કોરોના સંકટમાં મહિલાઓની દયનીય સ્થિતિ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોના સંકટમાં મહિલાઓની દયનીય સ્થિતિ

કોરોના સંકટમાં મહિલાઓની દયનીય સ્થિતિ

 | 8:37 am IST
  • Share

 

 

માર્ચ ૨૦૨૦માં સંપૂર્ણ લોકડાઉનમાં ઘરેલંુ હિંસાના આંકડા બમણા થઇ ગયા હતા. આ વર્ષમાં વિશ્વભરમાં લગભગ ૨૪.૩૦ કરોડ મહિલા પોતાની નજીકના જ લોકો દ્વારા થયેલી યૌન હિંસા કે અન્ય હિંસાનો ભોગ બની.

 

 

વિશ્વ વસતીમાં અડધોઅડધ પ્રમાણ ધરાવતી મહિલાઓ વિષે વંચિત, શોષિત અને પછાત જેવા શબ્દોનો ઉપયોગ આપણે હજીપણ કરવો પડે છે તે ચિંતનીય અને દુખદ ઘટના છે. કોવિડ-૧૯ અને ખાસ કરીને વારંવાર થતા લોકડાઉનનો સૌથી મોટો ભાર મહિલાઓ પર પડયો છે. ધ યુનિર્વિસટી ઓફ માન્ચેસ્ટર ગ્લોબલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટના એક અભ્યાસ મુજબ લોકડાઉનને કારણે નોકરી ગુમાવનારાઓમાં પુરુષોને મુકાબલે મહિલાઓનું પ્રમાણ વધુ છે. લોકડાઉન પૂરંુ થયા પછી કામ પર પાછા ફરવાના દરને જોવામાં આવે તો તે મોરચે પણ પુરુષો કરતાં મહિલાઓ ખૂબ પાછળ છે. લોકડાઉન દરમિયાન અનેક મહિલાની આવક શૂન્ય થઇ ગઇ કે પછી તેમાં ભારે ઘટાડો નોંધાયો. ઘરોમાં ઘરઘાટી તરીકે કામ કરીને કમાતી મહિલાઓની આવક પણ છિનવાઇ ગઇ. આ પૈકીની અનેક મહિલાઓ ફળ અને શાકભાજી વેચવા જેવા નાના-મોટા રોજગારમાં લાગી ગઇ. તેમની માસિક આવક પહેલાંને મુકાબલે ખૂબ જ ઘટી ગઇ.

વિશ્વ આરોગ્ય સંગઠનના ૨૦૧૯ના એક ર્વિંકગ પેપર ‘જેન્ડર ઇક્વિટી ઇન ધ હેલ્થ વર્કફોર્સ’ના જણાવ્યા મુજબ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રમાં ૭૦ ટકા કાર્યબળ મહિલાઓનું છે. પરંતુ વેતન સંબંધમાં લૈંગિક તફાવત જોવામાં આવે તો આરોગ્ય ક્ષેત્રે આ તફાવત ૨૮ ટકા છે. તેમ છતાં કોરોનાકાળ દરમિયાન નર્સ, શિશુ દેખભાળ કરતા મહિલા કર્મચારીઓ અને મહિલા સફાઇકર્મી પોતાની ફરજ નિભાવતા રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૦નો સંયુક્ત રાષ્ટ્ર અહેવાલ કહે છે કે મહિલાઓ કોવિડ-૧૯ ના કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલા ક્ષેત્રો સાથે સંબંધ ધરાવતી હોવાથી મહિલાઓ ખૂબ ઝડપથી નોકરી ગુમાવી રહી છે અને તેમના આવકસ્ત્રોત છિનવાઇ ગયા છે.

આ રિપોર્ટ મુજબ કોવિડ-૧૯ને કારણે વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં નવ કરોડ સાઠ લાખ લોકો નિર્ધનતાની ચરમસીમાએ પહોંચી જશે અને તેમાં ચાર કરોડ સાત લાખ મહિલા હશે. મેકિન્સેના જુલાઇ ૨૦૨૦ના અહેવાલ મુજબ મહામારીને કારણે મહિલાઓનો નોકરી ખોવાનો દર પુરુષોની તુલનામાં ૧.૮ ગણો વધુ છે. નિર્ધન મહિલાઓની સ્થિતિ વધુ દયનીય છે. કોઇક ખરાબ સમય માટે તેમણે કરી રાખેલી નાની બચતો ખલાસ થઇ ગઇ છે. સુરક્ષિત રાખેલા થોડાક પરંપરાગત ઘરેણાં પણ વેચાઇ ચૂક્યાં છે. મોટાભાગની નિર્ધન મહિલાઓ વ્યાજખોરોના અંતહીન ચક્રમાં ફસાઇ ચૂકી છે.

રાષ્ટ્રીય મહિલા પંચના આંકડા કહે છે કે માર્ચ ૨૦૨૦માં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ઘરેલંુ હિંસાના આંકડા બમણા થઇ ગયા હતા. આ વર્ષમાં વિશ્વભરમાં ૧૫થી ૪૯ વર્ષના વયજૂથની લગભગ ૨૪,૩૦,૦૦,૦૦૦ મહિલા પોતાની નજીકના જ લોકો દ્વારા થયેલી યૌન હિંસા કે શારીરિક હિંસાનો ભોગ બની. પુરુષોએ મોટી સંખ્યામાં રોજગારી ગુમાવી હોવાથી રોજીનાં સંકટ અને ભવિષ્યની ચિંતાએ તેમને વધુ ઉગ્ર અને હિંસક બનાવી દીધા. મહિલા હંમેશાંની જેમ તે હિંસાનો શિકાર બની અને પિતૃસત્તા આધારિત વિચારધારા પ્રમાણે સંચાલિત વ્યવસ્થામાં અન્ય મહિલાઓ તેમને હિંસાનો શિકાર બનતા જોતી રહી.

શહેરી મહિલાઓની સ્થિતિ પણ કાંઇ બહેતર ના રહી. વિમેન ઇન ટેકનોલોજી ઇન્ડિયાના અભ્યાસનાં તારણમાં કહેવામાં આવ્યું છે કે આઇટી, ટેકનોલોજી, બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાં કાર્ય કરનારી ૨૧થી ૫૫ વર્ષની મોટાભાગની મહિલા વર્ક ફ્રોમ હોમ કરી રહી છે. લોકડાઉનને કારણે ઘરના તમામ સભ્યો ઘરમાં રહેતા હતા અને બહાર કોઇ સહાયક સુવિધા ઉપલબ્ધ નહોતી તેવા સંજોગોમાં તેમનું ઘરેલું કામ પણ વધ્યું હતું. મેકિન્સેના અંદાજ મુજબ કોવિડકાળમાં ભારત મહિલાઓનાં ઘરેલંુ કાર્યમાં ૩૦ ટકા વધારો થયો. પિતૃસત્તાની પરંપરામાંથી આપણે બહાર નીકળી શક્યા હોત તો આ આંકડો આટલો ઊંચો ના જાત. આ વિચાર કહે છે કે મહિલા માટે પરિવાર સૌથી મોટી પ્રાથમિકતા છે, નોકરી નહીં. આ વિચાર એમ પણ સમજાવે છે કે પરિવારના વડા પુરુષનું મુખ્ય કાર્ય અર્થોપાર્જન છે.

આરોગ્યના ક્ષેત્રે પણ મહિલાઓની સ્થિતિ હતાશાજનક છે. કોવિડકાળમાં પ્રસૂતિ પૂર્વેની દેખરેખ, પ્રસવ અને પ્રવસ પછીની સાવધાનીઓના પાલનમાં અકલ્પનીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે હોસ્પિટલ્સ કોવિડ-૧૯નો સામનો કરવાને કામે લાગેલા છે, હોસ્પિટલના બાકી વિભાગ બંધ છે કે સીમિત ક્ષમતા સાથે ચાલી રહ્યા છે. શિશુ ઉપચાર, તેમને પોષક આહાર અને વિવિધ રસીની ઉપલબ્ધિ પણ મુશ્કેલ બની રહી છે. આ મોરચે આપણે આમેય વિકસિત દેશોથી ખૂબ પાછળ છીએ. કોવિડ-૧૯એ મહિલાઓના આરોગ્યને વધુ જોખમમાં મૂકી દીધું છે.

માર્ચ ૨૦૨૧માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ જારી થયો હતો. આ અહેવાલ કોવિડ-૧૯ના વિનાશકારી પ્રભાવોની સમીક્ષા કરતાં એવા તારણ પર પહોંચે છે કે લૈંગિક સમાનતા માટે મહિલાઓએ હવે વધુ એક પેઢી માટે પ્રતીક્ષા કરવી પડશે. કોવિડ-૧૯ના દુષ્પ્રભાવોને કારણે લૈંગિક સમાનતાનું લક્ષ્ય પ્રાપ્ત કરતાં ૯૯.૫ વર્ષ નહીં પણ ૧૩૫.૬ વર્ષ લાગશે.

આપણે અહીં માત્ર આર્િથક સ્થિતિની જ વાત કરી છે. પરંતુ લિંગ આધારિત આંકડા એકત્ર કરવા પહેલાં કોઇ તંત્ર હતું જ નહીં અને આજે પણ આ દિશામાં કોઇ પ્રયાસ નથી થઇ રહ્યા. તજજ્ઞાોનું કહેવું છે કે કામધંધો કરતી મહિલાઓ માટે પરિવર્તનશીલતા, કાર્યકલાકનું લચીલાપણું, રજાઓના સહાનુભૂતિ વિકલ્પ, તેમનાં બાળકોની દેખભાળ અને શાળાકીય શિક્ષણની બહેતર વ્યવસ્થા મહિલાઓની પરેશાની ઘટાડી શકે છે. શાળાઓ ફરી ખૂલે ત્યારે કન્યાઓને પાછી શાળામાં લાવવા સરકાર અને સામાજિક સંગઠનોએ વિશેષ પ્રયાસ કરવા પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો