કોરોનાગ્રસ્ત બાળકના માતા-પિતા સહિત ૧૪ના ટેસ્ટ નેગેટીવ - Sandesh
 • Home
 • Jamnagar
 • કોરોનાગ્રસ્ત બાળકના માતા-પિતા સહિત ૧૪ના ટેસ્ટ નેગેટીવ

કોરોનાગ્રસ્ત બાળકના માતા-પિતા સહિત ૧૪ના ટેસ્ટ નેગેટીવ

 | 6:43 am IST

 • પરીક્ષણ ૧૪ માસના બાળકની સ્થિતિ અતિ ગંભીરઃ કેવી રીતે સંક્રમિત થયો તે રહસ્ય
 • જામનગરઃ જામનગર નજીકના દરેડ જીઆઈડીસી પાસેની પરપ્રાંતિય શ્રામિકોની વસાહતમાં ૧૪ માસના બાળકને કોરોના વાયરસ હોવાનું સામે આવ્યા બાદ તંત્રએ ર૦ હજારની વસ્તી ધરાવતા દરેડ ગામને લોકડાઉન કરી યુધ્ધના ધોરણે ચાંપતા પગલા લેવા સાથે બાળકના સંપર્કમાં આવેલા માતા-પિતા સહિતના ૧૪ લોકોના સેમ્પલો લીધા હતાં. જેનો રીપોર્ટ નેગેટીવ આવતાં વહિવટીતંત્રને અને ડોક્ટરોને મોટો હાશકારો થયો છે.
  દરેડની સીમમાં રહેતાં પરપ્રાંતિય શ્રામિકના ૧૪ માસના બાળકને કોરોના પોઝીટીવ હોવાનું તા.પની સાંજે ખુલ્યા બાદ કલેક્ટરના હુકમથી દરેડ ગામ સહિતનો ર૦ હજાર લોકોની વસ્તીને આવરી લેતો વિસ્તાર કોર્ડન કરીને લોકડાઉનમાં મુકાયો હતો. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આજે બાળકના સંપર્કમાં આવેલા ૧૪ લોકોના નમુના લઈ લેબોરેટરીમાં ચકાસતાં તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં.
  જે તંત્ર અને ડોક્ટરો માટે હાશકારારૂપ સમાચાર હતાં. જો કે, આ છતાં વિસ્તારમાં બાળક સુધી સંક્રમણ કેવી રીતે પહોંચ્યું તેની તપાસ પુરજોશથી ચાલુ છે અને તંત્ર દ્વારા હાલમાં વિસ્તારનું લોકડાઉન ખોલવાની કોઈ તૈયારી ન હોવાનું અને લોકડાઉન ચાલુ જ રાખવામાં આવશે. તેમ તંત્ર દ્વારા જાણવામળે છે.
  લોકડાઉનની અમલવારી માટે વિસ્તારમાં કોઈએ જાહેરમાર્ગો પર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ કલેક્ટરે બહાર પાડયું છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ વિસ્તારના લોકોની આરોગ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. લોકોને તાવ-શરદીના લક્ષણો દેખાય તો તુરંત જ વહિવટી તંત્રની હેલ્પલાઈનનો સામેથી સંપર્ક કરવા સુચના અને નંબરો અપાયા છે.
  આરોગ્ય કે વહિવટી તંત્રને બગડેલી તબીયતની જાણ નહીં કરનાર અને માહિતી છુપાવનાર સામે પણ કાયદા મુજબના પગલા લેવા કલેક્ટર રવિશંકરે ચેતવણી ઉચ્ચારી છે.
 • મોરબીના કોરોનાગ્રસ્ત નોટરીની દિલ્હી-હરિદ્વાર, યુપી સહિતની ટ્રાવેલ હિસ્ટ્રી
 • દર્દીના અન્ય એક પર્સનલ નંબરના લોકેશનના આધારે થયો ઘટસ્ફેટ
 • મોરબીઃ મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીએ અત્યાર સુધી ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હોવાનું સામે આવ્યું છે. આ દર્દી રાજકોટથી બસમાં પ્રવાસની એક ટુરમાં દિલ્હી, રાજસ્થાન અને યુપી અને હરિદ્વારના પ્રવાસે ગયા હોવાનું તેના અન્ય એક પર્સનલ નંબરના લોકેશનના આધારે બહાર આવ્યું છે.
  ત્યારે આ દર્દી સામે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ ગુનો દાખલ કરવો કે કેમ તે અંગે હવે નિર્ણય લેવાશે.
  મોરબીના ઉમા ટાઉનશીપમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા એક ૫૨ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી છે. આ કોરોનાગ્રસ્ત દર્દીને ચેપ લાગ્યો ક્યાંથી તે શોધવા તંત્રએ કવાયત હાથ ધરી હતી. અંતે તંત્રને તેમાં સફ્ળતા મળી છે. તંત્ર દ્વારા આ દર્દીનો અન્ય એક પ્રાઇવેટ નંબર જે જાહેર કરવામાં આવ્યો ન હતો. તેનું ટ્રેસિંગ હાથ ધરીને વિગતો મેળવવામાં આવી હતી.
  જેમાં આ દર્દી રાજકોટની અક્ષર ટ્રાવેલ્સમાં બસમાં પ્રવાસ ટુરમાં ૧૩ માર્ચે રાજકોટથી દિલ્હી,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ અને હરિદ્વાર ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ દર્દી ૪૦ થી ૪૫ લોકો સાથે ટુરમાં ગયા હતા. જ્યાંથી તે ગત તા. ૨૧ માર્ચના રોજ રાજકોટ આવ્યા હતા. બાદમાં ત્યાં જ તેમના સબંધીના ઘરે બે દિવસ રોકાઈને તા. ૨૩ માર્ચના રોજ તે મોરબી આવ્યા હતા. અહીં તેઓને ઘણા દિવસથી તાવ, શરદી, ઉધરસ રહેતા તા. ૨૭ માર્ચે તેઓ રાજકોટના કરણપરામાં આવેલ શિવ હોસ્પિટલમાં નિદાન માટે આવ્યા હતા. ત્યાર બાદ ફ્રી તેઓ તા.૩ એપ્રિલના રોજ નિદાન માટે આવ્યા હતા. ત્યારે તેઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ડો. તુષાર દવેએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. અને તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  કોરોનાગ્રસ્તના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
  મોરબીના કોરોનાગ્રસ્ત આધેડની પત્નીનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયું હતું. જેના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. અને તેઓને ઘુટુ ખાતેની પોલીટેક્નિક કોલેજ ખાતેની ક્વોરોન્ટાઇન ફ્ેસેલિટીમાં રાખવામાં આવ્યા છે. સાથે દર્દી જે ટેક્ષીમાં રાજકોટ નિદાન માટે ગયા હતા તેના ડ્રાઇવરને પણ ત્યાં જ રાખવામાં આવ્યો છે.
 • વધુ એક યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલશેનમાં દાખલ કરાયો
  મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો છે.જેમાં મોરબીના પાનેલી ગામના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન