કોરોના માટે સલાહો આપતાં વ્હોટ્સએપ ગુરૂઓથી બચો - Sandesh
  • Home
  • India
  • કોરોના માટે સલાહો આપતાં વ્હોટ્સએપ ગુરૂઓથી બચો

કોરોના માટે સલાહો આપતાં વ્હોટ્સએપ ગુરૂઓથી બચો

 | 1:43 am IST

સ્નેપ શોટ

કયારેય કલ્પના ના કરી હોય તેવી પરિસ્થિતિઓનું દરરોજ નિર્માણ થઇ રહ્યું છે. કોરોના વાઇરસને કારણે આખી દુનિયા લોકડાઉનના માર્ગ તરફ આગળ વધી રહી છે. આપણો દેશ તો ઓલરેડી લોકડાઉન થઇ ગયો છે ત્યારે રોજ નવી તકલીફો સામે આવી રહી છે. લોકડાઉનને કારણે જે વ્યક્તિ ક્યારેય ઘરમાં નથી રહ્યાં તે લોકોને ઘરમાં રહેવાની ફરજ પડતાં કેટલાંક લોકો ચીડિયા બની ગયાં છે. મુંબઇમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જેમાં લોકડાઉનમાં બહાર નીકળનાર નાના ભાઇની મોટાભાઇએ ચાકુ મારીને હત્યા કરી નાંખી છે. દુનિયાભરમાં કદાચ મુંબઇની આ હત્યા કોરોનાના કારણે પહેલો ક્રિમિનલ કેસ હશે.

સાઇકિયાટ્રિકસનું કહેવું છે કે જ્યારે કોઇ વ્યક્તિને જબરજસ્તીથી કોઇ કામ કરવું પડે કે કોઇ ફરજ પાડવામાં આવે ત્યારે માનવીના મગજનું સંતુલન બગડવા માડે છે. જેલમાં રહેતા કેદીઓ વાત વાતમાં અકળાઇ જાય છે તેનું કારણ આ જ છે. આજે દરેક વ્યક્તિ એક જાતની કેદમાં છે. જે લોકોના ઘર ખૂબ નાના છે, જે લોકો એક રૂમ રસોડું કે બે રૂમ રસોડામાં રહેતા હોય છે તે લોકોની હાલત વધારે કપરી બની શકે છે. આટલી નાની જગ્યામાં જ્યારે સતત રહેવાનું થાય ત્યારે માનસિક સંતુલન બગડવું સ્વાભાવિક વાત છે. નાની નાની વાતમાં ઘરવાળા સાથે ઝઘડાં થવાં અને તેના પરિણામે મારામારીના કિસ્સા બનવા પણ નવાઇની વાત નથી.

એકબાજુ લોકો ઘરમાં લોકડાઉનને કારણે ભરાઇને બેસી ગયાં છે. બીજીબાજુ સોશિયલ મીડિયા પર કોરોનાને કારણે જાતજાતની માહિતી અને જાતજાતની વાતો આવી રહી છે. લોકડાઉન પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ દેશમાં સૌથી વધારે પ્રમાણમાં થવા માડયો છે. લોકો પાસે કઇ બીજુ કામ જ નથી અને આ સંજોગોમાં તેઓ મોબાઇલ લઇને બેસી જાય છે. પરિણામે એ આવ્યું છે કે, નેટવર્ક સ્લો થવા માડયાં છે. વ્હોટ્સએપ અને ફેસબુક પર બની બેઠેલાં વ્હોટ્સએપ ગુરુઓ જાતજાતનું જ્ઞાન કોરોનાથી બચવા આપી રહ્યાં છે. અત્યાર સુધી ઓછામાં ઓછા ૨૫ જાતના ઉકાળાઓની રેસીપી દરેક મોબાઇલ ધારક પાસે આવી ગઇ હશે. આવું કરો તો કોરોના નહીં થાય, આવું કરશો તો કોરોનાનો ચેપ લાગી શકે છે, જેવી આધારહીન વાતો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. સાથે સાથે ફેક ન્યૂઝ અને અફવાઓનું બજાર પણ સોશિયલ મીડિયા પર બહુજ ગરમ છે. ફેક ન્યૂઝ એવા પ્રકારનાં ફરી રહ્યાં છે કે જેની કોઇને કલ્પના ના હોય. છેલ્લાં ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર એવા ન્યૂઝ ફરી રહ્યાં છે કે રશિયાએ લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કર્યું છે અને કોઇ ઘરની બહાર ના નીકળે એટલે શહેરની સડકો પર ૫૦૦ સિંહો છૂટા મૂકી દેવામાં આવ્યાં છે. આ ન્યૂઝ સાથે સડક ફરતા એક સિંહનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સમાચારની સચ્ચાઇ ચેક કરતા જાણવા મળ્યું કે, ત્રણ વર્ષ પહેલા વિદેશમાં સડક પર આવી ગયેલાં સિંહનો ફોટો હતો અને તેને આ રીતે ન્યૂઝ સાથે જોડી દેવામાં આવ્યો છે. આ પ્રમાણે જ્યારે જાતજાતનાં ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે ત્યારે અહિંયા કેટલીક ફેક્ટ ચેક અપાઇ છે. સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસને લઇને કેટલાક દાવા ખોટા કરવામાં આવી રહ્યાં છે તેને ભૂલથી પણ ફોરવર્ડ ના કરતાં. આ ખોટા મેસેજ શું છે તે અમે આપની સાથે શેર કરી રહ્યાં છે.

(૧) જનતા કરફ્યૂ વખતે થાળીઓ વગાડવાથી કોરોનાનો પ્રભાવ ઓછો થઇ ગયો. :- આ પ્રકારનો દાવો  વડાપ્રધાન મોદીએ ૨૨ માર્ચે જનતા કરફ્યૂની જાહેરાત કરી અને સાંજે ૫ મિનિટ થાળી વગાડવાની વાત કરી ત્યારથી શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર કહેવાયું કે, તાળીનો અવાજ અને થાળી વગાડવાના વાઇબ્રેશનથી કોરોના વાઇરસનો પ્રભાવ ઓછો થઇને ખતમ થઇ જાય છે. જો કે ભારત સરકારની ફેકટ ચેકિંગ ટીમે આ દાવાને જૂઠો ગણાવ્યો છે.

(૨) ઇઝરાઇલે કોરોનાની રસી શોધી કાઢી છે :- આ વાત સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઇ પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાતે જ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોરોના માટે કોઇ રસી શોધાઇ નથી.

(૩) સરકાર મફતમાં માસ્ક અને સેનિટાઇઝર આપે છે :-  મીડિયા પર કહેવાઇ રહ્યું છે કે કોરોનાથી બચવા સરકાર મફતમાં માસ્ક અને સેનિટાઇઝર આપી રહી છે પરંતુ આ વાત ખોટી છે. માસ્ક અને સેનિટાઇઝરનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરાઇ રહ્યું છે. પરંતુ તે મફતમાં આપવા માટે નહીં પરંતુ આરોગ્યકર્મીઓ અને સફાઇ સેવકો તથા પોલીસ કર્મીઓને આપવા માટે છે.

(૪) કોરોનાના ચેકિંગ માટે થતાં જાતજાતના દાવા :- સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસ તમને છે કે નહીં તે જાણવા માટે ઘરેલુ નુસખા બતાવાઇ રહ્યાં છે. જેમાં એવો દાવો કરાયો છે કે ઊંડો શ્વાસ લો અને ૨૦ સેકન્ડ સુધી રોકી રાખો. આ દરમિયાન જો તમને ખાંસી ના આવે તો સમજવું કે તમને કોરોનાનો ચેપ લાગ્યો નથી. આ વાતને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ખોટી ઠેરવી છે અને કહ્યું છે કે કોરોના વાઇરસની તપાસ સરકાર દ્વારા નક્કી કરેલી હોસ્પિટલોમાં જ ટેસ્ટ કરવાથી ખબર પડી શકે છે.

(૫) ભારતીય સેના કોરોના વાઇરસ માટે એક મોટી હોસ્પિટલ બનાવી રહી છે :- છેલ્લાં કેટલાક વખતથી સોશિયલ મીડિયા પર ત્રણ ફોટા વાઇરલ થઇ રહ્યાં છે અને તેમાં કહેવાઇ રહ્યું છે કે કોરોના પીડિત લોકો માટે ભારતીય સેના રાજસ્થાનના બાડમેરમાં ૧૦૦૦ બેડની હોસ્પિટલ બનાવી રહી છે. જો કે સેનાએ આ વાતને નકારી કાઢી છે.

(૬) લોકડાઉનમાં બહાર નીકળનારને ગોળી મરાશે :- લોકડાઉન પછી આવા મેસેજો પણ વાઇરલ થયાં છે. એમપી અને તેલંગાણામાં લોકડાઉનમાં બહાર નીકળનારને દેખો ત્યાંથી ઠારના આદેશ કરાયાં છે. જો કે કોઇ પણ સરકાર આવો આદેશ આપી ના શકે અને આ વાત પણ સદંતર જૂઠી છે.

(૭) કોરોના વાઇરસ હવાથી ફેલાય છે :- આ વાત પણ ખોટી છે. તાજેતરમાં WHOના ડોકટરોએ જાહેર કર્યુ છે કે કોરોના વાઇરસ હવાથી નથી ફેલાતો પરંતુ ખાંસતી વખતે અને છીંક ખાતી વખતે મોઢા અને નાકમાંથી જે છાટાં ઉડે છે તેનાથી આ વાઇરસ ફેલાઇ રહ્યો છે.  આમ સોશિયલ મીડિયા પર આવતી તમામ વાતો સાચી માનવી તે પણ એક બીમારી છે અને આ બીમારી માનિસક સંતુલન બગાડનારી બની શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન