કોવિડ મૃતક સહાય માટે સરકારી કચેરીમાં લોકોના ધરમધક્કા, સિવિલમાં કતાર લાગી - Sandesh
  • Home
  • Ahmedabad
  • કોવિડ મૃતક સહાય માટે સરકારી કચેરીમાં લોકોના ધરમધક્કા, સિવિલમાં કતાર લાગી

કોવિડ મૃતક સહાય માટે સરકારી કચેરીમાં લોકોના ધરમધક્કા, સિવિલમાં કતાર લાગી

 | 4:19 am IST
  • Share

સ્વૈચ્છિક સંસ્થાઓએ બહાર પાડેલા ફોર્મ યોગ્ય ફોર્મેટ ન હોવાથી સ્વીકારાતા નથી

યોગ્ય વ્યવસ્થાના અભાવે નાગરિકોને છ કલાક લાઇનમાં ઊભા રહેવું પડયું

કોરોનાને કારણે જે દર્દીનાં મોત થયાં છે તેમના વારસોને રૂ. 50 હજારની સહાય મળવા પાત્ર થશે, આ સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે પરંતુ મૃતકોના સગાઓને હવે સહાય મેળવવા રઝળપાટ કરવો પડી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુનિ. જન્મમરણ વિભાગ ખાતે 100 જેટલા લોકોની લાંબી કતાર લાગી હતી. યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને છ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડયું હતું. બીજી તરફ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૃતકોના વારસોને યોગ્ય જવાબ સુદ્ધાં મળતો નથી, લાલદરવાજા સ્થિત મામલતદાર કચેરીએ ફોર્મ માટે લોકો એકત્ર થયા હતા.

કોરોનામાં પિતાને ગુમાવનાર મણિનગરના ભૂમિબહેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સહાય માટેના ફોર્મની પ્રક્રિયા માટે અમે સુભાષબ્રિજ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગયા હતા, પરંતુ ત્યાંથી સરખો જવાબ સુદ્ધાં મળ્યો ન હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવ્યા હતા. પોતાની જેમ જ અન્ય લોકોને આવા કડવા અનુભવ થયા હતા. એ પછી લાલદરવાજા સ્થિત મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાંથી મણિનગર વોર્ડ ખાતે મોકલાયા હતા અને એ પછી માંડ ફોર્મ મળ્યું હતું. કેટલીક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ સહાય માટે ફોર્મ બહાર પડાયા છે, જે યોગ્ય ફોર્મેટમાં ન હોવાથી સ્વીકારવામાં આવતા ન હોવાનું લોકોનું કહેવું છે. બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ફોર્મની પ્રક્રિયાને લઈ મ્યુનિ. વિભાગ ખાતે લોકોની લાંબી લાઈન લાગી હતી. યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. મૃતકોના સગાનું કહેવું છે કે, તંત્રે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, સમયનો બગાડ ન થાય અને નાહકની પરેશાની થતી રોકી શકાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો