કોહલી સાથેના મતભેદ વચ્ચે કુંબલેનું કોચપદેથી રાજીનામું - Sandesh
  • Home
  • Ahmedabad
  • કોહલી સાથેના મતભેદ વચ્ચે કુંબલેનું કોચપદેથી રાજીનામું

કોહલી સાથેના મતભેદ વચ્ચે કુંબલેનું કોચપદેથી રાજીનામું

 | 3:30 am IST

મુંબઈ, તા.  ૨૦

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે કુંબલેએ કોચપદેથી રાજીનામું આપી દીધું છે. કુંબલેનો કોચપદ તરીકેનો કરાર પણ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ સંચાલકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કુંબલેને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ સુધી ભારતીય ટીમના કોચપદે જાળવી રાખ્યા હતા. કુંબલેએ રાજીનામું આપ્યું તે પહેલાં જ ભારતીય ટીમ ૨૩મી જૂનથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝ જવા માટે કોચ વિના જ રવાના થઈ હતી.

કુંબલેની ફ્લાઇટ ટિકિટ પણ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે જ બુક કરાવી હતી તેમ છતાં કુંબલે ટીમ સાથે નહોતા ગયા. આ માટે કુંબલેએ કહ્યું કે લંડનમાં આઈસીસીની મિટિંગને કારણે ભારતીય ટીમ સાથે ગયો નથી પરંતુ મોડી સાંજે તેમણે બોર્ડને પોતાનું રાજીનામું મોકલાવી દીધું. અગાઉ ગત શનિવારે વિરાટ કોહલી અને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી તથા વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય કેપ્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે, તે કુંબલેને કોઈ પણ ભોગે કોચ તરીકે જોવા માગતો નથી.

અનિલ કુંબલે જૂન ૨૦૧૬માં રવિ શાસ્ત્રી અને ટોમ મૂડી જેવા ૫૭ દિગ્ગજોને પછાડી ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. તેમની પસંદગી સચિન, સૌરવ અને લક્ષ્મણની સલાહકાર સમિતિએ કરી હતી. કોચ તરીકે કુંબલેના કાર્યકાળમાં ભારતીય ટીમે સતત પાંચ ટેસ્ટ સિરીઝ જીતી હતી અને ટેસ્ટમાં નંબર વન ટીમ બની હતી. કુંબલે કોચ હતા ત્યારે ભારતે હોમ સિઝનમાં શાનદાર દેખાવ કરતાં ૧૩માંથી ૧૦ ટેસ્ટ જીતી હતી અને બે ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.

કુંબલેના રાજીનામાના પાંચ કારણ 

કુંબલે ગત વર્ષે ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. એક વર્ષમાં તેણે શાનદાર દેખાવ કર્યો તો પણ પોતાની ખુરશી બચાવી શક્યા નહોતા. તેની પાછળ ઘણા કારણ છે પરંતુ સૌથી મોટું કારણ કેપ્ટન વિરાટ કોહલીને માનવામાં આવી રહ્યો છે. ૧. કુંબલેના નામ પર જાહેરમાં કોહલીનો વિરોધ, ૨. કોચ તરીકે રવિ શાસ્ત્રી કોહલીની પસંદ, ૩. રવિવારે જ કુંબલેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો., ૪. બોર્ડમાં કુંબલેની તરફેણ કરનાર કે ખૂલીને સાથ આપનાર કોઈ નહોતું., ૫. અનુશાસનનું સખતાઈથી પાલન કરાવવું પણ કુંબલેની વિરુદ્ધમાં ગયું હતું.

હવે શું?

બીસીસીઆઈ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ જ કોચ માટે અરજી મગાવાઈ હતી જેમાં સેહવાગ, ટોમ મૂડી, રિચર્ડ પાયબસ, ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, ડોડા ગણેશે પણ અરજી કરી છે તે પૈકી સેહવાગ અને ટોમ મૂડી કોચની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમાં પણ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ દ્વારા જ સેહવાગને અરજી કરવા જણાવાયાનું પણ ચર્ચા ચાલી હતી.