરી સાંભળીને કહ્યું કે વાર્તા બહુ જ સરસ છે. તમારામાં ગજબની સ્ટોરી સેન્સ છે, પણ આમાં હીરો તરીકે હું ન ચાલું. ગામડાના માણસ તરીકે હું વધારે પડતો સોફ્િસ્ટિકેટેડ લાગીશ. મારે હિસાબે આ રોલ માત્ર યુસૂફ્ જ કરી શકે.

પણ યુસૂફ્સા’બ તો ના પાડી ચૂક્યા છે. હું સમજાવીશ એને, અશોકકુમારે હૈયાધારણ આપી અને ફ્રી એક વાર દિલીપકુમારનો સંપર્ક કરવાનું કહ્યું. દિલીપકુમારે છેવટે એ ફ્લ્મિ સ્વીકારી, સ્વીકારી એટલું જ નહીં જીવ રેડીને એમાં કામ કર્યું, એટલું ઓછું હોય એમ ફ્લ્મિની શરૂઆતમાં જે હિરોઈન હતી તે મધુબાલાના પોતે પ્રેમમાં હોવા છતાં જ્યારે મધુબાલાના પિતા અને ચોપરાસા’બ કોર્ટમાં લડયા ત્યારે દિલીપકુમારે અંગત લાગણીઓને બાજુએ રાખીને ચોપરાજીને પ્રોફ્ેશનલી કોઈ નુકસાન ન થાય એ માટે એમની પડખે રહ્યા. આ ફ્લ્મિ ‘નયા દૌર’ના નામે રિલીઝ થઈ, બોક્સઓફ્સિ પર ઇતિહાસ સર્જી ગઈ.

આજની તારીખે એક નિર્માતા એક હીરોનો સંપર્ક કરે ત્યારે શું એ હીરો કહેવાનો છે કે આ રોલને હું નહીં, પણ મારો પ્રતિસ્પર્ધી વધારે ન્યાય આપી શકશે. શક્યતા તો એવી કે કોઈને જેવી ખબર પડે કે આ રોલ માટે એક અભિનેતાને લેવાની વાટાઘાટ ચાલે છે તો એમાં લંગસિયું નાખવા એ તરત પહોંચી જશે.

સ્પર્ધા વિના પણ સફ્ળતા મેળવી શકાય એનાં આ બે જ્વલંત ઉદાહરણ. અશોકકુમાર અને દિલીપકુમાર. આજે આવું વાતાવરણ છે? ના, નથી. તો કેવું છે? એક જમાનામાં ટીવી પર કપડાં ધોવાના સાબુની એડ આવતીઃ ભલા ઉસ કી કમીઝ મેરી કમીઝ સે ઝયાદા સફ્ેદ કયોં? અને આજની તારીખે પણ રિયલ લાઈફ્માં જુઓ તો પોતાનું ખમીસ હજુ વધારે સફ્ેદ બનાવવાની લાયમાં કાપડનું પોત આખેઆખું ઘસાઈ જાય એનીય પરવા રહેતી નથી. ક્લાઈમેક્સ તો ત્યારે આવે છે જ્યારે સફ્ેદી લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફ્ળ ગયા પછી બીજાના ખમીસને કાળા રંગે રંગવાના પ્રયત્નો શરૂ થાય. ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં, દરેકે દરેક ક્ષેત્રમાં આ હાલત છે. કોઈનેય કશી શિખામણ આપવા જેવું નથી. જશો તો બેઉ પક્ષો તમારું ખમીસેય ખેંચીને એના લીરેલીરા કરી નાખશે.

સ્પર્ધા એટલે માત્ર પોતે આગળ વધવાનો પ્રયત્ન કરવો, ગઈ કાલ કરતાં આજે વધુ સારું કામ કરવું, બીજાની સરખામણીએ પોતે ક્યાં છે એવી દૃષ્ટિ ન રાખવી. અનેક સ્કૂલોમાં ર્વાિષક પરીક્ષા પછી વર્ગમાં પહેલો નંબર કોનો આવ્યો, અને બીજું કોણ, ત્રીજું કોણ એવી રેન્કિંગ સિસ્ટમ ત્યજી દેવામાં આવી છે. કમ સે કમ પ્રાથમિક ધોરણોમાં તો ખરી જ. મેડિસિન જેવાં ક્ષેત્રોમાં એક-એક માર્કથી પ્રવેશ માટેનો નિર્ણય લેવાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે મા-બાપ બારમા ધોરણમાં ભણી રહેલાં સંતાનોને કોચિંગ ક્લાસીસ અને પ્રાઈવેટ ટયૂશનોના ચાબૂક ફ્ટકારી ફ્ટકારીને રેસમાં જિતાડવાનો પ્રયત્ન કરે. બિલકુલ સ્વાભાવિક છે અને કદાચ જરૂરી પણ હશે, પરંતુ આમ કરતી વખતે જ્યારે એક સાવધાની રાખવામાં આવતી નથી ત્યારે એ સંતાન મોટું થઈને બીજાની બીએમડબલ્યુ જોઈને પોતાની હોન્ડા સિટી પ્રત્યે તિરસ્કારથી જોતું થઈ જાય છે. સાવધાની માત્ર એટલી જ કે મેડિકલમાં કે જોઈતા ક્ષેત્રમાં પ્રવેશ ન મળવાથી આસમાન તૂટી પડતું નથી ને એ જ ક્ષેત્રનો આગ્રહ હોય અને થોડાક માર્ક્સ ઓછા પડયા હોય તો પ્રથમ પસંદગી જે કોલેજની હતી તે સિવાયની ડઝનબંધ શિક્ષણ સંસ્થાઓ ભારતભરમાં છે. ત્યાં જવાની તૈયારી રાખવાની. અને બીજી વાત. કશુંક ન મળવાથી જિંદગીમાં પૂર્ણવિરામ આવી જતું નથી. જે ઇચ્છયું હતું તે ન પણ મળે તો માની લેવાનું કે પ્રારબ્ધમાં એના કરતાં કંઈક બહેતર મળવાનું લખાયું હશે. આ વાત બારમા ધોરણના બચ્ચાંઓનાં માબાપે પોતાનાં સંતાનોને સમજાવવી જોઈએ, પણ તે પહેલાં આ માબાપોએ સમજવું પડે કે બીજાના પચાસ જોઈને એકાવન બનાવવાનો વિચાર પડતો મૂકીશું તો ઓગણપચાસનો રિયલ સ્વાદ માણી શકીશું.

સાયલન્સ પ્લીઝ!

મનુષ્યમાત્રની દ્વિધા એ છે કે પરિવર્તન એને ગમતું હોવા છતાં એને એ ધિક્કારે છે. માણસને વાસ્તવમાં બધું એનું એ જ જોઈએ છે, પણ દરેક ચીજ છે એના કરતાં બહેતર બને એટલી જ એની ઝંખના છે.

– સિડની જે. હેરિસ (અમેરિકન પત્રકાર અને લેખક જેમની ‘સ્ટ્રિક્લી પર્સનલ’ નામની વીકલી કોલમ અમેરિકા-કેનેડાનાં બસો જેટલાં અખબારોમાં એકસામટી પ્રસિદ્ધ થતી. જન્મઃ 1917 – અવસાનઃ 1986)            

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો