કોરોના પછી માનવજીવનમાં બદલાવ, બોધપાઠ અને તકો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોના પછી માનવજીવનમાં બદલાવ, બોધપાઠ અને તકો

કોરોના પછી માનવજીવનમાં બદલાવ, બોધપાઠ અને તકો

 | 4:02 am IST
  • Share

  • પરિવર્તન : હવે રોટી-કપડાં અને મકાન ઉપરાંત હેલ્થ, વેલ્થ અને હેપિનેસ પણ ખૂબ જરૂરી
  • સારી રીતે જીવવા માટે સારું આરોગ્ય, આર્િથક આયોજન અને માનસિક શાંતિ તેમજ સુખાકારીની જરૂર છેઃ પ્રજાજીવનના પ્રવાહો
  •  મૃતકની પાછળ 12-12 દિવસ સુધી બેસવા લાગ્યા છે. સુરત જેવા શહેરોમાં રાત્રે 8થી 10 બેસણામાં જતા લોકોનો ટ્રાફિક થવા લાગ્યો છે.

માનવજીવનને વેર-વિખેર કરનાર કોરોના મહામારી હવે ધીરે-ધીરે વિદાયની તૈયારીમાં છે અને લોકો હવે નવી આશાઓ અને નવી ઉમંગ સાથે નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છે. ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને હવે દિવાળીના ઉત્સવમાં લોકો બધુ ભૂલી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી પછી લોકોના જીવન વ્યવહારમાં, આવેલા ફેરફાર, મળેલા બોધપાઠ અને ઊભી થયેલી તકો આવનાર નૂતન ભારતનું ભવિષ્ય ઘડશે.

કોરોનાના આકરા અનુભવ પછી લોકોનો અભિગમ બદલાયો, જીવનું જોખમ ઊભું થતા સામાજિક પ્રસંગો બંધ થયા કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે જીવન જીવતા શીખી ગયા છે. ધંધા વ્યવસાયના સાધનો બદલાયા-વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન વેપાર અને બિઝનેસ મિટિંગો અને સેમિનારને બદલે ‘વેબિનાર’ સર્વસ્વીકૃત અને મહત્ત્વનું સાધન બની ગયો. કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન એજ્યુકેશન અને વેબિનાર શબ્દ જાણીતા થયા. એટલું જ નહીં, ગામડાના સામાન્ય માણસો સુધી અસર જોવા મળી છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થવા લાગ્યો છે. ધંધા-વ્યવસાયનું સ્વરૂપ બદલાયું છે. સી.એ., વકીલ જેવા વ્યવસાયકારો કે તબીબો અને હોસ્પિટલોમાં હવે કામકાજ-વ્યવસ્થા અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટેપાયે ફેરફાર થયા છે. ગામડામાં ખેત-મજૂરી કરતા માણસ માટે મોબાઇલના માધ્યમથી કોમ્યુનિકેશન સામાન્ય થઈ ગયું જે સૌથી મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.

કોરોનામાં જાનહાનિ અને આર્િથક નુકસાન અંદાજી ન શકાય તેટલું મોટું છે. પરંતુ ખરેખર સૌથી મોટું નુકસાન ‘શિક્ષણક્ષેત્ર’ને થયું છે. બાળકોના માત્ર બે વર્ષ જ નથી બગાડયા પરંતુઓનલાઇન એજ્યુકેશન બાબતે હજુ આપણે દિશાવિહીન છીએ જે સૌથી મોટું નુકસાન છે. કોરોના કાળ પહેલાં ‘મોબાઇલ’ને દૂષણ ગણી ખૂબ નફરતની વાતો થઈ. શાળા, કોલેજ કે મેળવડામાં મોબાઇલ જાણે માનવજાતનો દુશ્મન હોય તે રીતે બાળકો સાથે વર્તન થયું છે. બાળક અને વાલીના મનમાં ‘મોબાઇલ માટે’ વધુ પડતી ગેરમાન્યતા ઊભી થઈ હતી. પરંતુ કોરોનાને કારણે શાળા ખુદ મોબાઇલમાં બાળકના ઘેર આવી ! પરંતુ ઘણા બધા પરિબળોને કારણે ભારતમાં ઓનલાઇન એજ્યુકેશન જોઈએ તેવું સફળ નથી થયું. શાળા, કોલેજો પાસે પણ ટાંચા સાધનો, ટેક્નોલોજીના જ્ઞાાનનો અભાવ પરિણામે ઓનલાઇન એજ્યુકેશન માટે ઔમોબાઇલની સરળ-સાદી રીત અપનાવી બાળક સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે. પરંતુ સામે છેડે બાળકો પાસે ઇન્ટરનેટની અપૂરતી સુવિધા અને સ્માર્ટ ફોન પણ ન હોય તેવા બાળકોનું શિક્ષણ રામ ભરોસે રહ્યું છે. છતાં બાળક પાસ થઈ ગયું છે. વાલીને પણ ઓનલાઇનમાં રસ જ ન હતો ! નાના બાળકો માટે સામાન્ય વાલી ઘરમાં બે ત્રણ સ્માર્ટ ફોન કઈ રીતે વસાવી શકે ? તેનો કોઈએ વિચાર પણ ન કર્યો. અનેક પ્રશ્નો, મુશ્કેલીઓ વચ્ચે બાળકના શિક્ષણના પ્રશ્નો અંગે વિચાર થઈ શક્યો નહીં. સરકારી તંત્ર કોવિડ-19ની ગાઇડલાઇન બહાર પાડી ઓનલાઇન શિક્ષણના પરિપત્રો બહાર પાડી દીધા. પરંતુ વાલી-બાળકમાં ઓનલાઇન એજ્યુકેશન અંગે જાગૃતિનું કામ કોઈએ પણ ન કર્યું પરિણામે પ્રાથમિક શાળાઓના બાળકો માટે ઓનલાઇન શિક્ષણ માત્ર નામનું જ રહ્યું છે. શહેરોમાં થોડુંક પણ કામ થયું છે. પરંતુ ગામડાઓના બાળકોમાં જાગૃતિ ન હતી અને સુવિધા પણ ન હતી.

પરંતુ કોરોના મહામારીએ માનવજાતને સૌથી મોટો બોધપાઠ આપ્યો છે, કેમ જીવવું ? આરોગ્ય શા માટે સાચવવું ? અને આર્િથક આયોજન વગર મુશ્કેલી મોટી આફત બની ત્રાટકે છે. છેલ્લા બે વર્ષમાં આરોગ્ય બાબતે, ખોટા ખર્ચ બાબતે અને પ્રસંગ-વ્યવહારોમાં ઘણા સુધારા સાથે પરિવર્તન જોવા મળ્યું હતું. પરંતુ હવે કોરોનાનો ડર જેમ ઓછો થતો જાય છે તેમ ફરી બેદરકારી અને મોટા ખર્ચા થવા લાગ્યા છે. જે ચિંતાનો વિષય છે. ટેલિફોનિક બેસણું અને માત્ર વોટ્સએપ મેસેજ પ્રથા ખરેખર કાયમ માટે સ્વીકારવા  યોગ્ય છે. માત્ર અંગત પરિવારજનો મળે તે યોગ્ય છે. પરંતુ ગામડાઓમાં ફરી પાછા મૃતકની પાછળ 12-12 દિવસ સુધી બેસવા લાગ્યા છે. સુરત જેવા શહેરોમાં રાત્રે 8થી 10 બેસણામાં જતા લોકોનો ટ્રાફિક થવા લાગ્યો છે. માંગલિક પ્રસંગોમાં પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. કોરોનાને કારણે સામાજિક પરિવર્તનની તક આપણે ગુમાવી રહ્યા છીએ. આવનારી પેઢીને રૂઢિગત રિવાજો, અંધશ્રદ્ધાઓમાંથી બહાર લાવવાની દિશામાં આગળ વધવાની મળેલી તક ગુમાવવી ન જોઈએ. સામાજિક પરિવર્તન આવી મોટી આફતમાં મળેલા બોધપાઠમાંથી આવતું હોય છે.

નોટબંધી પછી ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. તેમાં કોરોના મહામારીને કારણે ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ખૂબ ઉપયોગ થવા લાગ્યો છે. નોટબંધી અને કોરોના મહામારી આ બે ઘટના પછી સૌથી વધુ પરિવર્તન બેન્કિંગ સેક્ટરમાં આવ્યું છે અને હજુ આવી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને મોબાઇલથી આર્િથક વ્યવહાર કરતા થયા છે જે ખૂબ મોટો ફેરફાર જનસમૂહમાં થયો છે. સામાન્ય કરિયાણાનો દુકાનદાર કે શાકભાજી વેચનાર જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગે તો કેવડી મોટી ક્રાંતિ આવી શકે ? પરંતુ ભારત જેવા દેશમાં જનસમૂહના અભિગમ વ્યવહાર માન્યતાને બદલવી ખૂબ જ કઠિન છે.

સુરત જેવા શહેરમાં ડાયમંડ-ટેક્સ્ટાઇલ્સ અને હવે આઇટી ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. શેરીના નાકે આવેલ ડેરી-પ્રોડક્ટ કે ફરસાણની દુકાનેથી વસ્તુઓ પણ ઓનલાઇન મગાવી લેતા લોકો થયા છે. વાહન લઈને શાકભાજી ખરીદવા જતા બહેનો હવે ઓનલાઇન શાકભાજી મગાવે છે તેનાથી ઘણા ફાયદા છે.

ભારતમાં કોઈપણ બદલાવ માટે મોટી મુશ્કેલી જનમાનસ છે. જે નવી વાતને ઝડપથી સ્વીકારતું નથી. પરિવર્તન માટે આવેલી તકને ઝડપી શકાતી નથી. પરિણામ આર્િથક મહાસત્તા બનવાનું ભારતનું સ્વપ્ન હજુ અધૂરું રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ ફાઇનાન્સિયલ લિટ્રેસી માટે પ્રયાસ કરે છે. પરંતુ તેવી ઉત્સુકતા, ઉત્સાહ  લોકોમાં જોવા મળતો નથી. કોરોના કાળમાં ડિઝિટલ પેમન્ટ કે ઓનલાઇન વેપારના કારણે સાઇબર ફ્રોડ પણ વધ્યા છે. ત્યારે હવે લોકોને નાણાકીય જાગૃતતા માટે સઘન પ્રયાસની જરૂર છે.

વધુ સારી રીતે વધુ કમાણી કેમ કરવી ? ખર્ચ માટે શું કાળજી રાખવી ? બચતની ટેવ પાડવી. થયેલ બચતનું યોગ્ય રીતે રોકાણ કરવું અને તેમાંથી પણ આવક મેળવવી જોઈએ તમારા બેન્કિંગ વ્યવહારોને વધુ સુરક્ષિત રાખવા પૂરતી કાળજી લેવામાં આવે. આકસ્મિક રીતે આવતા નુકસાન અને ખર્ચ માટે યોગ્ય વીમા સુરક્ષા પણ જરૂરી છે. એટલું જ નહીં, જો કોઈપણ કારણોસર સાઇબર ફ્રોડના ભોગ બનીએ તો ઝડપથી ફરિયાદ ક્યાં કરવી ? કઈ રીતે કરવી ? ત્યાં સુધીની જાગૃતિની જરૂર છે. આ પરિવર્તન ખૂબ જરૂરી છે.

માત્ર એક શિક્ષકના જ્ઞાાન-કૌશલ્ય ઉપર આધાર રાખવાને બદલે દુનિયામાં જ્યાં પણ શ્રેષ્ઠ હોય તે ઓનલાઇન મેળવવામાં વધુ શાણપણ છે. ઓફલાઇન ભણતા બાળકને વધુ ભણાવવા શનિ-રવિમાં ઓનલાઇન લેક્ચર લેવામાં આવે તો સમય અને ખર્ચ વધુ બચાવી શકાય. શાળા-કોલેજોમાં થતી વાલી મિટિંગ પણ વેબિનારથી યોજવાનું ચાલું રહેશે. વાલી-બાળકને ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રોત્સાહન આપે તો માનસિકતા બનશે જે ખૂબ જરૂરી છે. ઘણી પરીક્ષાઓ પણ ઓફલાઇનને બદલે ઓનલાઇન જ લેવાશે. આ માટે પણ બાળકોએ સજ્જ થવાની જરૂર છે. નેટ-મોબાઇલની સુવિધા વધુ સારી કરવાની પણ જરૂર છે. જો આમ નહીં બને તો શિક્ષણક્ષેત્રે આવી રહેલ પરિવર્તન ધીમું પડી જશે. રોટી-કપડાં અને મકાન એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. આ સૂત્ર હવે અધૂરું છે. વર્તમાન સમયે અને ખાસ કરી કોરોનાના કપરા અનુભવ પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં હવે રોટી-કપડાં અને મકાન ઉપરાંત હેલ્થ, વેલ્થ અને હેપિનેસ પણ ખૂબ જરૂરી છે. લોકો પાસે હવે માત્ર ભોજન-કપડાં કે રહેવા માટે મકાન હોય તે પૂરતું નથી. તેને સારી રીતે જીવવા માટે સારું આરોગ્ય, આર્િથક આયોજન અને માનસિક શાંતિ તેમજ સુખાકારીની જરૂર છે. માણસ તેના માટે સક્રિય પ્રયાસ કરે તે જરૂરી છે.

કાનમાં કહું…

સંજોગો માણસને ઘડતા હોય છે.

પરંતુ તે માટે માણસે ઘડાવા તૈયાર થવું પડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો